Charchapatra

શું ગણેશપ્રભુને આ મંજૂર હશે?

શ્રી ગણેશજીના આગમનને હજુ ઘણા દિવસો બાકી હોવા છતાં એમના આગમનની તૈયારી ત્રાસ રૂપે થઇ ચૂકી છે ! ડી.જે.નો ઘોંઘાટ અને મૂર્તિ લાવવાના સમયે જે ટ્રાફીક જામની સમસ્યા થાય છે એ જેણે અનુભવી હોય એને જ ખબર હોય! ડી.જે.નું સંગીત એટલું ‘કર્ણત્રાસ’ આપે કે ઘરનાં બારી-બારણા ધણધણી ઊઠે ! વયસ્ક નાગરિક, બિમાર વ્યકિત કે અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો વિચાર જ ન કરવાનો ? દિવસો પહેલાં પંડાલ બાંધવામાં અડધો રસ્તો રોકી લે! વાહન વ્યવહારનું જે થવાનું હોય તે થાય ! કંઇ બોલવા જઇએ તો ‘ધાર્મિક લાગણી’ દુભાઇ જાય! પ્રજાને થતી તકલીફનું ન વિચારવાનું પણ ટ્રાફિક જામ તો કરવાનો જ! શું ગણેશ પ્રભુને આ માન્ય હશે ખરું ?

એમને તમે મૂર્તિ સ્વરૂપે પૂજો છો તો એમના ‘કર્ણેત્રાસ’નું તો વિચારો ! દસ દિવસ પૂજન-અર્ચન કરી પછી તાપી કિનારે એમનું વ્યવસ્થિત વિર્સજન ન થતાં કયારેક મૂર્તિઓ કિનારે અટવાતી હોય છે ! શું આ યોગ્ય છે. દેખાદેખીમાં એક જ વિસ્તારમાં થોડા જ અંતરે બે મૂર્તિનું સ્થાપન કરી હુંસાતુસી થતી હોય છે ! સરકારની ઘણી ‘ના’ હોવા છતાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું સ્થાપન થતું હોય છે ! ગણેશપ્રભુ પણ અંતરના ભાવના ભૂખ્યા હોય છે. એમને ઘોંઘાટ ભર્યા ડી.જે. અને રોશનીની ઝકમઝાળની આવશ્યકતા જ નથી ! દસ દિવસ સ્વયંના આનંદ માટે પ્રભુને નિમિત્ત બનાવાના ! અન્ય નાગરિકોને પડતી તકલીફનું વિચારવાનું જ નહીં? ગણેશપ્રભુને આ મંજૂર ન જ હોય.
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top