નવસારી: (Navsari) મૃતક ભાઈના સંતાનોને મેળવવા દિયરે ભાભીના ભાઈનું અપહરણ (Kidnapping) કર્યુ હતું. જેને અપહરણકર્તાઓએ રાજસ્થાન-એમ.પી.-યુ.પી.ની બોર્ડર પર ચંબલ જેવા વિસ્તારમાં રાખ્યો હતો. જેથી નવસારી ટાઉન પોલીસે (Police) ત્યાં જઈ સ્થાનિક પોલીસની મદદથી અપહરણકર્તા દિયર સહીત 3ને ઝડપી પાડ્યા હતા. સાથે જ ભાભીના ભાઈને છોડાવી બચાવી લીધો હતો. પરંતુ 3 આરોપીઓ વોન્ટેડ છે.
- અપહરકર્તાઓને પકડવા નવસારી પોલીસ 2500 કિમી ફરી
- ભાભીના ભાઈનું અપહરણ કરનાર દિયર સહીત 3ને પોલીસે 2500 કિ.મી. ફર્યા બાદ ઝડપી પાડ્યા
- મૃતક ભાઈના સંતાનોને મેળવવા દિયરે તેના સાથીઓ સાથે મળી ભાભીના ભાઈનું અપહરણ કર્યું હતું
- અપહરકર્તાઓએ ભાભીના ભાઈને રાજસ્થાન-એમ.પી.-યુ.પી.ની બોર્ડર પર ચંબલ જેવા વિસ્તારમાં રાખ્યો હતો
મળતી માહિતી મુજબ, નવસારી ચારપુલ ટાપરવાડમાં સેતલ ઉર્ફે ગુડ્ડુ અશોકભાઈ પટેલ (ઉ.વ. 30) તેમના પરિવાર સાથે રહે છે. સેતલ ઉર્ફે ગુડ્ડુની પિતરાઈ બહેન ટ્વિન્કલના લગ્ન એમ.પી.ના ગ્વાલિયર હનુમાન ચૌરાહા સંજયનગર કોલોનીમાં રહેતા મનોજભાઈ ગ્યાપ્રસાદ સિંગ સાથે થયા હતા. ટ્વિન્કલબેનના પતિ મનોજભાઈનું અઢી વર્ષ પહેલા અવસાન થયું હતું. જેથી સાસરિયાઓ ટ્વિન્કલને હેરાન કરતા હોવાથી ટ્વિન્કલબેન તેમના બે દીકરા સાથે નવસારી સેતલ ઉર્ફે ગુડ્ડુના ઘરે રહેવા આવ્યા હતા.
ગત 23મીએ સેતલ ઉર્ફે ગુડ્ડુ ચારપુલ ખાતે આવેલી કે.કે. બિસ્કીટ બેકરી પાસે આવેલી પંકજની દુકાન ખાતે બેસવા માટે ગયા હતા. પરંતુ સેતલ ઉર્ફે ગુડ્ડુ મોડી સાંજ સુધી પરત નહીં આવતા સેતલ ઉર્ફે ગુડ્ડુની માતા રમીલાબેને સેતલ ઉર્ફે ગુડ્ડુની તપાસ કરી હતી. દરમિયાન ટ્વિન્કલબેનના દિયર રાજેશભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, સેતલ ઉર્ફે ગુડ્ડુ ગ્લાલિયર ખાતે આવ્યો છે. પરંતુ રમીલાબેને સેતલ ઉર્ફે ગુડ્ડુના મોબાઈલ ફોન પર સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો. જેથી રમીલાબેને નવસારી ટાઉન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ કરી હતી.
નવસારી જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે નવસારી ટાઉન પોલીસે ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગ્વાલિયર રવાના કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ગ્વાલિયર ખાતે રહેતી મહિલા સાઝીયા ખાન મેસેજ દ્વારા સેતલ ઉર્ફે ગુડ્ડુને પ્રેમ જાળમાં ફસાવી મૃતક ભાઈના બંને પુત્રોને મેળવી લેવાનું કારસુ રચ્યું હતું. પરંતુ સેતલ ઉર્ફે ગુડ્ડુ તેમની જાળમાં ફસાયો ન હતો. જેથી રાજેશ ગ્યાપ્રસાદ સીંગે તેના સાથીઓ સાથે મળી એક અર્ટીગા કારમાં નવસારી આવી સેતલ ઉર્ફે ગુડ્ડુનું અપહરણ કરી લઈ ગયા હતા.
ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા અપહરણકર્તાઓએ સેતલ ઉર્ફે ગુડ્ડુને એક ચંબલ જેવા વિસ્તારમાં રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે વિસ્તાર રાજસ્થાન-મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશની બોર્ડર પર આવતો હતો. જેથી નવસારી ટાઉન પોલીસે ત્યાની સ્થાનિક પોલીસ સાથે 2500 કિમી જેટલું ફરી હતી. જોકે ત્રણ રાજ્યોની બોર્ડર હોવાથી પોલીસને તકલીફ પડી હતી. જોકે અંતે નવસારી ટાઉન પોલીસે સ્થાનિક પોલીસની મદદથી અપહરકર્તા રાજેશ ગ્યાપ્રસાદ સિંગ, વિષ્ણુ ગયાપ્રસાદ સિંગ અને છોટન સમશેરસિંગ ખાનને ઝડપી પાડ્યા હતા. અને સેતલ ઉર્ફે ગુડ્ડુને તેઓની ચુંગાલમાંથી છોડાવી બચાવી લીધો હતો. પરંતુ પોલીસે ગ્વાલિયર ખાતે રહેતી સાઝીયા, ઢોલપુર ખાતે રહેતા મનમોહનસિંગ ઉર્ફે મુચ્ચ્લ અને ડ્રાઈવર મુકેશને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
‘તું બે છોકરાઓને લઈને એમ.પી. આવ અને સેતલને લઈ જા’
ગત 24મીએ ટ્વિન્કલબેનના દિયર રાજેશભાઈએ ભાણેજ અંકિતના મોબાઈલ પર ફોન કરી મારા ભત્રીજા રૂપિલ અને જીતેન્દ્ર મારા ભાભી ટ્વિન્કલબેન પાસેથી લઈ આવી અમને સોંપી દો અને તમારા દીકરા સેતલને લઈ જા તેમ કહ્યું હતું. ત્યારબાદ સેતલ ઉર્ફે ગુડ્ડુએ વાત કરતા જણાવ્યું હતું કે, મમ્મી આ બે છોકરાઓને લઈને તું તથા બેન ટ્વિન્કલ અહીં ગ્વાલિયર આવી જાઓ, આ લોકો મને મારે છે અને ધમકાવે છે તેમ કહી ફોન મૂકી દીધો હતો. ગત 26મીએ સવારે ટ્વિન્કલબેનના દિયર રાજેશે ફોન કરી તું બે છોકરાઓને લઈને અહી એમ.પી. આવી જા અને સેતલને લઈ જાવ તેવી વાત કરી હતી. જેથી રમીલાબેને નવસારી ટાઉન પોલીસ મથકે ટ્વિન્કલબેનના દિયર રાજેશ અને અજાણ્યા ઇસમ સાથે મળી સેતલ ઉર્ફે ગુડ્ડુનું અપહરણ કરી લઈ ગયા હોવા બાબતે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.