Dakshin Gujarat

VIDEO: ફળિયામાં 11 ફૂટ લાંબા મગરને જોઈ ભાલોદના રહેવાસીઓના પગ ધ્રુજવા લાગ્યા, પછી કર્યું આવું…

ભરૂચ (Bharuch): ઝઘડિયા (Zagadiya) તાલુકાના નર્મદા (Narmada) કિનારે આવેલા ભાલોદ (Bhalod) ગામે મોટી ભાગોળના રહેણાંક વિસ્તારમાં મધરાત્રે આવી ચઢેલા 11 ફૂટ લાંબા અને 350 કિલો વજન ધરાવતા મહાકાય મગરને (Crocodile) પકડી લેવાયો હતો. મધરાત્રે એકદમ “ફિલ્મી સ્ટાઈલ”માં નીકળેલા મગરને જાણે કોઈ ડર ન હોય એમ રહેણાંક વિસ્તારમાં ફરતો હોવાથી એક તબક્કે ગ્રામજનોના જીવ ટાળવે ચોટી ગયા હતા.

  • ગામડાંમાં જંગલના દીપડા અને પાણીના મહાકાય મગરની મૌજુદગી!
  • ભાલોદના મોટી ભાગોળ રહેણાંક વિસ્તારમાં “ફિલ્મી ઢબે” મહાકાય મગરની એન્ટ્રી, 11 ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કરી લેવાયો
  • મોટી ભાગોળ વિસ્તારમાં મધરાત્રે મહાલતા મગરથી ગ્રામજનોમાં ભયનો ઉચાટ
  • ઝઘડિયા વન વિભાગ અને NGO એ બે કલાકની જહેમતે રેસ્ક્યુ કરી લેવાયો

ઝઘડિયા પંથકમાં વન્યજીવ દ્વારા માનવભક્ષીની ઘટનાને ગણતરીના કલાકો થયા બાદ આજ વિસ્તારમાં નર્મદા કિનારે જળચર જીવસૃષ્ટિ માનવ વસવાટમાં બિન્દાસ્ત લટાર મારી રહ્યા છે. ભાલોદના મોટી ભાગોળમાં મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં નીકળતા લોકોમાં ફફડાટ સાથે ઉચાટ જીવે લોકટોળા તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈને મગર અંગે ઝઘડિયા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી.

મહાકાય મગરને પકડવા વન વિભાગ સાથે NGO ગામમાં દોડી આવી મગરને પકડવા કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ વિશાળ મગરને હનુમાન મંદિર પાસેથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. વન વિભાગે મગરને પાંજરામાં પુર્યા બાદ ગ્રામજનોને રાહત થઇ હતી. પાંજરે પુરાયેલા મહાકાય મગરને જોવા આખું ગામ ઉમટી પડવા સાથે તેના વિડીયો લોકોએ મોબાઈલમાં ઉતાર્યા હતા.

વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને હાલ ચોમાસાની મૌસમ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી વીજ ઉત્પાદન બાદ ઠલવાતા પાણીને લઈ નદીના નીચાણવાળા વિસ્તારમાં મહાકાય મગર આવી ચઢવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

Most Popular

To Top