સાપુતારા (Saputara) : સાપુતારાના નવાગામનાં તળાવમાં (Navagam Lake) કાયાકિંગ બોટિંગ (Kayaking Boating) એજન્સી દ્વારા શરત ભંગ કરીને પ્રવાસીઓ (Tourist) પાસે ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદ ઉઠતા તપાસની માંગ કરવામાં આવી છે.
ડાંગ કલેક્ટર (Dang Collector) અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા સુરતની કઠિયારો વોટરસ્પોર્ટસ પ્રા. લિ. નામની એજન્સીને સાપુતારાનાં નવાગામના નવા તળાવમાં કાયાકીંગ પ્રવૃતિ કરવા શરતોના આધિન હંગામી ધોરણે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ એજન્સી દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને કમાણી કરવામાં રસ હોય તેમ સંચાલકો પ્રવાસીઓ પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
વર્ક ઓર્ડરમાં પ્રમાણે, કાયાકિંગની પ્રવૃત્તિ માટે એક વ્યક્તિ માટે રૂા.100 ની ટીકીટ તેમજ બે વ્યક્તિ માટે રૂા.150ની ટીકીટ આપવાની હોય છે. આ નિયત દર કરતા વધુ દર સહેલાણીઓ પાસેથી વસુલી શકાય નહીં. પરંતુ એજન્સી સહેલાણીઓ પાસેથી 500 થી 700 રૂપિયાની તગડી રકમ ઉઘરાવતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. પ્રવાસીઓને ટિકટ પણ નહીં આપી ભ્રષ્ટાચારને અંજામ અપાઈ રહ્યો છે.
કાયાકીંગ (વોટરસ્પોર્ટસ)નાં સાધનો નિયત કરેલા ટેક્નિકલ સ્પેકશન અને માપદંડ મુજબના તેમજ તેમની ફિટનેશ સર્ટીફિકેશન અંગેનું પ્રમાણપત્ર ટેક્નિકલ નિષ્ણાંત અધિકારી પાસેથી મેળવી રજુ કરવાનું હોય છે. પરંતુ અહીં એજન્સીએ બોટીંગ ચાલુ કર્યું ત્યારથી આજદિન સુધીમાં ફિટનેસ સર્ટિફિકેશન અંગેનું પ્રમાણપત્ર લીધુ જ નથી. અને આ બોટીંગ રામભરોષે ચલાવાઈ રહ્યુ છે.
આજે કાયાકિંગ એજન્સીનાં સંચાલકોની બેદરકારીને કારણે પ્રવાસીઓ કોઈપણ પ્રકારની સેફ્ટિ વગર તળાવમાં નહાવા કૂદી પડતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે અહીં કોઈ જાનહાની થશે તો તે માટે કોણ જવાબદાર રહેશે ? સુરતની કઠિયારો વોટરસ્પોર્ટસ પ્રા.લિ. નામની એજન્સી કે પછી જવાબદાર નોટિફાઈડ એરિયાનાં અધિકારીઓ તે પણ ઘૂંઘવતો પ્રશ્ન ઉભો થયો છે. કઠિયારો વોટરસ્પોર્ટસ એજન્સીને કમાણી કરવામાં જ રસ હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે.
કારણકે એજન્સી દ્વારા નિયત દર કરતા વધુ રકમ ઉઘરાવવામાં આવે છે અને સેફ્ટિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી એજન્સી સામે કાર્યવાહી કરી બોટીંગ પ્રવૃત્તિ બંધ કરવાની સ્થાનિકોમાં માંગ ઉઠી પામી છે.
તપાસનાં આદેશ આપુ છું, ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરાશે
આ બાબતે સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલ ભરવાડે જણાવ્યું હતુ કે નવાગામ ખાતે નવા તળાવમાં ચાલતી કાયાકિંગ બોટીંગ બાબતે હું હાલમાં જ સાપુતારાનાં નોટિફાઈડ એરિયાનાં નાયબ મામલતદારને તપાસનાં આદેશો આપુ છું. કાયાકિંગ બોટીંગની શરતોનાં આધારે ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે.