પલ્લેકલ : એશિયા કપમાં (AsiaCup) આજે શનિવારે ભારત અને પાકિસ્તાનની (IndiaVsPakistan) ટીમો એકબીજાની સામે મેદાને ઉતરશે ત્યારે આ મેચ વર્લ્ડકપના ડ્રેસ રિહર્સલ જેવી બની રહેવાની સંભાવના છે. આ મેચમાં હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદીના નેતૃત્વમાં પાકિસ્તાની બોલિંગ આક્રમણ અને વિરાટ કોહલી (ViratKohli) અને રોહિત શર્મા (RohitSharma) જેવા દિગ્ગજ બેટ્સમેનો વચ્ચે એક રોમાંચક જંગ જોવા મળવાની સંભાવના છે.
કોહલી ફરી એકવાર હારિસ રઉફ સામેની મેજિકલ મોમેન્ટની યાદ તાજી કરાવવા માગશે તો રોહિત શાહિન આફ્રિદીના (SahinAfridi) બનાના ઇનસ્વિંગરનો (BananaInswinger) વળતો જવાબ આપવા માગશે. 50 ઓવરના ફોર્મેટમાં યોજાઇ રહેલો એશિયા કપ તેમાં ભાગ લેનારી પાંચ ટીમો માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડકપની તૈયારી માટે મહત્વપૂર્ણ રહેશે. આયોજકો અને ક્રિકેટ પ્રેમીઓ માટે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અન્ય તમામ મેચો કરતાં વધુ ઉત્તેજનાભરી મેચ બની રહેશે.
ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપમાં મેલબોર્નમાં રઉફના બોલ પર કોહલીનો શાનદાર શૉટ ભારતીય ક્રિકેટ ચાહકોને હજુ પણ યાદ હશે. શાહીનના ઝડપી બોલનો સામનો કરવામાં નિષ્ફળ રહેલો રોહિત એલબીડબ્લ્યુ આઉટ થયો ત્યારે પાકિસ્તાની ચાહકો પણ એ ભૂલ્યા નહીં હોય. આ પ્રકારનું પ્રદર્શન ખેલાડીઓને દિગ્ગજ બનાવે છે અને એશિયા કપમાં બંને ટીમોના સ્ટાર્સને પોતપોતાના દેશોમાં લોકપ્રિયતાના શિખરે પહોંચવાની વધુ એક તક મળશે.
હવામાન વિભાગની વરસાદની આગાહી ચાહકોની આશા પર પાણી ફેરવી શકે
હવામાન વિભાગે શનિવારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે બંને ટીમના ચાહકોની આશા પર પાણી ફરી વળવાની સંભાવના છે. હવામાનને જોતા પાકિસ્તાની બોલિંગ ત્રિપુટી પાવરપ્લેમાં ખતરનાક સાબિત થઈ શકે છે. જો વરસાદ પડશે અને મેચ ઓછી ઓવરની રમાશે તો ટોસ જીતનારી ટીમનો હાથ ઉપર રહી શકે છે.
ભારત છ વર્ષથી વનડેમાં પાકિસ્તાન સામે હાર્યું નથી
ભારત છ વર્ષથી વનડેમાં પાકિસ્તાન સામે હાર્યું નથી. છેલ્લે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં તેનો પરાજય થયો હતો. તે પછી ભારતે એશિયા કપ 2018માં બે વખત અને વર્લ્ડકપ 2019માં એક વખત પાકિસ્તાનને હરાવ્યું છે. જો છેલ્લી 10 મેચોની વાત કરીએ તો ભારતે સાતમાં જીત મેળવી છે. પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે. ભારત છેલ્લે 2014માં વનડે એશિયા કપમાં પાકિસ્તાન સામે હાર્યું હતું.
એશિયા કપમાં બંને વચ્ચે રમાયેલી 13માંથી 7 મેચ ભારતે જ્યારે 5 પાકિસ્તાને જીતી છે
ભારતીય ઉપખંડીય ટુર્નામેન્ટ એશિયા કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે, જેમાં ભારતે 7 મેચ જીતીને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને માત્ર 5 જીત મળી છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક આકરી અને રોમાંચક મેચ જોવા મળવાની અપેક્ષા છે.
બપોરે 3.00 વાગ્યે શરૂ થશે મેચ
પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2023ની ત્રીજી મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે, આ મેચનો ટોસ અડધો કલાક પહેલા 2.30 વાગ્યે ઉછાળાશે. ટીવી પર તેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ નેટવર્ક્સ તેમજ ડીડી સ્પોર્ટ્સ પર જોવા મળશે, જ્યારે લાઇવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર વિનામૂલ્યે જોઇ શકાશે.
મિડલ ઓર્ડરને લઈને ભારત અને પાકિસ્તાનની સ્થિતિ લગભગ સમાન
બંને ટીમોના મિડલ ઓર્ડરને લઈને હજુ પણ મૂંઝવણ છે. પ્રથમ બે મેચમાંથી બહાર થયેલા કેએલ રાહુલની ગેરહાજરીએ ભારતની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને મિડલ ઓર્ડરમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, પરંતુ ચોથા અને પાંચમા નંબર વિશે કંઈ નક્કી નથી.
આ તરફ પાકિસ્તાન વતી તેના ટોચના ત્રણ બેટ્સમેન બાબર આઝમ, ફખર ઝમાન અને ઈમામુલ હકે સતત રન બનાવ્યા છે. ઉસામા મીર, સઈદ શકીલ અને આગા સલમાનનું સાતત્ય જળવાયું નથી ત્યારે રન રેટ વધારવાની જવાબદારી ઘણીવાર સાત અને આઠમા ક્રમના ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાન પર આવી છે.
પાકિસ્તાની બોલિંગ ત્રિપુટીના આક્રમણ સામે અમે અમારા અનુભવને કામે લગાડીશું : રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માએ શુક્રવારે કહ્યું કે તેના બેટ્સમેનોએ શનિવારે અહીં એશિયા કપમાં પાકિસ્તાન સામેની બહુ અપેક્ષિત મેચમાં હરીફ ટીમની ઝડપી બોલિંગ ત્રિપુટીનો સામનો કરવા માટે તેમના અનુભવ પર આધાર રાખવો પડશે. મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે રોહિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે નેટ સેશનમાં અમારી પાસે શાહીન, નસીમ અને રઉફ જેવા બોલરો નથી અને અમારી પાસે જે બોલરો છે તેની સાથે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. તેઓ બધા કુશળ બોલર છે. અમારે તેમની સામે અમારા અનુભવનો ઉપયોગ કરવાનો રહેશે. અમારી પાસે તેમની સામે રમવાનો અનુભવ છે અને અમે જાણીએ છીએ કે તેઓ કયા ક્ષેત્રમાં બોલિંગ કરશે.
પાકિસ્તાન ભારત સામેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે
ભારત સામેની એશિયા કપની હાઇ વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ જણાવ્યું કે આ મેચ માટેની તેની પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પીસીબીએ શુક્રવારે કહ્યું કે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં બુધવારે નેપાળને 238 રનથી હરાવનારી ટીમને જ ભારત સામે મેદાનમાં ઉતરશે. ભારત સામેની મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે બાબરને અંતિમ ઈલેવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે પીસીબી તેની જાહેરાત કરશે.
પાકિસ્તાનની અંતિમ ઇલેવન
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન આગા, ઇફ્તિખાર અહેમદ, મહંમદ રિઝવાન, મહંમદ નવાઝ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ.