વડોદરા : વડોદરાના શહેરના આજવા રોડ વિસ્તારની બહાર કોલોનીમાં આવેલ ડુપ્લેક્સમાં રહેતા પરિવારના ચાર સદસ્યો પરોઢિયે મકાનના પહેલા માળે નિદ્રાધીન હતા.તે દરમિયાન મકાનના નીચેના ભાગે એકાએક આગ ભભુકી ઉઠતા ઘરવખરી બરી ને ખાખ થઈ ગઈ હતી.અને આગના પગલે ચારે બાજુ ધુમાડા છવાઈ જતા પહેલા માળે સૂતેલું પરિવાર ફસાઈ ગયું હતું.ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોનીમાં ડુપ્લેક્સમાં રહેતા 39 વર્ષીય તાહીરભાઈ બંગડીવાલા ગત મોડી રાત્રીના મકાનના પહેલા માળે પત્ની અને બાળકો સાથે બેડરૂમ માં સુઈ ગયા હતા.અને વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ પરિવાર નિદ્રાધીન હતું.તે દરમિયાન મકાનના નીચેના ભાગે અચાનક આગ ફાટી નીકળતા ચારે બાજુ ધુમાડા છવાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવાર જાગી ગયો હતો.અને દંપતિ કઈ સમજે તે પહેલા તો આગ પહેલા માળ સુધી પ્રસરી જતા જીવ બચાવવા તાહીરભાઈ અને તેમના પત્ની જમીલાબેન રૂમની બહાર આવેલ ગેલેરીમાં દોડી આવી હતી.ગેલેરી નજીક બનાવેલ શેડ પરથી નીચે કૂદી બહાર આવી જતા તેમનો બચાવ થયો હતો.અને ઘટના અને ફાયર વિભાગ ને જાણ કરી હતી.જયારે તાહીરભાઈના બંને પુત્રો 12 વર્ષીય બુરાહઉદ્દિન અને 8 વર્ષીય અબ્દુલ સૈયદ જીવ બચાવવા બાથરૂમમાં જતા રહ્યા હતા.
દરમિયાન પાણીગેટ ફાયર બ્રિગેડના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી મકાન ની રૂમના બાથરૂમ માં ફસાયેલ બને બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બને બાળકોને આગમાંથી સહીસલામત બહાર લઇ આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર લાશ્કરોની દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ પર કાબુમાં મેળવવામાં આવ્યો હતો.જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.પરંતુ આગ પગલે ભારે નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું.