Columns

સૌથી મોટો દુશ્મન

એક રાજા જીવનમાં બહુ લડાઈઓ લડી લડીને થાક્યો અને ધીરે ધીરે તે બધું છોડીને વનમાં જઈને સાધુ જીવન જીવવા લાગ્યો અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ પર ધ્યાન આપવા વ્રત તપ કરવા લાગ્યો.  બીજો રાજા ચક્રવર્તી બનવા આજુબાજુના બધા રાજાઓની સાથે યુધ્ધ લડવા નીકળ્યો અને પોતાની સેના સાથે બધાને હરાવીને તે આગળ વધતો જતો હતો.રાજા વનમાંથી પસાર થયો ત્યારે તેને જાણવા મળ્યું કે આ વનમાં એક રાજા સાધુ જીવન ગાળે છે તેને થયું લાવ આ રાજાને હરાવીને તેનું રાજ પણ જીતી લઉં. રાજા પોતાની સેના લઈને વનમાં સાધુ ધ્યાનમાં બેઠા હતા ત્યાં પહોંચી ગયો.તેને સાધુને યુધ્ધ માટે લલકાર્યા પણ સાધુ ધ્યાનમાં જ બેસી રહ્યા.રાજાએ થોડી વાર રાહ જોઈ અને છતાં સાધુએ આંખો ન ખોલી એટલે ગુસ્સે થઈને રાજાએ સાધુને ધક્કો માર્યો અને સાધુને કહ્યું, ‘યુધ્ધ કરવા તૈયાર થઇ જાવ …મારી સાથે લડો..’

સાધુ શાંતિથી બોલ્યા, ‘યુદ્ધ શું કામ કરું ?? મારે હવે કોઈ યુધ્ધ લડવા નથી…હું મારા સૌથી મોટા શત્રુથી ડરીને ,મારું રાજ ,મારું નગર છોડીને અહીં બેઠો છું.હું મારા દુશ્મનથી એટલો ડરું છું કે તેનું નામ પડતાં અને લડાઈની વાત સાંભળતાં જ ધ્રૂજી ઊઠું છું.’ રાજાએ ગુસ્સાથી કહ્યું, ‘હું તારી સામે શત્રુ બનીને ઊભો છું અને તું તારા બીજા શત્રુની વાત કરે છે. શું તે દુશ્મન મારા કરતાં પણ બળવાન છે?’ સાધુએ કહ્યું, ‘હા, તે દુશ્મનના વિચારથી જ મારો આત્મા કંપી ઊઠે છે. આ દુશ્મનથી બચવા હું બધું છોડીને અહીં આવી ગયો છું.’

રાજા બોલ્યો, ‘મને તે દુશ્મનનું નામ કહે, હું તારી સાથે લડવા પહેલાં હવે તેને હરાવીશ.’ સાધુએ કહ્યું, ‘તમને એ દુશ્મનનું નામ કહેવાનો કોઈ ફાયદો નથી.તમે તેને કોઈ દિવસ નહિ જીતી શકો.’ રાજાએ કહ્યું, ‘હવે તો તમે મને તમારા દુશ્મનનું નામ જણાવો અને જો હું તેને નહિ જીતી શકું તો મારી જાતને નિષ્ફળ ગણીશ અને આજ પછી કોઈ સાથે યુદ્ધ નહિ કરું.’ સાધુએ કહ્યું, ‘રાજા, હું જે સૌથી મોટા દુશ્મનની વાત કરું છું તે છે તમારું મન અને મગજ..’ રાજાએ તે દિવસથી પોતાના મન અને મગજને કાબૂમાં લઇ જીતવાના પ્રયત્નો શરૂ કર્યા અને વર્ષો વીત્યાં પણ તે તેને જીતી શક્યો નહિ.તેણે સાધુ પાસે જઈને પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો. મન આપણો એવો દુશ્મન છે જે આપણા કાબૂમાં રહેતું નથી.આપણને જે માર્ગે આગળ વધવું હોય છે તે માર્ગે આગળ વધતાં તે આપણને રોકે છે. કોઈ ને કોઈ વિક્ષેપ નાખે છે.મનને જીતવા માટે વર્ષોની મહેનત બાદ પણ બધાને સફળતા મળતી નથી.આ દુશ્મનથી ચેતતા રહેજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top