Business

રશિયા અનાજ કરારનો ઉપયોગ કરીને પશ્ચિમી દેશોને ભીંસમાં લેવા માગે છે

રશિયાએ યુક્રેન પર ફેબ્રુઆરી ૨૦૨૨માં આક્રમણ કર્યું અને જે યુદ્ધ શરૂ થયું તેને કારણે આખી દુનિયાના અર્થતંત્રને અસર થઇ. યુદ્ધની શરૂઆતના દિવસોમાં કેટલાક પશ્ચિમી દેશોમાં તો મોંઘવારી ખૂબ વધી. યુદ્ધ શરૂ થયાને આજે દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, હજી યુદ્ધ ચાલુ છે, જો કે તે ઘણુ મંદ પડી ગયું છે પરંતુ તેની વિવિધ અસરો હજી વધતે ઓછે અંશે ચાલુ છે. યુક્રેન અનાજનો એક મોટો નિકાસકાર દેશ છે અને યુદ્ધને કારણે કાળા સમુદ્રના માર્ગે યુક્રેનની અનાજની નિકાસ અટકી ગઇ.

આને કારણે ઘણા દેશોમાં અનાજની સમસ્યા ઉભી થાય તેવા સંજોગો ઉભા થયા. તેના પછી એપ્રિલ મહિનામાં તુર્કીની મધ્યસ્થીથી એક કરાર થયો. તુર્કી, રશિયા, યુક્રેન અને યુએન વચ્ચે થયેલા આ કરારમાં એવું નક્કી થયું કે રશિયા કાળા સમુદ્રના માર્ગે યુક્રેનમાંથી અન્ય દેશો તરફ અનાજ લઇ જતા જહાજોને અવરોધશે નહી. આ કરાર ૧૨૦ દિવસ માટે હતો પણ તેને અનેકવાર લંબાવવામાં આવ્યો હતો. છેલ્લે મે ૨૦૨૩મા઼ આ કરાર વધુ ૬૦ દિવસ લંબાવવામાં આવ્યો જે ૧૮ જુલાઇના રોજ સમાપ્ત થતો હતો. પછી રશિયા આડું ફાટ્યું અને તેણે આ કરાર પર અમલની ના પાડી દીધી.

જે કાળા સમુદ્રના જહાજી માર્ગો પર નિયંત્રણની કામગીરી બજાવે છે તે તુર્કીએ ફરી મધ્યસ્થી શરૂ કરી પરંતુ રશિયાનું વલણ અડિયલ જ રહ્યું. હવે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને આ સોમવારે કહ્યું કે યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાંથી સલામત રીતે યુક્રેનના અનાજની સલામત રીતે નિકાસ થવા દેવા માટેનો સીમાચિન્હરૂપ કરાર ત્યાં સુધી ફરી સ્થાપિત થઇ શકશે નહીં જ્યાં સુધી પશ્ચિમી દેશો રશિયાની પોતાની કૃષિ નિકાસો અંગેની તેની માગણીઓ સંતોષશે નહીં. પુટિનની આ ટિપ્પણીઓએ એ આશાઓ પર પાણી ફેરવી દીધું છે કે તુર્કીશ પ્રમુખ રિસપ તૈયિપ એર્દોગન સાથેની તેમની મંત્રણાઓ પછી આ કરાર ફરી સજીવન થઇ શકશે જે કરાર વૈશ્વિક અનાજ પુરવઠા માટે મહત્વનો મનાય છે.

ખાસ કરીને આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાના દેશો માટે આ કરાર મહત્વનો મનાય છે. એર્દોગનના પ્રયાસોથી જ આ કરાર થયો હતો. રશિયાએ જુલાઇમાં આ કરારને લંબાવવાનો ઇન્કાર કરતી વખતે એવી ફરિયાદ કરી હતી કે ખોરાક અને ખાતરની રશિયા દ્વારા કરાતી નિકાસો આડેના અવરોધો દૂર કરવા માટેના સમાંતર કરારને માન આપવામાં આવતું નથી. રશિયાએ કહ્યું છે કે નિકાસો અને વીમા પરના નિયંત્રણોએ તેનો ખેત વેપાર ખોરવી નાખ્યો છે, જો કે આમ છતાં તેણે ગયા વર્ષથી ઘઉંની વિક્રમી પ્રમાણમાં નિકાસ કરી છે.

પુટિને સોમવારે એ વાત દોહરાવી કે જો આ પ્રતિબધ્ધતાઓને માન આપવામાં આવે તો રશિયા આ કરાર પર થોડા જ દિવસમાં આવી શકે છે. એર્દોગને પણ આશા વ્યક્ત કરી છે કે સફળતા ટૂંક સમયમાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે તુર્કી અને યુએન – કે જેમણે મૂળ કરાર કરાવ્યો હતો – તેમણે આ મુદ્દો ઉકેલવા દરખાસ્તોનું નવું પેકેજ મૂકયું છે. હવે કયું અને કેવું પેકેજ મૂકાયું છે અને તે રશિયા સ્વીકારે છે કે કેમ? તે જોવાનુંરહે છે.

આ કરાર વિશ્વના અનેક દેશો માટે ઘણો મહત્વનો છે. યુક્રેન અને રશિયા ઘઉં, જવ, સૂરજમુખીના તેલ તથા અન્ય સામાનના મોટા નિકાસકાર છે જેના પર ખાસ કરીને વિકાસશીલ દેશો મોટો આધાર રાખે છે. હવે રશિયા એવી આશા રાખે છે કે કાળા સમુદ્રના માર્ગે યુક્રેનની નિકાસ પર તેના કાબૂનો ઉપયોગ તે પશ્ચિમી આર્થિક નિયંત્રણો ઘટાડવા માટે કરી શકે છે. એમ કહી શકાય કે તે પોતાની આ વ્યુહાત્મક સ્થિતિનો ઉપયોગ પશ્ચિમી દેશોની નાક દબાવવા માટે કરી રહ્યું છે. યુદ્ધને પગલે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે. જો કે રશિયાની નિકાસો પર તેની બહુ મોટી અસર તો થઇ નથી પરંતુ કંઇક અંશે તેની નિકાસો અવરોધાઇ તો છે જ અને તેની આવકને પણ આને પરિણામે અસર થઇ છે. હવે રશિયા આ કરારની આડ લઇને પશ્ચિમી દેશોને ભીંસમાં લેવા માગતું જણાય છે અને આ વખતે તે સહેલાઇથી નમતું જોખે તેમ લાગતું નથી.

Most Popular

To Top