હંમેશા વિવાદોમાં રહેનાર રાખી સાવંતે (Rakhi Sawant) ઇસ્લામ (Islam) ધર્મ અપનાવી લીધો છે અને હાલ તે ધર્મના માર્ગે નીકળી પડી છે. રાખી સાવંત હાલમાં ઉમરાહ માટે મક્કા મદીના (Makka Madina) ગઈ હતી. ત્યાંથી રાખી સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. હાલમાં જ રાખી સાવંતની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ તસવીરોમાં તે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરો અને વીડિયોમાં રાખી મેકઅપ વગર જોવા મળી રહી છે. તે ઘણા વીડિયોમાં ચાહકોને મળતી પણ જોવા મળે છે. તાજેતરમાં જે તસવીરો સામે આવી છે તેમાં તેણે સફેદ બુરખો પહેર્યો છે. રાખી તેના બે મિત્રો સાથે ઉમરાહ કરવા ગઈ છે. રાખી સાવંતને જોયા બાદ ફેન્સ તેના પર વિશ્વાસ કરી શકતા નથી. હંમેશા મસ્તી ભર્યા અંદાજમાં જોવા મળતી રાખી સાવંત હવે સાવ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. રાખીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં રાખી સાવંત ચાહકોને પોતાને ફાતિમા કહેવાનું કહી રહી છે.
તમને જણાવી દઈએ કે રાખીએ આદિલ દુરાની સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ કબૂલ કર્યો હતો. તેણીએ સળંગ ઘણી વખત કહ્યું છે કે તેણી સંપૂર્ણપણે ઇસ્લામ સ્વીકારી ચૂકી છે. તાજેતરમાં તેણે રોઝા પણ રાખ્યા હતા. થોડા સમય પહેલા જ રાખીએ વેસ્ટર્ન કપડા છોડી દીધા હતા. તેણી માત્ર સૂટ પહેરેલી જોવા મળી હતી, પરંતુ આદિલ જેલમાં જતાની સાથે જ રાખી તેના જૂના અવતારમાં આવી હતી. જેલમાંથી છૂટ્યા બાદ આદિલ દુરાનીએ તેના પર આરોપ લગાવતા જ તે ધર્મના માર્ગે પાછી ફરી છે.
ઉમરાહ પર જતા પહેલા રાખી સાવંતે દરગાહ પર ચાદર ચઢાવી હતી અને ત્યારબાદ તેણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં તેણે પતિ આદિલ, બેસ્ટ ફ્રેન્ડ અને શર્લિન ચોપરા ત્રણેય પર જૂઠા હોવાનો આરોપ લગાવ્યો છે. રાખીએ કહ્યું હતું કે આ લોકોએ ત્રણેય બાજુથી જુઠ્ઠાણાનો પહાડ ઉભો કર્યો છે. હું મારી શાંતિ માટે ચાદર અર્પણ કરવા આવી છું. મને વિશ્વાસ છે કે અલ્લાહ મારી પ્રાર્થના કબૂલ કરશે.
હવે રાખી મક્કા અને મદીનાથી પરત ફરી છે. રાખીએ પરત આવતા જ ધડાકો કર્યો હતો. રાખી સાવંતની વાપસી પર તેણીનું ફૂલો અને હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાખી સાવંત ઉપરથી નીચે સુધી સફેદ હિજાબ અને અબાયામાં ઢંકાયેલી જોવા મળી હતી. રાખીનો નવો અવતાર સંપૂર્ણપણે ઇસ્લામિક હતો. રાખી સાવંતે એરપોર્ટથી બહાર નીકળતા જ મીડિયાનો સામનો કર્યો હતો.
રાખી સાવંતે મક્કા-મદીના જવા પર તેને નિશાન બનાવનારા પર પણ નિશાન સાધ્યું હતું. રાખીએ કહ્યું કે જે મુસ્લિમ લોકો મંદિરે વૈષ્ણોદેવી જાય છે તેમને તમે કંઈ કહેતા નથી. એક હિંદુ છોકરી કાબા શરીફ ગઈ અને અલ્લાહને મળી, મને અલ્લાહના ઘરથી આમંત્રણ મળ્યું… તો તમે લોકોએ હોબાળો મચાવી દીધો.. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.