સુરત(Surat) : થોડા દિવસો અગાઉ સુરતમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના હીરાની લૂંટની ઘટના બની હતી. ત્યારે મંગળવારે રાત્રે ફરી એકવાર સુરતમાં દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં બાઈક પર આવેલા ત્રણ લૂંટારાએ (Loot) તમાકુના વેપારીને (Trader) છરી બતાવી 8 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે.
- અડાજણના એલપી સવાણી રોડ પર મધરાત્રે લૂંટ
- ત્રણ લૂંટારા તમાકુના વેપારીના 8 લાખ લૂંટી ગયા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર પાટિયા ખાતે પાન એન્ડ કોલ્ડ્રીંક્સની હોલસેલની દુકાન ધરાવતા વેપારી રવિ અમરણના મંગળવારે રાત્રે 11.30થી 12.00 વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી ઘરે જતા હતા. વેપારી રૂપિયા ભરેલી બેગ લઈ રસ્તા પરથી પસાર થતા હતાં ત્યારે એલપી સવાણી રોડ પાસે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને આંતરીને ઘેરી લીધા હતા અને છરીની અણીએ 8 લાખનો થેલો ઝૂંટવી ભાગી ગયા હતા. લૂંટારાઓ સાથેની ઝપાઝપીમાં વેપારી રવિ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લૂંટની ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. લૂંટનો સમગ્ર બનાવ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉધનાના સિલિકોન શોપર્સમાં આંગડીયા પેઢીના મેનેજર પર હુમલો
સુરત: ઉધના (Udhana) સિલિકોન શોપર્સ કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં ઘુસી મેનેજરને (Manager) છરાના ઘા મારી બે જણા ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત વૃદ્ધ મેનેજરને તાત્કાલિક સારવાર માટે સિવિલ (Civil Hospital) લવાતા તેમને ગળા અને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત મેનેજરના પુત્ર હાર્દિકે કહ્યું હતું કે ઓફિસમાં આવી હુમલા પાછળ લૂંટની કોશિશ હોય શકે છે. જો કે પાડોશી વેપારીઓએ એકને દોડીને પકડી લીધો છે. હાલ પોલીસ (Police) તપાસ ચાલુ છે.
પીડિતના પુત્ર હાર્દિકે જણાવ્યું હતું કે તેઓ ભટારની સિલ્વર સિટીમાં રહે છે અને પિતા રમેશભાઈ મોતીરામ પટેલ અંબાલાલ હરગોવન આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરે છે. મૂળ મહેસાણાના વતની છે. આ ઘટના આજે બપોરે લગભગ 3:15 ની હતી. રમેશભાઈ ઓફિસમાં એકલા હતા. ત્યારે બે અજાણ્યા ઈસમો ઓફિસમાં ઘુસી ગયા હતા અને ઉપરા ઉપરી રમેશભાઈને ઘા મારતા બુમાબુમ થઈ ગઈ હતી. રમેશભાઈને આ હુમલામાં ગળામાં ત્રણ ઘા અને હાથ પર એક ઘા વાગ્યો હતો.