SURAT

સુરતમાં સરકારી કોન્ટ્રાકટરને ધમકી: ‘તારે જીવતા રહેવું હોય તો ડો.નિરંજન વિષ્ણુની મેટર પતાવી દેજે’

સુરત: (Surat) મોટા વરાછા ખાતે રહેતા સરકારી કોન્ટ્રાક્ટરના ઘરમાં ઘુસી આવેલા વ્યક્તિએ તારે જીવતા રહેવું હોય તો ડો.નિરંજન વિષ્ણુની મેટર પતાવી દેજે એવું કહી કોલર પકડી બે ત્રણ ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી. કોન્ટ્રાક્ટરે આ અંગે સાત જણા સામે ફરિયાદ (Complaint) નોંધાવી છે.

  • ‘તારે જીવતા રહેવું હોય તો ડો.નિરંજન વિષ્ણુની મેટર પતાવી દેજે’ કહી સરકારી કોન્ટ્રાકટરને ધમકી
  • ડોક્ટરે કોન્ટ્રાક્ટરને ધંધામાં રોકાણ માટે બે વર્ષ પહેલાં 60 લાખ આપ્યા હતાં, જે પરત નહીં મળતાં અકળાયા
  • ગગજી ભરવાડને વાત કરી માણસો મોકલી કોન્ટ્રાક્ટરને ધમકાવ્યા, સાત વિરુદ્ધ ફરિયાદ, ડોક્ટર સહિત બેની ધરપકડ

ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા યમુના ચોક રિવર પેલેસમાં રહેતા 30 વર્ષીય પ્રશાંતભાઈ મનસુખભાઈ ચોપડા સરકારી કોન્ટ્રાકટર છે. તેમણે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ડો.નિરંજન વિષ્ણુ, ખુમાનભાઈ, ગગજીભાઈ અને 4 અજાણ્યા સહિત 7 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 14 અને 15 તારીખે રાત્રે દસ વાગ્યાના અરસામાં ચાર અજાણ્યાઓ તેમના ઘરે આવ્યા હતા. અજાણ્યાઓએ પ્રશાંતભાઈનો કોલર પકડી બે ત્રણ ઝાપટ મારી દીધી હતી.

તારે જીવતા રહેવું હોય તો ડો.નિરંજન વિષ્ણુની મેટર પતાવી દેજે, તેવી ધમકી આપી નાસી ગયા હતા. ડો.નિરંજન વિષ્ણુએ સરકારી કોન્ટ્રાકટર પ્રશાંતભાઈને બે અઢી વર્ષ પહેલા ધંધામાં રોકાણ કરવા માટે 60 લાખ આપ્યા હતા. જે પૈસાની અવારનવાર માંગણી કરવા છતાંયે નહી આપતા ડો.નિરંજને પૈસા કઢાવવા માટે માથાભારે ગગજી ભરવાડને વાત કરી હતી અને તેણે માણસો મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી ડોક્ટર સહિત બેની ધરપકડ કરી છે.

મોટા વરાછામાં DGVCLના કર્મચારીએ કાર ખરીદવાની લ્હાયમાં 1.85 લાખ ગુમાવ્યા
સુરત: મોટા વરાછા મહારાજા ફાર્મ પાસે રહેતા યુવક સાથે ગાડીના બહાને રૂપિયા ૧.૮૫ લાખની ઠગાઈ થયાની ફરિયાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા મહારાજા ફાર્મ પાસે સુમન નિવાસ ખાતે રહેતા 31 વર્ષીય નિકુંજ જીતેન્દ્રભાઈ વાઘેલા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરે છે. તેમણે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમિતકુમાર ઉર્ફે લાલો મહેશ ચાવડા (રહે, શુભમ ઍવન્યુ અબ્રામા રોડ મોટા વરાછા)ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અમીતની વેગનઆર કાર 3.75 લાખમાં લેવાનું નિકુંજે નક્કી કર્યું હતું.

ટોકન પેટે 2 લાખની માંગણી કરતા નિકુંજે તેને પહેલા 1.45 લાખ અને પછી રોકડા 95 હજાર મળી કુલ 2.40 લાખ આપ્યા હતા. બાદમાં કાર પણ નહીં આપતા અમીતે આપેલા રૂપિયામાંથી 90 હજાર પરત કરી આપ્યા હતા. તેની પાસેથી 1.50 લાખ લેવાના બાકી હતા. બાદમાં બીજી કાર અપાવશે તેવું કહીને થોડા દિવસ અટકાવી રાખ્યા હતા અને પછી એક દિવસ બીજા ગ્રાહકને બિલ આપવાનું કહીને નિકુંજભાઈ પાસેથી ક્રેડિટ કાર્ડ માંગ્યું હતું. જેના રૂપિયા 35 હજાર પરત આપી દેશે તેમ કહ્યું હતું. કુલ રૂપિયા 1.85 લાખની અવાર નવાર માંગણી કરવા છતાંયે પૈસા પરત નહીં આપી ઉપરથી આરોપી અમિતકુમારે તેના પિતા સાથે ગાળાગાળી કરી ધમકી આપી હતી. ઉત્રાણ પોલીસે અમિત ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top