વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા પોલીસ (District Police) દ્વારા ગુમ થયેલા સગીર વયના કિશોર-કિશોરીઓને શોધી કાઢવા હાથ ધરાયેલા એક અભિયાન અંતર્ગત તેમના દ્વારા 10 દિવસની અંદર લાપતા (Missing) થયેલા 10 સગીરને શોધી કાઢી મોટી સફળતા હાથ લાગી છે. આ અભિયાનમાં વલસાડ એલસીબી, એસઓજી તેમજ વિવિધ પોલીસ મથકનો સ્ટાફ કામે લાગ્યો હતો.
- વલસાડમાં 10 દિવસમાં ગુમ થયેલા 10 સગીરને પોલીસે શોધી કાઢ્યા
- વાપીના 4, ડુંગરાના 2, પારડીના 1, ભીલાડના 2 અને ધરમપુરના 1 કિશોરને શોધી પરિવારજનો સાથે મિલાપ કરાવ્યો
વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ ગુમ બાળકો, કિશોરો અને તરૂણોને શોધવા અભિયાન ચલાવી કોઇ પણ સંજોગોમાં તેમને શોધી પરિવારજનો સાથે મિલન કરાવવા માટેની તાકિદ વલસાડ જિલ્લા પોલીસને કરી હતી. ત્યારે ગત તા. 16મી ઓગષ્ટથી 25મી ઓગષ્ટ સુધીના 10 દિવસમાં જ વલસાડ જિલ્લા પોલીસે આ અંગે મોટી સફળતા મેળવી છે.
જેમાં તેમના દ્વારા કુલ 10 સગીરવયના કિશોર-કિશોરીને શોધી કઢાયા છે. પોલીસે શોધી કાઢેલા ગુમશુદા સગીરો પૈકી વાપી ટાઉન પોલીસ મથકની હદના 4, ડુંગરા પોલીસ મથકની હદના 2, પારડી પોલીસ મથકની હદના 1, ભીલાડ પોલીસ મથકની હદના 2 અને ધરમપુર પોલીસ મથકની હદના 1 કિશોરને શોધી કાઢી તેમનો તેમના પરિવારજનો સાથે મિલાપ કરાવ્યો હતો. જેના પગલે તેમના વાલીઓમાં ખુશીની લાગણી ફરી વળી હતી.
ઉમરગામના નારગોલ માલવણ બીચ પર મૃત ડોલ્ફિન તણાઇ આવી
ઉમરગામ : ઉમરગામ તાલુકાના નારગોલના માલવણ બીચ ખાતે એક ડોલ્ફિન માછલી મૃત અવસ્થામાં ભરતીના પાણીમાં તણાઈ આવી હતી. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે માલવણ બીચ વિસ્તારમાં ઊંડા દરિયામાંથી અનેક વખત મૃત ડોલ્ફિન મળી આવવાની ઘટના સામે આવતી રહે છે. શનિવારે દરિયાઈ ભરતીના પાણી સાથે અંદાજે પાંચેક ફૂટ લાંબી ડોલ્ફિન માછલી મૃત હાલતમાં કિનારે તણાઈને આવતા સ્થાનિકોએ સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારીને જાણ કરી હતી. સરપંચે સામાજિક વન વિભાગના આર.એફ.ઓ અમિતભાઈ ટંડેલને જાણ કરતા સામાજિક વન વિભાગે મૃત ડોલ્ફિનનું વેટેનરી ડોક્ટર પાસે પી.એમ પ્રક્રિયા કરાવ્યા બાદ ડોલ્ફિનને દફન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
નારગોલ ગામના સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારીએ ‘ગુજરાતમિત્ર’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકાનો 27 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. છેલ્લા એકાદ વર્ષમાં માત્ર નારગોલ દરિયા કિનારેથી ચારેક જેટલી ડોલ્ફિન માછલી મૃત હાલતમાં કિનારે તણાઈને આવી હતી. વધુમાં બે વેલ માછલી પણ મૃત હાલતમાં કિનારે આવી હતી. ઉમરગામ તાલુકાના દરિયા કિનારે આ પ્રકારની મૃત ડોલ્ફિન મળવાની અનેક ઘટના સામે આવી રહી હોવાથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
ઉમરગામના સરીગામ જીઆઇડીસી ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી તડગામ દરિયાની અંદર પાઇપલાઇન માધ્યમથી નિકાલ કરવામાં આવે છે. ભૂતકાળમાં કેમિકલ યુક્ત પાણીના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિને અસર થવાની ઘટના બનતી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ દિશામાં પણ થોડી નજર દોડાવે તે જરૂરી છે.