National

ટોયલેટ ક્રાંતિના પિતા અને સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન

નવી દિલ્હી: ટોયલેટ ક્રાંતિના (Toilet revolution) પિતા અને સુલભ ઈન્ટરનેશનલના (Sulabh International) સ્થાપક સામાજિક કાર્યકર બિંદેશ્વર પાઠકનું (Bindeshwar Pathak) મંગળવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. ઘણા લોકો પાઠકને ‘સ્વચ્છતા સાન્તાક્લોઝ’ના નામથી બોલાવતા હતા અને કેટલાક ભારતના ટોયલેટ મેન તરીકે બોલાવતા હતા. પાઠકે સ્વતંત્રતા દિવસની સવારે સુલભ ઈન્ટરનેશનલ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને તરત જ ઢળી પડ્યા હતાં. તેઓને તાત્કાલિક એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ પાઠકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ કહ્યું કે, ડૉ. બિંદેશ્વર પાઠક જીનું નિધન આપણા દેશ માટે ઊંડી ખોટ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે સામાજિક પ્રગતિ અને વંચિતોના સશક્તિકરણ માટે વ્યાપકપણે કામ કર્યું હતું. મોદીએ કહ્યું, બિંદેશ્વરજીએ સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનું પોતાનું મિશન બનાવ્યું. તેમણે સ્વચ્છ ભારત મિશનને જબરદસ્ત સમર્થન આપ્યું હતું. અમારી વિવિધ વાતચીત દરમિયાન સ્વચ્છતા પ્રત્યેનો તેમનો જુસ્સો હંમેશા દેખાતો હતો.

બિંદેશ્વર પાઠકના પાર્થિવ દેહને બુધવારે સવારે 7 વાગ્યે સુલભ ગામ, મહાવીર એન્કલેવ, દિલ્હી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં જ તેઓનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ડો. પાઠકને 2003માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી
બિંદેશ્વર પાઠક 1968માં કોલેજ પૂર્ણ કર્યા પછી બિહાર ગાંધી શતાબ્દી ઉજવણી સમિતિના સફાઈ કામદારોની મુક્તિનાં કામમાં જોડાયા હતા. અહીં તેમણે ભારતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ સમુદાયની દુર્દશાનો પર્દાફાશ કર્યો હતો. આ સમુદાયની સ્થિતિ સુધારવા માટે તેમણે 1970માં સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી અને નાગરિકોને સ્વચ્છ શૌચાલયની સુવિધા આપવા માટે સૌ પ્રથમ પહેલ કરી હતી. પાઠકની સુલભ ઈન્ટરનેશનલ સંસ્થા માનવ અધિકારો, પર્યાવરણીય સ્વચ્છતા, ઊર્જાના બિન-પરંપરાગત સ્ત્રોતો, કચરો વ્યવસ્થાપન અને સામાજિક સુધારાઓને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે.

1968માં નિકાલ ખાતર શૌચાલયની શોધ કરી
ભારતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા સામે ઝુંબેશ ચલાવનાર બિંદેશ્વર પાઠકે દેશમાં સ્વચ્છતા અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે દેશમાં શૌચાલય નિર્માણના વિષય પર ઘણું સંશોધન કર્યું. ડો. પાઠકે સૌપ્રથમ 1968માં ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયની શોધ કરી હતી, જે ઘરની આસપાસ મળતી સામગ્રીમાંથી ઓછા ખર્ચે બનાવી શકાય છે.

તે વધુ શ્રેષ્ઠ વૈશ્વિક તકનીકોમાંની એક તરીકે ઓળખવામાં આવી હતી. તેમની સુલભ ઈન્ટરનેશનલની મદદથી દેશભરમાં સુલભ શૌચાલયની સાંકળ સ્થાપિત કરી.

Most Popular

To Top