છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધી ગયું છે. લગભગ બે દાયકા પહેલા એવી સ્થિતિ હતી કે કોઇના હાથમાં સાદો મોબાઇલ ફોન પણ જોવામાં આવે તો લોકો અહોભાવથી તેને જોઇ રહેતા હતા. ત્યારે ઘણુ બધુ કાર્ય કરી શકતા અને કંઇક અંશે હરતા ફરતા કોમ્પ્યુટર જેવા બની ગયેલા સ્માર્ટફોનની કદાચ કોઇને કલ્પના પણ ન હતી. ધીમે ધીમે સાદા ફીચર્સ ફોનનું ચલણ વધતું ગયું અને સામાન્ય લોકોના હાથમાં પણ મોબાઇલ ફોન દેખાવા માંડ્યા. ત્યારે આવા ફોન મહદઅંશે વાતચીત કરવા કે એસએમએસ કહેવાતા ટૂંકા સંદેશાઓની આપ-લે કરવા માટે જ વપરાતા હતા.
મોબાઇલ ફોનનું ચલણ વધી રહ્યું હતું ત્યારે બીજી બાજુ સંશોધકો તેમાં જાત જાતના ફીચર્સ ઉમેરીને વધુને વધુ ઉપયોગી બનાવવા પ્રયાસો કરી રહ્યા હતા. ધીમે ધીમે મોબાઇલ ઇન્ટરનેટ આવ્યું, મોબાઇલ ફોનમાં કેમેરા સહિતના અનેક ફંકશનો ઉમેરાયા અને સ્માર્ટ ફોન કહેવાતા અનેક કાર્યો કરી શકતા મોબાઇલ ફોન અસ્તિત્વમાં આવ્યા. ધીમે ધીમે આ સ્માર્ટફોનનું ચલણ પણ વધતું ગયું. આ સ્માર્ટફોન અનેક કાર્યો કરી શકે છે. તેના વડે વાતચીત અને સંદેશાઓની આપ-લે તો થઇ જ શકે છે, કેલ્કયૂલેટર અને એલાર્મ કે ટોર્ચ જેવી સવલતો તો સાદા ફીચર ફોનમાં પણ ઉમેરાઇ હતી, જે સવલતો સ્માર્ટફોનમાં તો ઉમેરાઇ જ પણ તેમાં કેમેરા, વીડિયો અને ઓડિયો પ્લેયર, વોઇસ રેકર્ડર જેવી અનેક સવલતો ઉમેરાઇ.
મોબાઇલ ઇન્ટરનેટનો વ્યાપ વધતા અને જાત જાતની મોબાઇલ એપ્લિકેશનો ઉમેરાતા સ્માર્ટફોન્સની ઉપયોગિતા પણ વધતી ગઇ. વૉટ્સએપ જેવા મેસેજીંગ એપ્સ અસ્તિત્વમાં આવ્યા બાદ એસએમએસનું ચલણ ખૂબ ઓછું થઇ ગયું. ઓનલાઇન બેન્કિંગ, ઓનલાઇન પેમેન્ટ અને પછી તો ઓનલાઇન મીટિંગો પણ શક્ય બની. જો કે સાથે જ ખાસ કરીને સોશ્યલ મીડિયાના વધેલા વ્યાપ સાથે લોકોનું સ્માર્ટફોનનું વળગણ પણ વધતું ગયું. લોકો કલાકો સુધી ફોન પર ચોંટેલા રહે તે એક ચિંતાજનક બાબત બનવા માંડી. અને સ્થિતિ વધુ ભયંકર તો ત્યારે બનવા માંડી જ્યારે બાળકોમાં સ્માર્ટ ફોનનું વળગણ વધવા માંડયું. કોરોનાકાળમાં ઓનલાઇન અભ્યાસના નામે બાળકોના હાથમાં સ્માર્ટફોન વધુ પડતા પ્રમાણમાં આવી ગયા તે પણ એક કારણ બાળકોમાં સ્માર્ટફોનના વધેલા વપરાશનું છે. આજે તો આઘાત જનક રીતે ત્રણ-ચાર વર્ષના બાળકો પણ ફોન પર ગેમ રમતા કે વીડિયો જોતા જોવા મળે છે.
બાળકો જો આવા ફોનનો વધુ પડતો વપરાશ કરે તો તે તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે અને આ બાબતે દુનિયાભરના દેશોના વિચારકો અને સરકારો ચીંતિત છે ત્યારે કદાચ ચીનની સરકારે બાળકોમાં સ્માર્ટ ફોનનો વપરાશ નિયંત્રિત કરવા માટે નિયંત્રણ લાવવાની વિશ્વભરમાં સૌપ્રથમ પહેલ કરી છે. બાળકો, કિશોરો અને તરૂણ વયના લોકોમાં સ્માર્ટફોનના વધારે પડતા વપરાશને કારણે ઉભી થતી આરોગ્યલક્ષી અને માનસિક સમસ્યાઓની ફરિયાદો વચ્ચે ચીનની સરકાર હવે બાળકો અને ટીનેજર્સ માટે દિવસના વધુમાં વધુ બે કલાક માટે જ સ્માર્ટફોનનો વપરાશ કરવાની મર્યાદા લાદવાની તૈયારી કરી રહી છે. ચીનના સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇના(સીએસી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે સ્માર્ટ ડિવાઇસીસ માટે માઇનો મોડ પ્રોગ્રામ્સ અમલમાં મૂકવા માગે છે જે ૧૮ વર્ષથી નીચેની વયના લોકોમાં ઇન્ટરનેટના વપરાશ પર નિયંત્રણ મૂકશે.
ચીનની વાત ચીન જાણે પરંતુ આપણા દેશમાં પણ બાળકોમાં સ્માર્ટ ફોનનો વપરાશ ઘટાડવા નિયમો લાવવાની જરૂર છે જ. આપણે અગાઉ જોયું તેમ બાળકો વધુ સમય સુધી મોબાઇલ ગેમ રમવામાં કે પછી વીડિયો વગેરે જોવામાં ખૂંપેલા રહે તો તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર પડી શકે છે. વધારે પડતા સમય સુધી સ્ક્રીન પર નજર ખોડી રાખવાથી બાળકોની આંખોને નુકસાન થઇ શકે છે અને થઇ જ રહ્યું છે.
આજે સાવ નાની વયના બાળકોમાં ચશ્મા આવી જવાનું પ્રમાણ વધી રહ્યું છે. શારીરિક પ્રવૃતિઓ અને મેદાની રમતોના અભાવે બાળકો શારીરિક રીતે નબળા પડી રહ્યા છે. અને જો વાલીઓની દેખરેખ વિના બાળકો સ્માર્ટફોન પર ન જોવાનું પણ જોઇ શકે છે જે તેમના માનસિક આરોગ્યને પણ ગંભીર અસર કરી શકે છે. આમ પણ ફોનમાં વધુ પડતા ખૂંપેલા રહેતા બાળકો ચીડિયા, એકલસૂરા તો બની જ રહ્યા છે ત્યારે ભારત સરકારે પણ બાળકોમાં સ્માર્ટફોનનો વપરાશ નિયંત્રિત કરવા નિયમો ઘડવાની જરૂર છે.