Comments

ગુસ્સાને કાબૂમાં રાખો

એક દિવસ સાહિલ કોલેજથી ઘરે આવ્યો અને ઘરે આવતાંની સાથે તેણે શુઝ ગુસ્સામાં એક ખૂણામાં ફેંક્યાં. મમ્મીએ કહ્યું, આવી ગયો બેટા, તેનો જવાબ આપ્યા વિના સીધો દોડીને પોતાના રૂમમાં જતો રહ્યો અને પછાડીને બારણું બંધ કર્યું.બધા સમજી ગયા કે ભાઈ સાહેબ અત્યારે ગુસ્સામાં છે. થોડી વાર થઈ, સાહિલ બહાર ન આવ્યો ,મમ્મી દૂધ લઈને ગઈ, પણ તેણે દરવાજો ન ખોલ્યો. હવે દાદા ઊભા થયા અને બોલ્યા, ‘સાહિલ, તું ગુસ્સામાં ભલે હો, પણ તને ઘરમાં બધા પર ગુસ્સો કરવાનો અધિકાર નથી. બારણું ખોલ અને દૂધ પી લે. પછી વાત કરીએ.’ સાહિલે દાદાની વાત સાંભળવી જ પડે અને ચુપચાપ દરવાજો ખોલ્યો. દાદા અને હાથમાં દૂધનો ગ્લાસ લઈને મમ્મી અંદર ગયાં. સાહિલે ચુપચાપ દૂધ પી લીધું અને પછી મોઢું ચઢાવીને બેસી ગયો.

દાદા બોલ્યા, ‘સાહિલ, શું થયું અને ગુસ્સો કેમ આવ્યો તેની માથાકૂટ મારે કરવી જ નથી. કૈંક ન ગમતું થયું હશે એટલે તને ગુસ્સો આવ્યો હશે. હું તો કહું છું કે ગુસ્સો આવે તેમાં કંઈ જ ખોટું નથી, વાંધો નહિ. પણ એ ગુસ્સો તમારા માથા પર ચઢી જાય અને મનમાં ઘર કરી જાય તો ખોટું છે. કોઈ એક કારણ કે કોઈ એક વ્યક્તિને કારણે તમે ગુસ્સામાં હો, પણ તેને કારણે ગુસ્સામાં બીજા બધા સાથે જ ખરાબ વર્તન કરો તો એ ખોટું છે.ગુસ્સો આવીને જતો રહેવો જોઈએ. તમારે માથે ચઢવો ના જોઈએ.’ સાહિલ બોલ્યો, ‘દાદા,ગુસ્સો આવે તો ચાલે એમ તમે કહો છો ?’ દાદાએ કહ્યું, ‘હા, જો ગુસ્સો સારા કારણ માટે કરવામાં આવે તો વાંધો નહિ.પણ ગુસ્સામાં તું બારણાં પછાડે..બીજા પર ગુસ્સો ઉતારે …ગુસ્સામાં તું તારી ચીજ વસ્તુઓ ફેંકે …ગુસ્સામાં તું તારા જ નખ ખાઈ જાય અને તારું જ માથું દુખવા લાગે એટલો ગુસ્સો કરે તો નુકસાન કોને છે?’

સાહિલે કહ્યું, ‘ગુસ્સો આવે તો બધા એવું જ કરે દાદા..’ દાદાએ કહ્યું, ‘એવું નથી કરવાનું એ યાદ રાખ.ગુસ્સો આવે તો પાંચ દસ મિનીટ બાદ શાંતિથી વિચારો કે તમને ગુસ્સો કેમ આવ્યો છે? તેનાં કારણ બે હોઈ શકે. એક તમને બીજાની ભૂલ લાગે એટલે તમે તેની પર ગુસ્સે થઇ જાવ અથવા તમને સમજાઈ જાય કે તમારી ભૂલ છે એટલે તમને તમારી જાત પર જ ગુસ્સો આવે.એટલે જયારે ગુસ્સો આવે ત્યારે થોડી વાર બાદ શાંત થઈને કારણ વિચારો અને ગુસ્સાને બહુ પોષણ ન આપો, કારણ શોધો અને દૂર કરો.માત્ર ગુસ્સો કરવાથી તને જ નુકસાન થશે, પણ ગુસ્સાનું કારણ શોધી તેને દૂર કરવાથી પરિસ્થિતિ સુધરશે સમજ્યો.’ દાદાએ સાહિલને સમજ આપી અને તેને ગુસ્સો છોડી ગુસ્સાનું કારણ શોધવા જણાવ્યું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top