SURAT

સચીન GIDC ની મિલમાં ગુડ્સ લિફ્ટ તૂટી બે કામદારનાં મોત, એક ગંભીર

સુરત: સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) સોમવારે રાત્રે એક મિલમાં અચાનક સામાન લોડિંગ કરતી લિફ્ટ (Lift) તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં બે કારીગરોને મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજા થઇ હતી. ત્રીજા માળેથી લિફ્ટ ધરાશાયી થતાં આ દુર્ઘટના થઈ હોવાનું પોલીસે (Police) જણાવ્યું હતું. અકસ્માત (Accident) બાદ ઇજાગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital) લઈ જવાયા હતા. જ્યાં બેને મૃત જાહેર કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

નવી સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર પરિવારજનોએ જણાવ્યું હતું કે દુર્ઘટના સચિન જીઆઈડીસીમાં આવેલી મધુનંદન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. નામક ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં બની હતી. જેમાં પાલી ગામ વિષ્ણુ નગરમાં રહેતા 48 વર્ષીય ધમેર્શ્વર બૈઠા તથા સંદીપકુમાર રામકુમાર ચૌહાણ (ઉં- વ- 19- રહે- અરવિંદભાઈની ચાલમાં, બરફ ફેક્ટરી પાસે સચિન જીઆઇડીસી)ના મોત નિપજ્યા હતા. જ્યારે 21 વર્ષીય વિક્રમ (રહે – સચિન)ને ગંભીર ઇજા થઇ હતી. સોમવારે રાત્રે સચીન જીઆઈડીસી ખાતે મધુનંદન મિલમાં ત્રણેય કામદારો ગુડ્સ લિફ્ટમાં ગ્રેના ટાકા લઈને ત્રીજા માળે જતા હતા. ત્યારે ત્રીજા માળેથી અચાનક લિફ્ટ આકસ્મિત રીતે તૂટીને નીચે પડતા ત્રણેય કર્મીઓ ગંભીર રીતે ઘવાયા હતા. લિફ્ટમાં ગ્રેના ટાકા અને ત્રણેય કામદારો હતા. અવાજ આવતા જ તમામ દોડી ગયા હતા. ઘટનાને પગલે સાથી કામદારોમાં પણ ભય નો માહોલ જોવા મળ્યો હતો. ભાગદોડ મચી જવા પામી હતી.

વધુમાં જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત ત્રણેય ને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ધર્મેશ્વર બૈઠા અને સંદિપકુમારને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમ ચૌહાણને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. સચિન જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે.

મૃતક સંદીપના ભાઈ પંકાજકુમારે જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે, સંદીપ એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. માતા-પિતાનો આર્થિક સહારો છીનવાઇ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે ધરમેશ્વરના પુત્ર પ્રમોદ એ જણાવ્યું હતું કે પરિવારની આર્થિક જવાબદારી પિતા પર હતી. ચાર સંતાન અને પત્ની નું ગુજરાન ચાલતું હતું. 3 વર્ષથી સુરતમાં રહેતા હતા. મૂળ બિહારના વતની છે.

Most Popular

To Top