નોટબંધી બાદ દેશમાં કાળું નાણું ઘટી જવા પામ્યું છે. જેને કારણે બેંકોની તિજોરીઓ છલકાઈ જવા પામી છે. બેંકોમાં બાંધી મુદતની થાપણોમાં લાખો કરોડોનો વધારો થઈ ગયો છે અને તેને કારણે બેંકો દ્વારા બોલાવી-બોલાવીને લોન આપવામાં આવી રહી છે. લોન માટે ફોન કરીને સામેથી બોલાવવામાં આવે છે. જરૂરીયાતમંદ પણ લાલચમાં આવીને કે મજબુરીમાં લોન લઈ રહ્યા છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે આવક અનિશ્ચિત હોય તો તેવા સંજોગોમાં લોનનો હપ્તો સમયસર ભરી શકાતો નથી અને બેંકોને લોનધારક પર મનફાવે તેમ વ્યાજ અને દંડ વસૂલવાનો મોકો મળી જાય છે.
આ રીતે બેંકોએ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી ઉસેટી લીધા છે. ઘણી વખત તો ગ્રાહકને ખબર પણ હોતી નથી કે બેંક દ્વારા શા માટે નાણાં ખાતામાંથી કાપી લેવામાં આવ્યા છે? આ બાબતે અનેક ફરિયાદો ઉઠ્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેંક એકશનમાં આવી છે. રિઝર્વ બેંક દ્વારા આ મામલે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને તમામ બેંકોએ હવે તેને અનુસરવાનું રહેશે. આગામી તા.1લી જાન્યુઆરી, 2024થી આ તમામ નવા નિયમો અમલી બની જશે.
ભારતીય રિઝર્વ બેંકએ કહ્યું છે કે, બેંકો, એનએફબીસી કે અન્ય ધિરાણકર્તાઓ લોન ખાતાઓમાં નિયમિત હપ્તા નહીં ભરાય તો તેની પર દંડાત્મક વ્યાજ વસૂલી શકતા નથી. આવા દંડ પર કોઈ વ્યાજ પણ વસૂલી શકાશે નહીં. બેંકોએ દંડના વ્યાજને વ્યાજમાંથી કમાણીનું સાધન બનાવવું જોઈએ નહીં. પોતાના પરિપત્રમાં રિઝર્વ બેંકએ લોન ખાતાઓમાં બિન-પાલન અને દંડ અંગેના અનેક નિયમો નક્કી કર્યા છે. રિઝર્વ બેંકએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, જો લોન ખાતામાં દંડ વસૂલવામાં આવ્યો હોય તો તે દંડના ચાર્જના સ્વરૂપમાં હોવો જોઈએ.
તે દંડના વ્યાજના સ્વરૂપમાં હોવો જોઈએ નહીં કે જે લોનના વ્યાજના દરમાં ઉમેરી દેવામાં આવે છે. આ ઉપરાંત બેંકો કે અન્ય ધિરાણ સંસ્થાઓ વ્યાજ પર વસૂલવામાં આવતા કોઈપણ વધારાના ઘટક દાખલ કરી શકશે નહીં. નાણાંકીય સંસ્થાઓએ દંડાત્મક ચાર્જિસ અને લોન પર ફ્લેટ ચાર્જિસ માટે પોતાના બોર્ડ દ્વારા માન્ય નીતિઓ બનાવવી પડશે અને તેનું પાલન પણ કરવું પડશે.
જે દંડની વસૂલાત કરવામાં આવે તે દંડ વ્યાજબી ધોરણના અને લોન ખાતાના અનુપાલન સાથે અનુરૂપ હોવા જોઈએ. બેંકો કોઈ ચોક્કસ લોન કે ઉત્પાદન શ્રેણી સાથે ભેદભાવ કરી શકશે નહીં. રિઝર્વ બેંકએ એવું પણકહ્યું છે કે, બિન વ્યક્તિગત ઉધાર લેનારાઓ પર જેટલો દંડ રાખવામાં આવ્યો હોય તેનાથી વધારે દંડ વ્યક્તિગત ધિરાણ લેનારાઓ પર હોવો જોઈએ નહીં. બેંક દ્વારા પેનલ્ટી ચાર્જની માત્રા, તેને વસૂલવાનું કારણ પોતાના ગ્રાહક સાથેના કરારમાં સ્પષ્ટ રીતે જણાવવું પડશે અને તે સિવાય વ્યાજ દર સહિતની વિગતો પોતાની વેબસાઈટ પર પણ રજૂ કરવાની રહેશે.
ગ્રાહકોને જે રિમાન્ડર મોકલવામાં આવે તેમાં દંડનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવાનો રહેશે. રિઝર્વ બેંકના આ નિયમો જોકે, ક્રેડિટ કાર્ડ, એક્સટર્નલ કોમર્શિયલ લોન, ટ્રેડ ક્રેડિટ્સ જેવી લોન અને જવાબદારીઓને લાગુ પડશે નહીં. રિઝર્વ બેંકએ જે નિયમો બનાવ્યા તે ખરેખર તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવાના હતા. જેથી લોન લેનાર બેંકનો ગ્રાહક લૂંટાતો બચી શકે. રિઝર્વ બેંક દ્વારા માત્ર લોન સંદર્ભમાં આ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી પરંતુ રિઝર્વ બેંકએ બેંકોના અન્ય પણ અનેક નિયમો બદલવાની જરૂરીયાત છે કે જેનાથી ગ્રાહક હાલમાં લૂંટાઈ રહ્યો છે.
સ્ટેટમેન્ટના નામે કે પછી એટીએમ ચાર્જના નામે બેંક દ્વારા નોંધપાત્ર રકમ ખાતામાંથી કાપી લેવામાં આવે છે. લોન લેતી વખતે પણ બેંકો દ્વારા પ્રોસેસિંગથી માંડીને મોર્ગેજ સુધીના અનેક ચાર્જ વસૂલવામાં આવે છે. જેને કારણે લોન લેનાર ગ્રાહક પર બોજ વધતો જ જાય છે. મોટાભાગે ગ્રાહકો દ્વારા મજબૂરીમાં લોન લેવામાં આવતી હોય છે તેવા સંજોગોમાં આ રીતે લેવા ચાર્જિસ ગ્રાહકોને વધુ લાચાર બનાવી રહ્યા છે. રિઝર્વ બેંક દ્વારા આ મામલે જો ધ્યાન આપવામાં આવે તો નાગરિકોની વધુ સેવા થશે તે ચોક્કસ છે.