SURAT

નાનપુરામાં કરિયાણાના વેપારીને ઘા મારી રૂ.2.50 લાખની લૂંટ મચાવી

સુરત: શહેરના નાનપુરા (Nanpura) લક્કડકોડમાં ગુરુવારે વહેલી સવારે કરિયાણાના વેપારીને ઘા મારી રોકડ તેમજ સોનાની ચેઇનની લૂંટ (Robbery) ચલાવતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ બચાવવા આવેલા સ્થાનિક લોકો પૈકી બેને પણ જાહેરમાં માર મરાયો હતો. ઇજાગ્રસ્ત મહાવીર ભેરૂમલને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લવાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

  • અગાઉ જન્માષ્ટમી-2022ની સવારે પણ એ જ વેપારી પર હુમલો કરાયો હતો
  • લૂંટના સમયે સ્થાનિકોએ પડકાર આપતાં બેને જાહેરમાં માર માર્યો

ઈજાગ્રસ્તના ભાઈ મહેન્દ્રએ જણાવ્યું હતું કે, હુમલાખોર બાઇક પર ચાલતા આવ્યા હતા. એક વર્ષ અગાઉ જન્માષ્ટમીના રોજ દિવસે ઉધાર નહિ આપતા ઝગડો કરી મારવાની ધમકી આપી હતી. હાલ મહાવીરને માથામાં ઘા મરાયા છે અને તેની હાલત ગંભીર છે.

મહેન્દ્ર સેનએ જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારની વહેલી સવારની છે. નાનાભાઈ મહાવીરકુમાર ભેરૂમલ સેન (ઉ.વ. 29) (રહે., નવસારી બજાર ધબુવાળાની ગલી) બાઇક ઉપર નાનપુરા લકકડ કોડમાં આવેલી કરીયાણાની દુકાને ગયા હતા. દુકાન ખુલ્લાની સાથે જ બાઇક ઉપર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ મહાવીર પર હુમલો કરી માર માર્યો હતો. ત્યારબાદ ચપ્પુથી માથામાં ઘા મારી ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા 1.30 લાખ લઈ ભાગી ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો આ જ વિસ્તારના રહેવાસી છે. તેઓએ 2022માં જન્માષ્ટમીના દિવસે જ સવારે જ ઉધાર નહિ આપતા ઝગડો કરી મારા મારી કરી હતી. ત્યારબાદ જોઈ લેવાની ધમકી આપતા ગયા હતા. એક વર્ષ બાદ ફરી જન્માષ્ટમીના જ દિવસે હુમલો કરી લૂંટ ચલાવી છે. મહાવીર તેમનો નાનો ભાઈ છે. કુંવારો છે. માતા-પિતા સાથે રહીએ છીએ. કરીયાણાની દુકાન પર આખું પરિવાર આર્થિક રીતે આધાર રાખે છે. હાલ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. અઠવા પોલીસને જાણ કરી દેતા તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top