ગાંધીનગર : નેપાળમાં (Nepal) રસાયણિક ખાતરની (chemical fertilizer) સમસ્યા ઉદ્ભવી છે અને આ સંકટથી બહાર નિકળવા માટે તાજેતરમાં જ નેપાળના (Nepal) પ્રતિનિધિમંડળે હરિયાણામાં (Haryana) કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી. કુરુક્ષેત્રના ગુરુકુળમાં જ પ્રાકૃતિક ખેતીનું મોડલ સર્વપ્રથમ શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા 31મેથી 3 જૂન સુધી નેપાળના વડાપ્રધાન (PM) ભારતની (India) મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમને પ્રાકૃતિક ખેતી તરફ જવા માટે સૂચન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ તેમને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
- ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ કુરુક્ષેત્રમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ તા.31મેથી 3 જૂન સુધી ભારતના પ્રવાસે હતા. આ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ નેપાળના ખાતર સંકટનો ઉલ્લેખ કરીને સહયોગનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાનને રસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની સલાહ આપી હતી. તેમણે ગુજરાત અને હરિયાણામાં થઇ રહેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી વિશે સમજવા માટે નેપાળથી એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. તેમાં વિદેશ મંત્રાલયના અપર સચિવ ગોકુલ વીકે તેમજ કૃષિ, પશુપાલન અને ડેરી વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો પણ સામેલ છે.
ગુરુકુળ પહોંચેલા નેપાળના ખેડૂત લેખનાથ વિશાલ, દામોદર ઢકાલ, પ્રત્યુષ રાણા, પુસ્કર કેસી અને ધર્મા શાસીના જણાવ્યા અનુસાર નેપાળમાં ખેતીની જમીન ઓછી છે અને સરકાર તરફથી મદદ પણ ઓછી મળે છે. આ કારણે જ ખેડૂતોની સુખાકારી વધી નથી. હવે ત્યાંના ખેડૂતો રસાયણિક ખાતરથી મુક્તિ મેળવવા માંગે છે. ગુરુકુળમાં તેમણે ખેતીનું એવું મોડલ જોયું જે અત્યંત સરળ છે અને ઉત્પાદન વધારવા માટે સક્ષમ છે. આ મોડલ ખેડૂતો માટે કારગર સાબિત થઇ શકે છે. બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે નેપાળથી આવેલા પ્રતિનિધિઓને ત્રણ દિવસ સુધી પ્રાકૃતિક ખેતીની બારીકી વિશે જણાવવામાં આવશે. નેપાળનું પ્રતિનિધિમંડળ પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા અંગે ઘણું ઉત્સુક છે.