સુરત: મોજીલા સુરતીલાલાઓ ખાવાના શોખીન છે. લગભગ દર વીકએન્ડ પર સુરતી પરિવારો હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે, તેના જ લીધે સુરતમાં રેસ્ટોરન્ટનો બિઝનેસ સારો ચાલે છે, પરંતુ કેટલાંક રેસ્ટોરન્ટવાળા બગડેલો વાસી ખાદ્યપદાર્થ પીરસી સુરતીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારની એક પિઝા શોપમાંથી આરોગ્ય વિભાગને બગડેલા ફુગવાળા વાસી બ્રેડ મળી આવ્યા છે. દુર્ગંધ મારતા વાસી બ્રેડના પિઝા ગ્રાહકોને ખવડાવતી આ શોપને પાલિકાએ સીલ મારી દીધું છે.
સરથાણા જકાતનાકા વિસ્તારની વિલિયમ જૉન્સ પિઝા (એચ.કે ફુડ)માં આમ આદમી પાર્ટીનાં સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી તેમના પરિવાર અને મિત્રમંડળ સાથે નાસ્તો કરવાં ગયાં હતાં. જ્યાં ખાદ્યપદાર્થની ક્વોલિટી ખુબ જ ખરાબ અને વાસી હોવાનું માલુમ પડ્યું હતું. બ્રેડ પર ફૂગ બાઝેલી હતી. જેથી તેમણે તુરંત જ ફૂડ ઇન્સ્પેક્ટર સાલુંકેને ટેલિફોનિક ફરિયાદ કરી ફૂડ સેમ્પલ ચેક કરવાં માટે જણાવ્યું હતું.
સુરતમાં વિલિયમ જોન્સ પિઝામાં ગ્રાહકને અખાદ્ય પિઝા બ્રેડ પીરસાતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. બ્રેડ ખુબ જ વાસી હતાં અને દુર્ગંધ મારતી હતી, એટલું જ નહીં, આ બ્રેડ પર ફુગ પણ બાઝેલી હતી. ફુડ વિભાગને આ અંગે જાણ કરાતા મનપાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા.
ફુડ વિભાગ દ્વારા વિલિયમ જોન્સ પિઝા નામની સંસ્થાને નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ આ સંસ્થા બંધ કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બ્રેડલાઈનરમાંથી પણ પફમાંથી ફુગ નીકળી હતી અને સેમ્પલ ફેઇલ હોવાનો રીપોર્ટ આવતા કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.