તા.૧૩ સપ્ટેમ્બર , ૧૮૬૩ના દિવસે ગુજરાતમિત્રની સ્થાપના થયેલી. તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૩ના દિવસે ૧૬૦ વર્ષ પૂરા કરી ૧૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. આજે ૧૬૦ વર્ષ વીતી ગયા તેને કારણે વર્તમાનપત્રોની દુનિયામાં ગુજરાતમિત્ર આગવું સ્થાન ધરાવે છે.૧૬૦ વર્ષ સુધી એકધારું સફળતાપૂર્વક એક વર્તમાનપત્રનું પ્રકાશીત થવું એ સ્વયંભૂ એક અનોખી સિદ્ધિ જ ગણાય તેમાં બેમત ન હોય શકે. ગુજરાતમિત્રમાં પ્રકાશીત થતા તંત્રીલેખો, જુદા જુદા કટારલેખકોના અભ્યાસપૂર્ણ લેખો, તેનો વિશિષ્ટ સ્થાન ધરાવતો ચર્ચાપત્ર વિભાગ અને એક આખા અઠવાડિયા દરમ્યાનમાં પ્રકાશીત થતી વિવિધ પૂર્તિઓની વિશિષ્ટ લેખન સામગ્રી બઘું જ અવ્વલ દરજ્જાનું.
શ્રી પ્રવીણકાંત રેશમવાળાની ૩૬મી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને નિરીક્ષક શ્રી પ્રકાશ ન શાહનું અવલોકન કહો કે સમીક્ષા જે કહો તે જાણવા જેવું છે. તેમના જ શબ્દોમાં જોઈએ તો રોજ પ્રગટ થતું ગુજરાતમિત્ર શ્રી પ્રવીણકાંતની સ્મૃતિને વર્તમાનમાં ફેરવે છે. તેમના મતે પ્રવીણકાંતે લીધે તમામ પ્રકારના મૂલ્યો સાચવીને ગુજરાતમિત્ર વાચકો વચ્ચે ટટ્ટાર ઊભું છે. ગુજરાતમિત્ર અખબાર વર્તમાન સમયના પ્રચંડ પડકારો વચ્ચે પણ માથું ઊંચું રાખીને ઊભું છે.
ગુજરાતમિત્ર આજે પણ શ્રી પ્રવીણકાંતભાઈએ સ્થાપેલી પરંપરાને જ આગળ વધારી રહ્યું છે. એક વર્તમાનપત્ર વિશે એક પત્રકાર અને નિરીક્ષકનું કેટલું સચોટ અવલોકન. આજે મોર્ડન ટેકનોલોજીના જમાનામાં આ અખબારે તેનું અસ્તિત્વ બખૂબી જાળવી રાખ્યું છે અને દેશ વિદેશના વાચકો ઇ મેઇલ ઉપર પણ તેનું વાંચન કરી શકે છે તે નાનીસૂની વાત નથી જ નથી. તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૩ના ૧૬૧માં જન્મદિવસે આ વર્તમાનપત્ર આગળ ઉપર પણ આ જ પ્રતિષ્ઠા સાથે કાયમ માટે આગળ વધતું રહે એવી અનેકાનેક શુભેચ્છાઓ.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
વર્ગખંડ ભાવાવરણને ઉત્તમ બનાવીએ યા કિસી કે હો જાઓ
યા કિસી કો અપના બના લો શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક ધ્રુવ શિક્ષક અને બીજો ધ્રુવ વિદ્યાર્થી. જયારે આ બંને ધ્રુવો સક્રિય રહે છે ત્યારે વર્ગખંડની પ્રક્રિયા અસરકારક બને છે. તેનાથી એક કદમ આગળ વધીએ તો ભૌતિક સાધનોથી સુસજ્જ વર્ગ પણ અગત્યનો ભાગ ભજવે છે. કોરોનાકાળ દરમ્યાન બાળકો ધ્યાન કેન્દ્રિત કરવામાં નબળા સાબિત થઇ રહ્યા છે તો વર્ગને ભૌતિક અને શૈક્ષણિક સામગ્રીથી સુસજ્જ બનાવીએ, બાળકોની સહભાગિતા વધારીએ.
સ્માર્ટ બોર્ડનો ઉપયોગ, કમ્પ્યુટર યુગ બાળકોની જીજ્ઞાસાવૃત્તિને સંતોષીએ, કેટલાક વિદ્યાર્થીઓને વર્ગખંડોમાંથી મુકત બનાવીને પ્રવૃત્તિ તરફ લઇ જઇશું. ચોક્કસ પરિણામ મળશે જ. સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને જો શિક્ષક પારખવાનો પ્રયાસ કરે તો ચોક્કસપણે પરિણામ સુધારણા અને સર્વાંગી વિકાસ તરફ શુભ પ્રયાણ કરી શકાશે. ટૂંકમાં શિક્ષક-વિદ્યાર્થીનો તેમના કૌશલ્યો, રસ, વલણ, વિશિષ્ટ શકિતઓ, જ્ઞાન, સમજ વગેરે વાતાવરણને સમૃધ્ધ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે અને અધ્યયન પ્રક્રિયાને સફળ રસ અને આનંદદાયક બનાવે છે.
સુરત – પારુલબેન દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.