Editorial

રશિયા, અમેરિકા કે ઇઝરાયલ તેમના કોઇપણ દુશ્મનને છોડતા નથી

રશિયાના વિદ્રોહી વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ તેમનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઉડાન દરમિયાન પ્લેન ક્રેશ થવાની વાત કરી રહ્યા છે. પ્રિગોઝિન પણ કહે છે કે તે રશિયા સાથે જૂઠું બોલવાને બદલે મરી જવાનું પસંદ કરશે. 29 એપ્રિલે રશિયન બ્લોગર સેમિયોન પેગોવ દ્વારા તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો.તેની એક ક્લિપમાં, પ્રિગોઝિન કહે છે – રશિયા વિનાશના કગાર પર છે. આવું એટલા માટે કારણ કે ડિફેન્સ સેક્ટરમાંથી એવા લોકોને બહાર કરવામાં આવી રહ્યા છે, જેઓ સાચું બોલે છે અને મોટા હોદ્દા પર બેઠેલા અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરવા તૈયાર નથી.

પ્રિગોઝિન વધુમાં કહે છે- આજે હું આટલું સાચું કેમ બોલી રહ્યો છું. તે એટલા માટે કે હું આ દેશમાં રહેતા લોકોથી ઉપર નથી. આજે તેમની સાથે જૂઠું બોલવામાં આવી રહ્યું છે. મને મારી નાખવામાં આવે તો સારું. પ્રિગોગિને ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું – હું જૂઠું બોલીશ નહીં. આજે રશિયા વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. જો સિસ્ટમમાં ફેરફાર નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં એક દિવસ પ્લેન ક્રેશ થશે. પશ્ચિમના દેશોને તેમાં પુતિનનો જ હાથ લાગે છે. પ્રિગોઝિનના મોતના એક દિવસ બાદ પુતિને પ્રતિભાવ આપતા કહ્યુ છે કે, પ્રિગોઝિન પ્રતિભાશાળી હતો પણ ભૂલ કરી ગયો.

પુતિને વિમાન દુર્ઘટના પર પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, વિમાન ક્રેશ થવાના કારણોની તપાસ ચાલી રહી છે. પ્રિગોઝિનને હું લાંબા સમયથી જાણતો હતો. તેણે જીવનમાં ગંભીર ભૂલો કરી હતી. આમ છતા પણ તે ધાર્યા પરિણામ મેળવી શક્યો હતો. હું પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ પીડિતો પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છું. દુર્ઘટનાની તપાસ શરુ થઈ ગઈ છે અને તપાસ પૂરી થતા કેટલોક સમય લાગશે. પ્રિગોઝિન 90ના દાયકાથી પુતિનનો અંગત મિત્ર ગણાતો હતો. પુતિને યુક્રેન સામે યુધ્ધ શરુ કર્યુ ત્યારે પ્રિગોઝિને પોતાની પ્રાઈવેટ આર્મીને રશિયા વતી લડવા પણ ઉતારી હતી અને એ પછી બંને વચ્ચે તાજેતરમાં સર્જાયેલા મતભેદ એ હદે પહોંચ્યા હતા કે, પ્રિગોઝિને પુતિનને સત્તા પરથી બેદખલ કરવા માટે ધમકી આપી હતી.

તેની પ્રાઈવેટ આર્મી એક તબક્કે મોસ્કો સુધી પહોંચી ગઈ હતી. પુતિન અને પ્રિગોઝિન વચ્ચે સમાધાન થયુ હતુ પણ તેના બે જ મહિનામાં રહસ્મય પ્લેન ક્રેશમાં હવે પ્રિગોઝિનનુ મોત થયુ છે. આ તો વાત થઇ રશિયાની. રશિયાએ સાબિત કરી આપ્યું છે કે, દુશ્મન નાનો હોય કે મોટો હોય, પોતાનો હોય કે પરાયો હોય, પોતાના દેશમાં રહેતો હોય કે બીજા દેશમાં તેને સ્વધામ પહોંચાડી દેવામાં આવશે જ. અમેરિકા પણ આજ થીયરી પર ચાલી રહ્યું છે.

તેના સીધા ઉદાહરણ તરીકે જોઇએ તો અમેરિકામાં આતંવાદી હુમલો કરીને ટ્વીન ટાવરને તોડી પાડનાર ઓસામા બિન લાદેનને વર્ષો પછી પાકિસ્તાનના વઝિરિસ્તાનમાંથી શોધી કાઢ્યો હતો. અમેરિકાની નેવી સીલ્સ ત્યાં ત્રાટકી હતી અને તેને તેના જ ઘરમાંથી ઊંચકી ગઇ હતી. તેવી જ રીતે ઇરાની અધિકારી અબુબકરને પણ ડ્રોન હુમલામાં મારી નાંખવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી ભલે અમેરિકાએ સ્વીકારી નહીં હોય પરંતુ ઇરાકમાં તેની હત્યા પાછળ કોનો હાથ છે તે દુનિયા ખૂબ જ સારી રીતે જાણે છે. 60 લાખ યહુદીઓની હત્યા કરનાર એડોલ્ફ હિટલરના ખાસ કમાન્ડર એડોલ્ફ આઇકમાનની હાલત પણ ઇઝરાયલે આવી જ કરી હતી. તેને બ્રાઝિલથી ઉપાડી લેવામાં આવ્યો હતો અને ઇઝરાયેલની કોર્ટમાં રજૂ કરી તેને સજા અપાવી હતી.

Most Popular

To Top