વ્યારા: (Vyara) છત્તીસગઢના CISFના જવાનની પત્નીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી આવેલા શખ્સે પોતાની ૧ વર્ષની નાની દીકરીને ભોજન પીરસતી વેળાએ બંધ દરવાજો (Door) ખોલી ઘરમાં ઘૂસી છેડતીનો પ્રયાસ કરતાં નિઝર પોલીસે (Police) આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- CISFમાં નોકરી કરતા યુવાનની પત્નીનો પુત્રીની નજર સામે છેડતીનો પ્રયાસ
- નિઝરના બોરદાનો સંદીપ નોકરીને કારણે છત્તીસગઢ રહે છે
- એકલતાનો લાભ લઈ યુવક ઘરમાં ઘૂસી આવ્યો ને મહિલાનો હાથ પકડી લીધો
બનાવની વિગત એવી છે કે, નિઝરના બોરદા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંદીપભાઇ પ્રતાપભાઇ વળવીની પુત્રી (ઉં.વ.૨૯)નો પતિ છત્તીસગઢમાં CISFમાં નોકરી કરે છે. પોતાની એક વર્ષની દીકરી સાથે ઘરે એકલી રહેતી હોવાથી ગત તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ ઘરમાં દીકરીને જમાડતી હતી, એ વેળા રાતના આશરે ૧૦ વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખોલી એક ઇસમ ઘરમાં ઘૂસી આવ્યો હતો. હાથ પકડી તું મારી સાથે આવવાની છે કેમ અને તું મારી સાથે નહીં આવે તો હું તને જાનથી મારી નાંખીશ તેમ કહેતાં આ ઇસમને મહિલાએ ધક્કો માર્યો હતો.
ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતા જયસિંગ વળવી પોતાના ઘરેથી બહાર નીકળી શું થયું તેમ પૂછવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ કરતાં તેણે આ ઇસમનું નામ હિતેન્દ્ર પ્રવીણ પાડવી (રહે.,બોરદા, ટાંકી ફળિયું, નિઝર)નો હોવાનું જણાવ્યું હતું. જવાનની પત્નીએ સાસુ-સસરા નજીકમાં જ રહેતા હોવાથી આ ઘટનાની તેમને અને પોતાના પતિને ટેલિફોનિક જાણ કરી છેડતી કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બેંકમાં મૂકેલા દાગીના લાવી પરિવારે ઘરમાં મૂક્યા, તસ્કરો હાથ સાફ કરી ગયા
કામરેજ: નવાગામના દાદા ભગવાન કોમ્પ્લેક્સમાં ફ્લેટ બંધ કરી પત્ની બીજા બિલ્ડિંગ આવેલા માતાને ઘરે ગઈ અને પતિ સંગીતના કાર્યક્રમ માટે મુંબઈ જતાં બંધ ફ્લેટમાંથી તસ્કરો કબાટમાં પડેલા રૂ.3,82,936નાં ઘરેણાંની ચોરી નાસી છૂટ્યા હતા.
મૂળ અમદાવાદના ધંધુકાના હેબતપુરના વતની અને હાલ કામરેજના નવાગામ ખાતે આવેલા દાદા ભગવાન કોમ્પ્લેક્સમાં સી બિલ્ડિંગમાં ફ્લેટ નં.804 માં નિરાલીબેન હર્ષદીપભાઈ ભટ્ટ પતિ સાથે રહે છે. બે દિવસ અગાઉ બેંકમાં મૂકેલા દાગીના પતિ સાથે લઈને સુરત ખાતે પતિના સંગીતના વાજીન્દ્રો લેવા માટે ગયા હતા. રાત્રિના ઘરે આવીને દાગીના કબાટમાં મૂકીને પતિ-પત્ની બંને સૂઈ ગયાં હતાં. ગુરુવારે હર્ષદીપ ભટ્ટને મુંબઈ સંગીતનો કાર્યક્રમ હોવાથી સવારે છ કલાકે ઘરેથી મુંબઈ જવા માટે નીકળી ગયા હતા.
સવારે 11 કલાકે નિરાલીબેન ઘરે એકલા જ હોવાથી દાદા ભગવાન કોમ્પ્લેક્સમાં બીજા એપાર્ટમેન્ટમાં રહેતાં માતા-પિતાના ઘરે પોતાનું ઘર બંધ કરીને ગયાં હતાં. સાંજે 4.45 કલાકે ઘરે આવીને બેડરૂમમાં જતાં કબાટ ખુલ્લો દેખાતાં કબાટમાં જોતાં રાત્રે મૂકેલી બે સોનાની ચેઈન, છ નંગ સોનાની વીંટી, બે સોનાના પેન્ડલ, સોનાનો સેટ, કાનની ઈયરિંગ મળી કુલ રૂ.3,82,936ની ચોરી થતાં પતિને ટેલીફોનીક જાણ કરી કામરેજ પોલીસમથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં કબાટના બીજા ખાનામાં પણ મૂકેલાં ઘરેણાં બચી ગયાં હતાં.