નડિયાદ: કઠલાલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં વ્યક્તિ વિરોધને લઈ ભાજપના પાંચ સભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેડવાળા ઉમેદવારને હરાવી સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા સભ્ય અને પ્રમુખ તરીકે દાવેદારી કરનારા ઉમેદવારને સમર્થન આપતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને ખુદ જિલ્લા પ્રમુખ આ મામલે દોડતા થયા છે અને પ્રમુખ દ્વારા 24 કલાક પુરા થાય તે પહેલા જ પાંચેય સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
કઠલાલ નગરપાલિકામાં ગુરૂવારના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્યની હાજરીમાં જ પાંચ સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા નીચું જોવાની વારી આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હર્ષદ પટેલનો સભ્યો સહિત નગરજનો તેમજ પાલિકાના સભ્યોમાં નારાજગી હોવા છતાં જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવતા આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. જેને લઈ છેલ્લી ઘડીએ ભાજપના દાવ ઊંધો પડી ગયો અને પાંચ સભ્યોએ બળવો કરી ક્રોસ વોટિંગ કરતા પ્રશાંત પટેલ પ્રમુખ બન્યા હતા. નમતી સાંજ સુધી કઠલાલ નગરમા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને આખરે રાત્રીના જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ કઠલાલ દોડી જઈ સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સભ્યો સહિત સંગઠન સાથે મનોમંથન કર્યું હતું. આ સાથે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને 24 કલાક પણ પૂરા થયા નહોતા, તે પહેલા જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે ક્રોસ વોટીંગ કરનારા 5 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરી દીધા છે.
જિલ્લા પ્રમુખ સામે પણ હર્ષદ પટેલનો સભ્યોએ વિરોધ દર્શાવ્યો હોવાની વાત સામે આવી છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ બિપીનભાઈ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાંથી નિર્ણય લેવામાં આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે. જ્યારે હર્ષદ પટેલનો વિરોધ હોવા છતાં જિલ્લા પ્રમુખ દ્વારા તેઓના નામનું મેન્ડેડ આપવામાં આવતા પાર્ટીના નિર્ણય શક્તિ પર પણ હાલ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચ બળવાખોરને ક્રોસ વોટિંગ મામલે સસ્પેન્ડ કરી પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાની રણનીતી પર કામ કરવામાં આવનાર હોવાની નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રોસ વોટીંગથી વિજેતા બનેલા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આદેશ કરશે અને પાર્ટીને સાથે રાખી આવનારા દિવસોમાં વિકાસના કાર્યો કરીશું.
તેમના આ નિવેદનથી તેઓ ભાજપ તરફી લાગણી ધરાવે છે. પરંતુ તેઓ જે રીતે પ્રમુખ બન્યા છે, તે જોતા પક્ષમાં ઘેરા પડઘા પડ્યાં છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટીમાં માને છે અને શિસ્ત વિરૂદ્ધ જનાર સામે પણ કડક પગલા ભરવામાં આવ્યાં છે. હવે જોવાનું રહ્યું કે સસ્પેન્સ બાદ બીજા કેવા પગલાં ભરાય છે.
5 સભ્યો બરતરફ
જીગ્નેશ ભાવસાર, જશીબેન ભીલ, રમીલાબેન થોરી, સલમાબેન વ્હોરા, વર્ષાબેન ભોઈ
19 સભ્યોએ પ્રશાંત પટેલનું નામ આપ્યુ
નડિયાદ કમલમ ખાતે પાલિકાના સભ્યોની સેન્સ લેવામાં આવી હતી. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ 24 માંથી 19 સભ્યો દ્વારા પ્રશાંત દિલીપભાઈ પટેલને પ્રમુખ પદ આપવા ભલામણ કરવામાં આવી હતી. પરંતુ સેન્સ લીધાના થોડા સમય બાદ પ્રકાશભાઈ જયંતીભાઈ પટેલના નામ પર પાર્ટી દ્વારા મોહર લગાવી હતી.
નો રિપીટની થિયરી નેવે મુકાતા દાવ થયો
હર્ષદભાઈ પટેલ અગાઉની અઢી વર્ષની ટર્મમાં ઉપ પ્રમુખ રહી ચુક્યા છે. તેમ છતાં પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ પ્રશાંતભાઈ પટેલની જગ્યાએ હર્ષદ પટેલના નામનું મેન્ડેડ રજુ કરતા બળવો થયો અને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પોતાના મતનો યોગ્ય ઉપયોગ કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મેન્ડેડ ફાળવણી સામે અનેક પ્રશ્નો ઉભા થયા.
અગાઉના હોદ્દેદારોએ વિવાદીત નિર્ણયો લીધા
દિવાળી જેવા તહેવારના ટાણે અગાઉની ટર્મના હોદ્દેદારો દ્વારા નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરી વેપારીઓને ઘરાકીના સમયે દુકાનો બંધ રાખવાની વારી આવી હતી. તેમજ થોડા દિવસ અગાઉ પાલિકા દ્વારા નગરમાં માનીતાના દબાણો નહીં તોડી ફક્ત નાના વહેપારીઓના દબાણો તોડવાના સમયે પાલિકાના તઘલખી નિર્ણય સામે ઝઝૂમવા જૂજ સભ્યો જ હજાર રહ્યા હતા.