Comments

ગુજરાતમાં વધતું નશાખોરીનું ચલણ ચિંતાજનક છે

ગુજરાતમાં ગ્રામ વિસ્તારની શાળામાં શિક્ષક દારુ પીને આવ્યાનો વિડીઓ વાયરલ થયો હતો. પોલીસ નશાની ચિકાર હાલતમાં હતો અને લોકોએ તેને પકડ્યો હતો. ઘણા માને છે કે ગુજરાતમાં દર ત્રીજો યુવાન દારુ એક વાર તો ચાખી ચૂક્યો છે. ગુજરાતનાં મોટાં તમામ શહેરોમાં સઘન ચેકિંગ થાય તો સાંજના સમયે ઘણા નશાની હાલતમાં ડ્રાઈવ કરતાં પકડાય. ગુજરાતનાં નાગરિકોની ચિંતાનો ખરો વિષય કયો હોઈ શકે? હા,કોન્ટ્રાકટ સીસ્ટમમાં યુવાનોનું થતું શોષણ,સરકારી નોકરીઓનો અભાવ,વધતા જતા ભાવ ,પાયાની, સામાજિક-સામુહિક સેવાઓનું ખાનગીકરણ આપણી ચિંતાનો વિષય છે જ. જીવવું મોઘું છે, માંદા પડવું પણ મોઘું છે.

બાળકોને ભણાવવું મોઘું છે. પણ હવે આપણી નવી ચિંતાનો વિષય છે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ અને દારૂના નશાનું વધતું દૂષણ.જો ડ્રગ્સ કાંડમાં પકડાયેલા ફિલ્મ સ્ટાર અને ફિલ્મસ્ટારના દીકરાઓના સમાચારોની આપણે ઉત્સાહપૂર્વક ચર્ચા કરતાં હોઈએ તો સાથે આપણાં બાળકો પણ મોડી રાત સુધી ક્યાં ફરે છે તેની ચિંતા કરવી જોઈએ. પહેલાં સાંભળવા મળતું કે અમુક ચોક્કસ લોકો જ ગાંજો ચરસના બંધાણી હોય છે.પણ હવે તો હુક્કા બાર અને શહેરના રાજમાર્ગો પર મોડી રાત્રે ચાલતી કીટલીઓ પર પણ આ બધા જ નશા થાય છે. ગાંધી બાપુના ગુજરાતમાં દારુબંધી છે છતાં દારુ વેચાય છે એમ ઘણા માને છે પણ હવે તો ડ્રગ્સ વેચાય છે અને તે પણ ઓનલાઈન એ કેટલા જાણે છે?

આપણે કદી આપણાં બાળકો ક્યાં કોને મળે છે તેની ખબર રાખીએ છીએ? એમના મોબાઈલની કિંમત પણ ઘણાં માબાપ જાણતાં નથી. જો બાળકો મોંઘા મોબાઈલ વાપરે છે તો તે ક્યાંથી આવ્યા? આ પ્રશ્ન થવો જોઈએ. આજે સો રૂપિયાને પાર વેચાતું પેટ્રોલ એ કેવી રીતે ભરાવે છે? અને બાઈક પર ક્યાં ફરે છે તે આપણી ચિંતાનો વિષય છે.ક્યારેક તેની વોટસેપ ચેટ આપણે તપાસતાં રહીએ, તો પોલીસને નહીં તપાસવી પડે. આજે કાળા કારોબાર કરનારા આધુનિક બની ગયા છે. ટેકનોલોજીના ઉપયોગથી ઓર્ડર લેવાયા છે. હોમ ડીલીવરી કે હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી થાય છે ત્યારે ,આ ડ્રગ્સના દૂષણમાં આપણાં પાલ્ય નથી સપડાયાં તે જોવું પડશે.ગુજરાતનાં માતાપિતા દીકરો દીકરી બીજી જ્ઞાતિમાં ના પરણે તે માટે સતત ચિંતિત હોય છે. બીજા ધર્મમાં ના પરણે એ તો ચિંતા સરકાર પણ કરે છે પણ આ જ બાળક ખોટા રવાડે ના ચડે એ, ડ્રગ્સના બંધાણી ના બને એ માટે કોઈ ચિંતા કરતું નથી.

છાપામાં દર અઠવાડિયે ડ્રગ્સ સાથે માણસ પકડાયાના સમાચાર છપાય છે. ગુજરાતના અગ્રણી અખબાર તથા સામયિકો હવે ડ્રગ્સ વિષે કવર સ્ટોરી કરતા થયા છે. ગુજરાતના પોર્ટ પર ૨૦૦૦ કરોડના ડ્રગ્સ પકડાયાના સમાચાર તાજા જ છે.પણ આ સમાચારોની વચ્ચેથી ઉપસી આવતું સત્ય એ છે કે ગુજરાતમાં ડ્રગ્સનો  કારોબાર હવે મોટો, વ્યાપક અને કરોડોનો ધંધો છે. સ્વાભાવિક છે તંત્ર પણ આમાંથી કંઈક મેળવતું હોય. સત્તાના સાથ વગર આટલો મોટો એટલો ખોટો અને એટલો લાંબો સમય કોઈ કારોબાર ચાલે નહિ.પણ આપણા ઈરાદાઓ રાજકીય આક્ષેપો કરવાનો નથી. આપણો ઈરાદો પ્રજાને જાગૃત કરવાનો છે. સામાજિક સમસ્યાઓના ઉકેલમાં સરકારને સાથ આપવો જોઈએ અને જરૂર પડે ત્યાં કાન આમળવો જોઈએ.

આજે ગુજરાતના નાનાં નાનાં ગામડાંમાં સાંજ પડે એટલે ગાંજો ચરસ ફુંકાય છે. શહેરના હાઈ વે પર બાઈકો પાર્ક કરીને યુવાનો આ લત લગાડે છે. પાર્ટી પ્લોટોમાં ખાસ પાર્ટીઓ યોજાય છે અન એ ડ્રગ્સની લતે ચડેલાં યુવાનો, ચોરી ઓનલિયન ફ્રોડ કે ક્રેડીટ કાર્ડના દેવા તળે ડૂબતા જાય છે. રાજ્યમાં છેલ્લાં વર્ષોમાં વધેલા ગુનાખોરીનાં આંકડા તપાસો તો આ નશો અને તેના દ્વારા ઊભું થયેલું નશાનું તંત્ર સ્પષ્ટ થયા વગર રહેશે નહીં. માટે સમય છે વેળાસર જાગવાનો. ઊડતા પંજાબની જેમ ઊડતા ગુજરાતનું નામ પ્રખ્યાત નથી કરવાનું.

ગુજરાતનાં માતાબાપ ઊંઘે તો જ યુવાનો નશામાં ઊડે, પણ આપણે તે થવા દેવાનું નથી. રાજકારણ અને લાલચથી ઉપર ઊઠીને ગુજરાતમાં પ્રસરતા આ કાળા કારોબારને નાથવાનો છે. આ સમસ્યા બિલકુલ નજર અંદાજ કરવા જેવી નથી. આ દૂષણ સામે બહુ આયામી લડત આપવી પડે તેમ છે. એક તરફ યુવાનો એમાં ના સપડાય તેની જાગૃતિ ચલાવવી. બે ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને પ્રેમ, હૂંફ આપી સાચા માર્ગે પાછા વાળવા અને ડ્રગ્સના કારોબારીઓને જેર કરવા તેમને સજા કરવી અને તેમની સાથે સાંઠગાંઠ રાખનારાને ખુલ્લા પાડવા આવા ત્રિપાંખિયા જંગથી જ આ શેતાનને હરાવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top