અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કેમ્પસમાં (Campus) નર્સિંગ વિભાગની ઉત્તરવહી કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસ ફરિયાદ (FIR) થઈ હતી. પોલીસે આખરે ફરિયાદ થયાના દોઢ મહિના પછી પ્રથમ ધરપકડ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Police) સાયબર ક્રાઇમની મદદથી બોટની વિભાગમાં સેવક (પટાવાળા) તરીકે કામ કરતા સંજય ડામોરની ધરપકડ (Arrest) કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી હજુ દૂર છે.
- ઉત્તરવહી સગેવગે કરવામાં નર્સિંગના બોટની વિભાગના પટાવાળાની ભૂમિકા હોવાનું બહાર આવ્યું
- ફરિયાદના દોઢ મહિને આખરે પહેલી ધરપકડ, પરંતુ મુખ્ય આરોપીઓ હજુ પોલીસની પહોંચથી દૂર
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીનીઓ ગુમ થવાનો મામલો એનએસયુઆઈ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં 12મી જુલાઈ-2023ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉત્તરવહીકાંડમાં મુખ્ય આરોપી તરીકે સની ચૌધરી અને અમિતસિંહનું નામ બહાર આવ્યું હતું. પોલીસે ઉત્તરવહીકાંડમાં બોટની વિભાગમાં સેવક તરીકે કામ કરતા સંજય ડામોરની ધરપકડ કરી છે. સંજય ડામોર બોટની વિભાગમાં રહેતો હોવાથી ઉત્તરવહી લાવવા લઈ જવાની તમામ પ્રક્રિયાથી તે જાણકાર હતો. મુખ્ય આરોપીઓ સાથે ઉત્તરવહીનીઓ સગેવગે કરવામાં તેની ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓના તબક્કાવાર નિવેદનો લીધા હતા.
14 વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહીઓ કોરી રખાવી, અજ્ઞાત સ્થળે બોલાવી લખાવી હતી, વિદ્યાર્થી દીઠ 50 હજાર લેવાયા હતાં
ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડનો એનએસયુઆઈ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય સુત્રધાર આરોપી દ્વારા ચોથા વર્ષના નર્સિંગના 14 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓને પહોંચાડતા હતાં અને વિદ્યાર્થીઓને અજ્ઞાત સ્થળે બોલાવીને ઉત્તરવહી લખવા આપતા હતાં. ત્યારબાદ આ ઉત્તરવહીઓને એસેસમેન્ટ સેન્ટરમાં પાછી મૂકી દેવામાં આવતી હતી. આ કામ પેટે એક વિદ્યાર્થી પાસેથી 50,000થી વધારે રૂપિયા વસૂલવામાં આવતા હતા.