નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) હરદીપ નિજ્જરની હત્યાના (HardipNijjarMurder) મામલે ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો જાહેરમાં આક્ષેપ કર્યો છે, ત્યારે હવે આ કેસમાં જગત જમાદાર અમેરિકાએ (America) કેનેડાના સમર્થનમાં પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાએ હરદીપ નિજ્જરના હત્યા કેસમાં તપાસ થવી જોઈએ તેમ કહ્યું છે. આ સાથે આ મામલે ભારતને અમેરિકા તરફથી કોઈ છૂટછાટ નહીં મળે તે સ્પષ્ટ કર્યું છે. ત્યારે હવે કેનેડા-ભારત વચ્ચે તણાવની સ્થિતિ વધુ વકરી શકે તેવા સંજોગો ઉભા થયા છે.
ભારત પર કેનેડાના આરોપોને લઈને અમેરિકા કડક બનતું જણાય છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના આરોપો પર અમેરિકાએ કહ્યું છે કે આ મામલે ભારતને અમેરિકા તરફથી કોઈ ખાસ છૂટ નહીં મળે.
ગુરુવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કડક સ્વરમાં કહ્યું કે અમેરિકા તેના મૂળભૂત સિદ્ધાંતો માટે ઊભું રહેશે, પછી ભલે તે કોઈપણ દેશથી પ્રભાવિત હોય. વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સુલિવને કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડાના આરોપો અંગે ખૂબ જ ચિંતિત છે અને તપાસને સમર્થન આપે છે.
તેમણે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે ગુનેગારોને સજા મળે. પત્રકારોએ સુલિવાનને પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ જો બિડેન આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે અને શું આ વિવાદ અમેરિકા અને ભારતના સંબંધો માટે ખતરો પેદા કરી શકે છે?
જવાબમાં સુલિવને કહ્યું કે તેઓ ખાનગી રાજદ્વારીની વાટાઘાટો વિશે વાત કરવા માંગતા નથી પરંતુ અમેરિકા આ મુદ્દે ઉચ્ચ સ્તરે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે.
અમેરિકા ભારતને ખાસ છૂટછાટ આપશે નહીં તે સ્પષ્ટ થઈ ગયું છે. સુલિવને કહ્યું કે, આ અમારા માટે ચિંતાનો વિષય છે. એક બાબત છે તેને અમે ગંભીરતાથી લીધી છે. તેના પર કામ ચાલુ રાખીશું. અમે કોઈપણ દેશની પરવાહ કર્યા વિના આ દિશામાં તપાસ કરીશું. અમારા મૂળભૂત સિદ્ધાંતો માટે ઉભા રહીશું.