National

50 લાખ રુપિયા લાંચ લેવાના આરોપમાં CBIએ ગેઇલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત 5ની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશ: નોઈડામાં (Noida) સીબીઆઈના (CBI) દરોડા (Raid) ચાલી રહ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ટીમે ગઈ કાલે મોડી રાત્રે ગેઈલ (GAIL) ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે ગેઈલ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે.બી.સિંઘના નિવાસ સ્થાને નોઈડાના સેક્ટર-72માં એક મકાન પર દરોડો પાડ્યો હતો. સીબીઆઈને આ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી. જે સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી ગેઇલના અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

CBI દ્વારા સતત 20 કલાકથી ચાલી રહેલા દરોડામાં એક મોટી અપડેટ સામે આવી છે. સીબીઆઈએ ગેઈલ ઈન્ડિયાનો પ્રોજેક્ટ અપાવવાના નામે રૂ. 50 લાખની લાંચ લેવાના આરોપમાં ગેઈલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંઘ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. જો કે સીબીઆઈ દિલ્હી, નોઈડા, વિશાખાપટ્ટનમમાં દરોડા પાડી રહી છે.

સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા ચાર લોકોમાં ગેઈલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેબી સિંઘ ઉપરાંત વડોદરાના એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર સુરેન્દ્ર કુમારનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્ર કુમાર પર બે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોને મદદ કરવા માટે લાંચ લેવાનો આરોપ છે. સીબીઆઈએ લાંચ કેસમાં દિલ્હી સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે.

મળતી માહિતી મુજબ નોઈડાના સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગેઈલ ઈન્ડિયાના અધિકારીના ઘરે સીબીઆઈની ટીમનો દરોડો ચાલી રહ્યો છે. ટીમે દરોડા દરમિયાન સમગ્ર ઘરનો કબજો મેળવી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડિરેક્ટર કેબી સિંહ પર કંપનીના નામે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ છે. સીબીઆઈને મળેલી ફરિયાદ બાદ સોમવારે મોડી સાંજથી મંગળવાર બપોર સુધી સમાચાર લખાય છે ત્યાં સુધી દરોડાની કાર્યવાહી ચાલુ છે. ઘરમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

સીબીઆઈની ટીમ ગેઈલ ઈન્ડિયાના અધિકારીના મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને બેંક એકાઉન્ટ સ્કેન કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમને ઘરની અંદરથી ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. જો કે ફરિયાદ બાદ ટીમ દ્વારા સંપૂર્ણ ગુપ્તતામાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સીબીઆઈની ટીમે ગેઈલ ઈન્ડિયાના અધિકારીની ધરપકડ કરી છે અને તેમની સાથે લઈ જવામાં આવી રહી છે. આ સાથે અધિકારીના ઘરની અંદરથી મળી આવેલા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો પણ તેમની સાથે લઈ જવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top