World

લિબિયાના ડેરનામાં વાવાઝોડા પછી પૂરથી ભારે વિનાશ: 10,000 લોકો લાપતા, હજારોનાં મોત

નવી દિલ્હી: ઉત્તર આફ્રિકન દેશ લિબિયામાં ડેનિયલ વાવાઝોડા પછી આવેલા વિનાશક પૂરથી હાહાકાર મચી ગયો છે. સૌથી ખરાબ હાલત પૂર્વ લિબિયામાં આવેલ ડેરના શહેરની છે જ્યાં મૃત્યુ પામેલા ૭૦૦ જેટલા લોકોને તો દફનાવાયા છે અને હજી તો ઘણા મૃતદેહો શેરીઓમાં પડેલા છે અને 10000 જેટલા લોકોનો હજી કોઇ પત્તો નથી અને હજારોનાં મોત થયા હોવાનો ભય સેવાઇ રહ્યો છે.

ડેનિયલ વાવાઝોડા પછી આવેલા પ્રચંડ પૂરને કારણે ઓછામાં ઓછા બે બંધ તૂટી ગયા છે અને રહેણાક લત્તાઓમાં પાણી ફરી વળ્યા છે. સરકારે સોમવારે મોડી રાત્રે ૬૧નો મૃત્યુઆંક આપ્યો હતો પરંતુ તેણે જણાવ્યું હતું કે આ મૃત્યુઆંકમાં ડેરનાના આંકનો સમાવેશ થતો નથી. પૂર્વ લિબિયામાં આવેલ આ શહેરનો સંપર્ક કપાઇ ગયો છે અને ત્યાં સ્થિતિ ઘણી જ ગંભીર છે.

ડેરનામાંથી જે કંઇ માહિતી મળી છે તે મુજબ ત્યાં ઇમરજન્સી કાર્યકરોને કાટમાળમાંથી સેંકડો મૃતદેહો મળી આવ્યા છે. મળી આવેલા મૃતદેહોમાંથી મોટાભાગના, લગભગ 700 જેટલા મૃતદેહોની દફનવિધિ થઇ ચુકી છે અને હજી પણ કેટલા મૃતદેહો કયાંક પડેલા હોઇ શકે છે. હોસ્પિટલો મૃતદેહોથી ભરાઇ ગઇ છે અને સત્તાવાળાઓએ અંદાજ બાંધ્યો છે કે ઓછામાં ઓછા 2000 લોકોનાં મૃત્યુ થયા હોઇ શકે છે. જો કે બાદમાં એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો કે મૃત્યુઆંક હજારો પર જઇ શકે છે. ડેરના શહેરના કેટલાક આખા લત્તા જ નાશ પામ્યા હોવાનું કહેવાય છે. શહેરમાં ઠેર ઠેર કાદવ કીચડના ઢગલા છે.

પૂર્વ લિબિયાના ઘણા નગરોમાં પૂરની સ્થિતિ છે પરંતુ સૌથી વધુ ખરાબ હાલત ડેરનાની છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસન્ટ ખાતેના લિબિયન દૂત તામેર રમદાને જણાવ્યું હતું કે દસ હજાર જેટલા લોકો લાપતા છે. ટ્યુનિશિયાથી વીડિયો કોન્ફરન્સ મારફતે જીનીવાની યુએન કચેરી ખાતે પત્રકારોને માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં મૃત્યુઆંક હજારો પર જઇ શકે છે. સ્થિતિ મોરોક્કો જેવી જ વિનાશપૂર્ણ છે એ મુજબ તેમણે કહ્યું હતું. ઉત્તર આફ્રિકાના જ અન્ય એક દેશ મોરોક્કોમાં હાલ થોડા દિવસ પહેલા જ ભૂકંપ આવ્યો હતો જેમાં મૃત્યુઆંક બે હજારને પાર ગયો છે.

Most Popular

To Top