સુરત: ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં સાઇબર સેલના પોલીસ કર્મીને મહિલાઓએ જાહેરમાં માર મારતો વિડીયો (Video) સામે આવ્યો છે. એટલું જ નહીં પણ રાઠોડવાસની મહિલાને એલફેલ બોલી ગાળો આપતા મામલો બીચકયો હોવાનહ કહેવાય રહ્યું છે. તો બીજી બાજુ પોલીસ કર્મીએ જાતિ વિષયક ગાળો આપતા મહિલાઓ વિફરી હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. જાહેરમાં પોલીસ કર્મીને માર મારવાની ઘટનામાં ટોળામાં લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જો પોલીસ જવાન અથવા તેના ભાઈએ ગેરવર્તણૂક અથવા કોઈ ગુનો કર્યો હતો,તો પોલીસને જાણ કરવી સામાન્ય નાગરિકની ફરજ બનતી હોવાનું લોકોએ જણાવ્યું છે. હાલ કાયદો હાથમાં લઈ પોલીસ જવાનને જાહેરમાં ફટકારનારા સામે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મી અને તેનો ભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ જવાન પર થયેલા હુમલા પાછળનું કારણ પોલીસ જવાનના ભાઈ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાધાન માટે ગયેલા પોલીસ જવાન અને લોકો વચ્ચે વાત નું વતેસર થતા લોકો ટોળામાં પોલીસ જવાન અને તેના ભાઈ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં બન્ને ભાઈઓ ને લાકડાના ફટકા, ઢીકક-મુક્કી અને લાફા મરાયા હતા. એટલું જ નહીં પણ જમીન પર સુવડાવીને પણ માર મરાયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. આ હુમલામાં પોલીસ જવાન અને તેના ભાઈ ને માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે જાહેરમાં માર મરાયેલા પોલીસ જવાન અને તેના ભાઈને બચાવવા ગયેલી વરદીધારી પોલીસ કર્મીઓ ની હાજરીમાં પણ બન્ને ભાઈઓ ને માર મરાયો હતો. લોકોનો ગુસ્સો જોઈ તમાશો જોનારા પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે બન્ને ઇજાગ્રસ્ત ભાઈઓને તાત્કાલિક ઘટના સ્થળ પરથી પોલીસ સ્ટેશન લઈ જવામાં પોલીસ સફળ રહી હતી. ત્યારબાદ બંદોબસ્ત સાથે સારવાર માટે સિવિલ મોકલ્યા હતા. હાલ પોલીસ જવાન અને તેના ભાઈ અને કેટલાક હુમલાખોર લોકોની અટક કરવામાં આવી છે. તપાસ બાદ ઘટનાની હકીકત સામે આવી શકે એમ કહી શકાય છે.