વાપી: વાપી જીઆઈડીસી (Vapi GIDC) સીઈટીપી પ્લાન્ટ (CETP) નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો (Accident) છે. અહીં વળાંક પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલી ટ્રક (Truck) પલટી મારી ગઈ હતી. ટ્રક ફુલસ્પીડમાં દોડતી હોય ડ્રાઈવર કાબુ જાળવી શકયો ન હતો અને ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકને નુકશાન થયું હતું. ટ્રકની આગળનો કાચ તૂટી ગયો હતો, જેમાંથી ટ્રક ચાલક હેમખેમ બહાર નીકળી આવ્યો હતો. બનાવની જાણ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરાઈ હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મહારાષ્ટ્રનો રહેવાસી રવિન્દરકુમાર લાલતાપ્રસાદ સિંગ (ઉં.46) પરિવાર સાથે રહે છે અને તેઓ ટ્રક ડ્રાઈવર છે. તેઓ ટ્રક નં. એમએચ-46 બીયુ-4055 માં સામાન ભરીને અંકલેશ્વર નીકળ્યો હતો.
તેઓ ટ્રક લઈને વાપી જીઆઈડીસી ને.હા.નં.48 સુરત તરફ જવના માર્ગ પર સીઈટીપી પ્લાન્ટની સામે વળાંક આવતો હોય જેથી સ્ટેરીંગ પરનો કાબુ જાળવી શકયા ન હતા અને ટ્રક અચાનક પલટી ગઈ હતી. આસપાસ કોઈ અન્ય વાહન ન હોય જેથી મોટી ઘટના ટળી જવા પામી હતી. અકસ્માતમાં ટ્રકમાં ભરેલ ટેન્કને નુકશાન થયું હતું જયારે ટ્રકનો આગળની કાચ તૂટી ગયો હોય જેમાંથી હેમખેમ ટ્રકચાલક બહાર આવી ગયો હતો. જે બનાવ અંગેની જાણ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.
વાપીની સીઆરએન વુડ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી
વાપી: વાપી જીઆઈડીસીના ફોર્થ ફેઝમાં આવેલી સીઆરએન વુડ ઈન્ડસ્ટ્રીઝમાં મધ્ય રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સ્થળ પર વાપી નગરપાલિકા, વાપી નોટીફાઈડ, પારડી નગરપાલિકા સહિત ખાનગી કંપનીઓથી ફાયર ટીમ આવી પહોંચી હતી અને પાંચ કલાકે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગતા આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વાપી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં આવેલી સીઆરએન વુડ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. કંપનીમાં મધ્ય રાત્રીના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ કોઈક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગ લાગતા કંપનીની આસપાસ આવેલ અન્ય કંપનીઓ સહિત ઔદ્યોગિક વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતા જ કંપની સંચાલકમાં ભાગદોડ મચી ગઈ હતી અને તરત જ આગની જાણ પોલીસ તથા ફાયર વિભાગને કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી જીઆઈડીસી-નોટિફાઈડ યુનિટ-1-2, વાપી નગરપાલિકા, પારડી નગરપાલિકા સહિત ખાનગી કંપનીઓની ફાયર ટીમ આવી પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આશરે પાંચ કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
રક્ષાબંધન હોવાથી કંપનીમાં રજા હતી જેથી કંપનીમાં કોઈ કામદાર હાજર ન હતાં. કંપનીમાં પાણીના પ્લાસ્ટીક જાર બનાવવામાં આવતા હતાં. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંપનીમાં આગ કયા કારણોસર લાગી, આગને પગલે કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી.