સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારાની હોટેલ (Hotel) રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં અખાદ્ય શાકભાજી, છાશ અને ગ્રેવીનો નાશ કરાયો હતો. ડાંગ કલેકટર (Collector) મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ કામગીરી કરાઈ હતી.
- સાપુતારાની હોટેલ રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ
- સાપુતારા સ્થિત હોટેલ સુગર એન્ડ સ્પાઇસ, પતંગ, પુરોહિત, સ્ટાર હોલી ડે હોમ સહિતની હોટલોમાં ચકાસણી
ડાંગ કલેકટર મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર સાપુતારાની હોટલો તથા રેસ્ટોરાંમાં પીરસાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર મેહુલ ભરવાડ તરફથી મળેલી વિગતો અનુસાર સાપુતારા સ્થિત હોટેલ સુગર એન્ડ સ્પાઇસ, પતંગ, પુરોહિત, સ્ટાર હોલી ડે હોમ સહિત સાઈ બજાર સ્થિત વેજ, નોનવેજ ભોજન પીરસતા તમામ ઢાબા રેસ્ટોરાં ઉપર જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ભોજન અને નાસ્તાની સઘન ચકાસણી હાથ ધરાઈ હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સપેક્ટર ચેતન પરમાર અને કે.જે.પટેલને સાથે રાખી, લોકોના આરોગ્ય માટે હાનિકારક અખાદ્ય શાકભાજી, છાસ અને તૈયાર ગ્રેવી વગેરેનો સ્થળ ઉપર જ નાશ કરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા હોટેલ, રેસ્ટોરાં સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીના મેહુલ ભરવાડે એંધાણ આપ્યા છે.
ડાંગ કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
સાપુતારા: ડાંગ જિલ્લાનાં મુખ્ય વહિવટી મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલની કલેક્ટર મહેશ પટેલે જાત મુલાકાત લીધી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત, RCHO ડો.સંજય શાહ, સિવિલ સર્જન ડો.અંકિત રાઠોડ સહિતના તબીબી અધિકારીઓ સાથે કલેક્ટર મહેશ પટેલે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લઈ, સિવિલ સત્તાવાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જુદા-જુદા વોર્ડ સહિત કલેક્ટરે સિવિલ કેમ્પસની પણ જાત તપાસ કરી હતી.
ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર બોલેરો ચાલકે રાહદારી મહિલાને અડફેટમાં લીધી
સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ સ્થિત આવેલા ધૂળચોંડ કોઝવે પાસે આહવા તરફથી આવતા બોલેરો ગાડી રજી.નં.GJ.10-DE-6279નાં ચાલકે ગાડી પૂર ઝડપે હંકારી લાવતા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રસ્તાની સાઈડમાં ચાલતી મહિલા નામે વનુબેન સનતભાઈ કુળુ (રહે. અમસરવળન તા.વઘઈ જી.ડાંગ)ને બોલેરો ચાલકે ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં મહિલાને શરીરે ઇજાઓ પહોંચી હતી. જે બાદ આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને મહિલાને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી..