બારડોલી: (Bardoli) બારડોલીમાં કલેક્ટરની (Collector) ઉપસ્થિતિમાં ગણેશમંડળોની એક બેઠક યોજાઇ હતી, જેમાં ત્રણ ફૂટથી નાની માટીની મૂર્તિને આ વખતે નદીમાં (River) વિસર્જિત કરવા દેવાની મંજૂરી આપવામાં આવતાં ગણેશભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. 6 વર્ષ બાદ નદીમાં વિસર્જનને મંજૂરી મળી છે. જો કે, કેટલાંક ગણેશમંડળોએ પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિ નદીમાં વિસર્જિત કરવા દેવામાં આવે તેવી માંગ કરી હતી. જેને કલેક્ટર આયુષ ઓકે ફગાવી દીધી હતી.
- બારડોલીમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં ગણેશમંડળોની બેઠક મળી
- ત્રણ ફૂટની નાની માટીની મૂર્તિને મંજૂરી, પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિ નદીમાં વિસર્જિત કરવાની માંગ કલેક્ટરે ફગાવી
બારડોલીના સિનિયર સિટિઝન હોલ ખાતે કલેક્ટર આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, એસડીએમ જનમ ઠાકોર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણેશ મંડળોની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન પડતી મુશ્કેલી તેમજ ગણેશ મંડળોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા નક્કી કરેલા નિયમો અંગે પણ ગણેશ મંડળોને વાકેફ કરવામાં આવ્યા હતા. સુરત કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, પ્રાયોગિક ધોરણે આ વખતે ત્રણ ફૂટની માટીની મૂર્તિને નદીમાં વિસર્જન માટેની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તેમાં પણ કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. વસ્ત્ર, આભૂષણ, પૂજા સામગ્રી, ફૂલહાર વગેરેનું નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખવા અપીલ કરી હતી. ભૂતકાળમાં સુરત કલેક્ટરને દસ લાખ રૂપિયાનો દંડ થઈ ચૂક્યો છે. ત્યારે એવી કોઈ ઘટના ન બને જેથી તંત્ર અને ગણેશ ભક્તોની મુશ્કેલી વધી શકે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત નવ ફૂટથી ઊંચી મૂર્તિ હશે તો તે અંગે તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે. જો જાણ કરવામાં નહીં આવે તો અવ્યવસ્થા સર્જાઈ શકે છે જેની જવાબદારી જે તે મંડળની રહેશે. મોટી મૂર્તિવાળાં મંડળોને અત્યારથી વિસર્જન માટેની જે તૈયારી કરવાની હોય તે કરી લેવા માટે અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, આ વખતે પણ વિસર્જન યાત્રા તેના પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે. તેમણે સોશિયલ મીડિયા પર અંકુશ રાખવા અપીલ કરી હતી. હિન્દુ અને મુસ્લિમના એકસાથે બે તહેવારો આવતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા ગણેશ ભક્તોને જણાવ્યું હતું. બારડોલીના ઇનચાર્જ એસડીએમ જનમ ઠાકોરે વિસર્જનને લઈને તંત્ર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ ફૂટથી ઊંચી મૂર્તિઓને ભૂવાસણ અને સરભોણના તળાવમાં તેમજ 9 ફૂટથી ઊંચી મૂર્તિઓને હજીરા લઈ જવામાં આવશે.
શોભાયાત્રા વર્ષો જૂની પ્રણાલી પ્રમાણે થવા દેવા માંગ
બારડોલીમાં છેલ્લા બે દિવસથી ગણેશ આગમનની શોભાયાત્રાને લઈને વિવાદ થઈ રહ્યો છે. પરવાનગી વગર કાઢવામાં આવતી યાત્રાને કારણે પોલીસ દ્વારા આ યાત્રા રોકવામાં આવતાં ગણેશભકતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રશ્ને આવેદનપત્ર ગણેશ ઉત્સવ સમિતિ બારડોલી દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. કલેક્ટરે સભામાં આવેદનપત્ર લેવાની ના પાડી દીધી હતી. આથી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગણેશ આગમનની શોભાયાત્રા વર્ષો જૂની પ્રણાલી પ્રમાણે થવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ગણેશ ઉત્સવનો સરવે હાથ ધરાશે
બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા દરેક ગણેશમંડળ ઉપરાંત શેરી મહોલ્લામાં સ્થાપવામાં આવતાં જાહેર ગણેશ ઉત્સવોનો એક સરવે હાથ ધરવાનું નક્કી થયું છે. આ સરવેના આધારે જ વિસર્જન પ્રક્રિયાનું આયોજન કરવામાં સરળતા રહેશે. આથી ગણેશની ઊંચાઈ તેમજ અન્ય માહિતીઓ સાચી અને સચોટ આપવામાં આવે તેવી વિનંતી કરાઈ હતી.