Dakshin Gujarat

સોનગઢના કાંટીમાં બાળકીને ઘરના ઓટલા પર ધાવણ કરાવતી મહિલાને ઝેરી સાપ કરડી જતાં મોત

વ્યારા: (Vyara) સોનગઢના કાંટીમાં બાળકીને (Baby) ઘરના ઓટલા પર ધાવણ કરાવતી મહિલાને ઝેરી સાપ (Snake) કરડી જતાં મોત નિપજ્યું હતું. સોનગઢના કાંટી ગામના કાલધર ફળિયાની વિધવા બહેન લગનીબેન ગામીતની દીકરી હિનાબેનનાં લગ્ન બે વર્ષ પહેલાં રતિલાલ ગામીત સાથે થયાં હતાં. હિનાબેન રતીલાલભાઈ ગામીત (ઉં.વ.૨૨) ગત તા.૧૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરે આશરે ૧૨:૧૫ વાગ્યાના અરસામાં પોતાની ૧૦ માસની દીકરીને ઘરના ઓટલા પર ખાટલામાં ઊંઘી દૂધ પીવડાવતી હતી. એ સમયે ત્યાં ઝેરી સાપે આવીને હિનાબેનને ડંખ મારતાં હૃદય દ્રવી ઊઠે તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

  • સોનગઢના કાંટીમાં બાળકને ધાવણ કરાવતી ૨૨ વર્ષીય માતાનું ઝેરી સાપ કરડતાં મોત
  • ૧૦૮ની સેવા મામલે સુબીર અને સોનગઢના નામે ખો અપાઈ, પણ એકેય એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહીં
  • સુવિધાના અભાવે યોગ્ય સમયે સારવાર ન મળતાં મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો

આ દુઃખદ ઘટના સમયે ઘરના કે પાડોશીઓ પોતાના ઘરે પણ હાજર ન હતા. પોતાની મામીને બૂમ પાડી બોલાવી ઘટનાની જાણ કરી હતી. ૧૦૮નો સંપર્ક કરતાં ડાંગ જિલ્લામાં સંપર્ક થયો હતો. સુબિર તાલુકાથી ૧૦૮ આવે છે એવું જણાવવામાં આવ્યું હતું. ફરી ફોન આવતા એવું જણાવ્યું કે, સોનગઢથી આવે છે. એટલે સગાસંબંધીઓએ નક્કી કર્યુ કે, ૧૦૮ને આવતા વધુ સમય થશે એવું લાગતાં ખાનગી ગાડીમાં હિંદલા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ હાલત નાજૂક હોવાથી સોનગઢ રેફરલ હોસ્પિટલ રિફર કરવામાં આવી અને સોનગઢ પહોંચતાં જ હિનાબેનનું મોત નીપજ્યું હતું.

હિંદલા રેફરલ હોસ્પિટલમાં અનુભવી ડોક્ટર અને નર્સની સખત જરૂર છે. અહીંના સ્ટાફને પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી એની પણ ખબર પડતી નથી. ઈમરજન્સી સારવાર અર્થે કોઈ દર્દી જાય છે તો એમને શું સારવાર કરવી એ બીજા ડોક્ટરને ફોન કરીને પૂછે છે. ત્યારબાદ સારવાર આપવામાં આવે છે.

હિંદલા રેફરલ હોસ્પિટલ શરૂ થયાનાં બે વર્ષ થવા આવ્યા છતાં આજદિન સુધી ૧૦૮ની સુવિધા ઉપલબ્ધ નથી. પૂરતા સ્ટાફની સુવિધા પણ નથી. જેથી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. સ્થાનિક યુવા આગેવાન નૈતિક ગામીતે જણાવ્યું હતું કે, હિંદલા રેફરલ હોસ્પિટલમાં ૧૦૮ની સુવિધા અને પૂરતા સ્ટાફ, અનુભવી ડોક્ટરની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં નહીં આવે તો હિંદલા રેફરલ હોસ્પિટલની તાળાબંધી કરવામાં આવી હતી.

Most Popular

To Top