Charchapatra

ઉબડખાબડ પાર્ટી પ્લોટ

આપણા સુરત શહેરમાં ઘણાં પ્રદર્શનો યોજાય છે અને યોજાતાં રહેશે. એમાંનું એક પ્રાઇમ આર્કેડ પાસેના પાર્ટીપ્લોટ પર ભરવામાં આવતું પ્રદર્શન એક પછી એક પ્રદર્શન આવતા જ રહે છે એ પ્લોટ ભાગ્યે જ લાંબા સમય સુધી ખાલી રહેતો હશે. પણ આ બાબતે  એટલું જ કહેવું છે કે એસ.એમ.સી.ને સારામાં સારી આવક આવાં પ્રદર્શનો દ્વારા થતી રહે છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે એ પાર્ટી પ્લોટની જમીન સમતલ નથી કરાતી. ઉબડખાબડ જમીન પર ચાલતાં વૃદ્ધો, બાળકો હોય કે જુવાનિયા સૌને ખૂબ જ તકલીફ પડે છે. ક્યારેક પગ પણ સરખો રહેતો નથી. પરિણામે ફ્રેકચર થવાના પણ યોગ બનતા હોય છે તે મારી સુરત મહાનગર પાલિકાને એક જ વિનંતી છે કે માત્ર આવક પર ધ્યાન ન આપતાં લોકોને પણ અહીં આપવામાં પૂરતી સુવિધા મળી રહે, કોઇ હેરાન નહીં થાય એવાં પગલાં ભરશે તો એમનું કાર્ય પ્રશંસનીય બની રહેશે.

અડાજણ – શીલા એસ. ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પડોશી
કહેવાય છે કે પહેલો સગો પાડોશી.સારા પડોશી મળવા એ પણ નસીબની વાત છે.સાથે જ આપણે પણ બીજા માટે સારા પડોશી હોઈએ તે પણ જરૂરી છે. આજે જ્યારે શહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટ અને બિલ્ડીંગમાં લોકો ફ્લેટમાં રહેતાં થયાં છે, ત્યારે સારા પડોશી મળવા અને સારા પડોશી બનવું આ બંને જ બહુ અગત્યનું છે. કારણ કે શહેરોમાં મોટા ભાગનાં લોકોનાં સગાં વહાલાં અને સંબંધીઓ ઘણાં જ દૂર રહેતા હોય છે. આવા સમયે રોજબરોજના જીવનમાં માણસને એકબીજાની જે જરૂર પડે છે તેમાં પડોશી એક ઉત્તમ વિકલ્પ છે.આજના આધુનિક સમયમાં જો તમે એક સારા પડોશી છો અને જો તમને બીજા સારા પડોશી મળ્યા છે તો પણ તમે ખૂબ જ નસીબદાર છો.
          – કિશોર પટેલ      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માટીના માધ્યમી જ જીવન છે
માટીમાંથી જ બધું ઊગે છે. કોઇ બીજને હીરા મોતી કે સોનામાં વાવીએ તો એ ઊગે છે ખરું? શ્રેષ્ઠ ધાતુ હોવા છતાં એમાં રોપેલું બીજ કયારેય અંકુરિત નથી થતું. માણસ પણ એ જ બીજ છે. માટીની સોબતથી જ બીજ અંકુરિત થાય છે. એમાંથી વટવૃક્ષ બને છે. એમાં ફૂલ અને ફળ આવે છે. માટી જ એની રગેરગમાં પ્રવેશીને સુગંધનું રૂપ ધરે છે અને માટી જ સૃષ્ટિ પર મહોત્સવનું કારણ બને છે. માટીના માધ્યમથી જ જીવન વધે અને વિસ્તરે છે અને આથી જ જે લોકો અંદરથી જીવંત છે તે સોના-ચાંદી કરતાં માટીને વધુ ચાહે છે. એના પ્રેમમાં પડી જાય છે. માટીને જ પોતાનું મૂળ રૂપ માને છે.
વિજલપોર  – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top