ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની (Amit shah) અધ્યક્ષતામાં આજે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક ગાંધીનગર (gandhinagar) ખાતે યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાનાં મુખ્યમંત્રીઓ તથા દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનાં વહીવટકર્તાઓ, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી તથા અન્ય વિશિષ્ટ મંત્રીઓ, પશ્ચિમ ઝોનનાં રાજ્યોનાં મુખ્ય સચિવો, કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયનાં સચિવ તથા રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે પોષણ અભિયાન, શાળા છોડવાનો દર ઘટાડવા અને આયુષ્માન ભારતનો (Ayushman bharat) લાભ લેવા – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબો સુધી પહોચે તેવા પ્રસાયો કરવા કરવા અનુરોધ કર્યો હતો.
- ગુજરાતનાં ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક દરમિયાન સભ્ય રાજ્યોને ગૃહમંત્રીનો અનુરોધ
- પોષણ અભિયાન અને શાળા છોડવાનો દર ઘટાડવો જોઈએ: 17 મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા બાદ 9નું નિરાકરણ
બેઠકમાં કુલ 17 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાંથી 09 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ સહિત બાકીના મુદ્દાઓ પર ગહન ચર્ચા કર્યા બાદ દેખરેખ માટે રાખવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાષ્ટ્રીય મહત્વના ત્રણ મુદ્દાઓ – પોષણ અભિયાન, શાળા છોડવાનો દર ઘટાડવા અને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ દરેક ગરીબ સુધી પહોંચાડવા માટે સંવેદનશીલતાપૂર્વક કામ કરવા જણાવ્યું હતું.
શાહે જણાવ્યું હતું કે, દેશનાં 60 કરોડ લોકોને અર્થતંત્ર સાથે જોડવાનો એકમાત્ર રસ્તો સહકારી મંડળીઓ છે, જેથી તેઓ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે. તેમણે જણાવ્યું હતું કે, 2 લાખ નવી પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ) ઊભી કરીને અને હાલનાં પેક્સને વ્યવહારિક બનાવીને દેશનાં સહકારી ક્ષેત્રમાં મોટું પરિવર્તન જોવા મળશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ઝોનલ કાઉન્સિલ સભ્યોમાં ઉચ્ચ સ્તરે વ્યક્તિગત આંતર-કાર્યવાહી માટે તક પૂરી પાડે છે અને સૌહાર્દ અને સદ્ભાવનાના વાતાવરણમાં મુશ્કેલ અને જટિલ પ્રકૃતિના મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે ઉપયોગી મંચ તરીકે સેવા આપે છે.
ચર્ચા અને અભિપ્રાયોના આદાનપ્રદાન મારફતે ઝોનલ કાઉન્સિલો રાજ્યો વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસનાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સંકલિત અભિગમ વિકસાવવામાં મદદ કરે છે. શાહે જણાવ્યું હતું કે, પશ્ચિમ ઝોન દેશનો મહત્ત્વપૂર્ણ ઝોન છે અને દેશની જીડીપીમાં 25 ટકાનું પ્રદાન ધરાવતો આ વિસ્તાર ફાઇનાન્સ, આઇટી, ડાયમંડ, પેટ્રોલિયમ, ઓટોમોબાઇલ અને સંરક્ષણનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલના સભ્ય દેશો લાંબા દરિયાકિનારા વહેંચે છે, જ્યાં અત્યંત સંવેદનશીલ સંસ્થાઓ અને ઉદ્યોગો છે અને ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નોની જરૂર છે.