આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં મહિલાના ગર્ભાશયમાંથી ફાઇબ્રોઇડની ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક દુર કરવામાં આવી હતી. કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફાઈબ્રોઇડની ગાંઠથી પિડાતા મહિલા સારવાર માટે આવ્યાં હતાં. નડિયાદના વતની સંગીતાબહેન ચૌધરી છેલ્લા છ વર્ષથી ગર્ભાશયમાં ફાઈબ્રોઇડની ગાંઠથી હેરાન પરેશાન હતાં. આ ફાઈબ્રોઇડની ગાંઠ આંતરડા સાથે ચોંટી ગઇ હોવાથી શસ્ત્રક્રિયા કરવી મુશ્કેલ બની હતી.
જોકે, ગાયનેક વિભાગના ડો. નીતિન રાયઠઠ્ઠા, રૂમી ભટ્ટાચર્જીએ સર્જરી વિભાગના ડોક્ટર જીગ્નેશ રાઠોડને સાથે રાખીને મહિલાના શરીરમાંથી ફાઈબ્રોઇડની ગાંઠ દુર કરી હતી. સંગીતાબહેને અગાઉ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું. જ્યાંથી તેમને સારવાર અર્થે શ્રીકૃષ્ણ હોસ્પિટલ જવા સુચવ્યું હતું. આ મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આથી, મહિલા અને તેમના પતિએ હોસ્પિટલનો આભાર માન્યો હતો.