તા. 9.8.23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં નરેન્દ્ર જોશીની સમુદ્ર એક કિનારા અનેક કોલમમાં અટ્ટહાસ્યની આરપાર શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે એમના લેખમાં હાસ્યનો પ્રકાર અને ફાયદા વિષે સારી એવી માહિતી આપી છે. જોડિયાં બાળકો લાંબો સમય અલગ રહ્યા પછી ભેગાં થાય ત્યારે તેમના અટ્ટ હાસ્યની પધ્ધતિ એકસરખી હોય છે. હાસ્યવૃત્તિમાં પણ ઝાઝો ફેર નથી પડતો. વિજ્ઞાનીઓ કહે છે કે અટ્ટહાસ્ય ઉત્ક્રાંતિ જેટલું પ્રાચીન છે. ચિમ્પાન્ઝી અટ્ટહાસ્ય કરે છે ઉંદરો અને કૂતરાઓ પણ અટ્ટહાસ્ય કરે છે.
આમ એમણે ઘણી સારી માહિતી આપી છે. લેખ વાંચવાલાયક છે. લેખકને અભિનંદન સારો લેખ લખવા બદલ. હાસ્ય વિષે કહેવાય છે કે લાફ એન્ડ ગ્રોફેટ પણ માપમાં ફેટ થવાય તે સારું. ખંધુ હાસ્ય સારું નહિ. એમાં એવું થાય કે મુખમેં રામ અને બગલમેં છુરી. હસો હસો ખૂબ હસો પણ જિંદગી હસવા જેવી ન બનવી જોઇએ. હાસ્ય સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે એ નિ:શંક છે. લાફટર ઇઝ ધ બેસ્ટ મેડીસીન. દવા તરીકે હાસ્યનો ઉપયોગ થઇ શકે. હાસ્ય જરૂરી છે. આથી હાસ્ય કલબ પણ સમાજમાં છે અને રડવાની પણ છે. એક સ્ત્રીનો પતિ જે સૈનિક હતો તેના શબને પેલી સ્ત્રી જોયા કરે પણ તે રડતી ન હતી પણ પછી તેને રડાવવી પડી હતી. તેને બચાવવા જ આમ રડી લેવું પણ જરૂરી. જિંદગી સુખ દુ:ખનો મેળો છે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘સુરતી બળેવ’ની ઉજવણી અને મુહૂર્ત
નાળિયેરી પૂનમના દિવસે તાપીમાં હોડી ડૂબી જવાની દુર્ઘટનાની યાદમાં મૂળ સુરતીઓ બીજા દિવસે પડવા પર બળેવનો તહેવાર(રક્ષાબંધન)ની ઉજવણી કરે છે. આજ દિન સુધી સુરતીઓ એ બળેવના દિવસે મુહૂર્ત જોઈને રાખડી બાંધતાં હોય એવું ધ્યાને નથી. બળેવના દિવસે બહેન વ્હાલા ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી. રક્ષાબંધનમાં સામાજિક મહત્ત્વ અને ભાઈ બહેનના પ્રેમનો ભાવ રહેલો છે. સુરતમાં શ્રાવણ સુદ પૂનમ એટલે બ્રાહ્મણની બળેવ અને બીજા દિવસે સુરતી બળેવની ઉજવણી થાય છે.શાળામાં બે દિવસ રજા હોય છે. હવે સુરતીઓ બન્ને દિવસ બળેવ મનાવે છે. એક દિવસ ભાભી પોતાના ભાઈને ત્યાં રાખડી બાંધવા જાય છે.
બીજા દિવસે નણંદ પોતાના ભાઈને રાખડી બાંધવા આવે છે.પહેલાંના સમયમાં સુરતી બળેવના દિવસે બેન ભાઈને રાખડી બાંધવા પિયર આવતી અને ભાભી એના પિયર જતી.ટૂંકમાં ભાભી નણંદની એક જ દિવસે બળેવ થતી.બેન ભાઈને રાખડી બાંધે ત્યારે માત્ર સુરતી મિઠાઈ જ ખવડાવતી.બેન ભાઈને ત્યાં જાતે રસોઈ કરી જમતી.ભોજનમાં શ્રીખંડ,મઠો અને બાસુદી અને ખમણ તો ખરા જ.જ્યારે રાત્રે ભોજનમાં દરિયાઈ મેવો હોય. સાંજે શેરી મહોલ્લામાં જોઈએ તો દરેક ઘરોના ઓટલા બહેનોથી ભરેલા હોય.મહોલ્લાની બાળપણની બહેનપણીઓ તે દિવસે મળતી અને બાળપણની વાતો વાગોળતી. સમયાંતરે હવે સુરતીઓની બળેવ પવિત્રા બારસથી પ્રારંભ થઈ જાય છે. સુરતીઓની તહેવારની ઉજવણી કરવાની અલગ પરંપરા છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.