સજીવ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું રહે એ માટે પોષણકડીની વ્યવસ્થા કુદરતી રીતે ગોઠવાયેલી છે. એ મુજબ તમામ સજીવ એક યા બીજી રીતે પરસ્પર સંકળાયેલાં અને આધારિત છે. આ કુદરતી વ્યવસ્થાને માનવે અસ્તવ્યસ્ત કરી દીધી છે. સજીવો જે પર્યાવરણ પર નિર્ભર છે એ પર્યાવરણના સંતુલનને પણ માનવે બગાડી નાખ્યું છે. આ અસંતુલન અટકવાને બદલે દિન બ દિન વકરતું રહ્યું છે. તેની વિપરીત અસરોની જાણકારી તો ઠીક, તેનાં પરિણામ પણ નજર સામે જોવા મળી રહ્યાં છે, છતાં તેની આ વૃત્તિ અટકવાનું નામ લેતી નથી.
આ વૃત્તિનો તાજા જ દાખલો એટલે વર્ષ ૨૦૨૨માં ભારતમાં આયાત કરાયેલા વીસ ચિત્તાઓ. સપ્ટેમ્બર, ૨૦૨૨માં નામીબીઆથી આયાત કરાયેલા આઠ ચિત્તાઓના આગમનને આવતા મહિને એક વર્ષ પૂરું થશે. એ પછી દક્ષિણ આફ્રિકાથી બીજા બાર ચિત્તાઓને આયાત કરાયા હતા. આ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવ્યા છે. પુનર્વસન કરાયેલા પૈકીના છ ચિત્તા તેમજ ભારતમાં જન્મેલાં ચારમાંના ત્રણ બચ્ચાંનું થોડા સમયના અંતરાલે મૃત્યુ થયું છે. તેને કારણે આ પ્રકલ્પ ફરી એક વાર સમાચારોમાં ચમક્યો છે.
આ પ્રકલ્પનો હેતુ શો છે? હાલના સંજોગોમાં આ ચિત્તાઓને સિંહ, દીપડા વગેરે જેવાં શિકારી પ્રાણીઓ તરફથી કોઈ સ્પર્ધા નથી. આ કારણે તે અનુકૂલન સાધી શકે તો ભારતમાં સફળતાપૂર્વક તે વિકસી શકે એવી ધારણા કરવામાં આવી છે. ‘પ્રોજેક્ટ ચિત્તા’ ચિત્તાઓના પુનર્વસનનો અતિશય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ છે. આગામી એકાદ દાયકામાં પ્રતિ વર્ષ પાંચથી દસ ચિત્તાને લાવવાનું આયોજન છે. આ સંખ્યા પાંત્રીસેકની થાય અને તેમની વસતિ સ્વનિર્ભર બની રહે એ મુખ્ય હેતુ છે. દક્ષિણ આફ્રિકા અને નામીબીઆમાં ચિત્તા વાડ ધરાવતા આરક્ષિત વિસ્તારમાં વસવાટ કરે છે, પણ ભારતમાં તેમને પ્રાકૃતિક, મુક્ત અને વનના પર્યાવરણમાં વિકસવા દેવાની યોજના છે. આ અનુસાર, પુનર્વસન કરાયેલા ચિત્તાઓ પૈકીના અગિયાર નૈસર્ગિક પર્યાવરણમાં છે, જ્યારે ચાર ચિત્તાને એક ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતી, વિશેષ રીતે તૈયાર કરાયેલી ‘બોમા’ તરીકે ઓળખાતી આડશમાં રખાયા છે, જેથી તેઓ ભારતીય હવામાન સાથે અનુકૂલન સાધી શકે.
આ સમગ્ર અખતરા અને પ્રકલ્પની સફળતા અંગે પહેલેથી જ શંકા સેવાઈ રહી હતી, તો અમુક નિષ્ણાતોના મતે આ પ્રકલ્પમાં કેટલીક પાયાની ત્રુટિઓ રહેલી છે. એક તો તમામ વીસ ચિત્તાઓને એક જ સ્થળે, કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવા એ મોટી ભૂલ છે, કેમ કે, તેનો વિસ્તાર પ્રમાણમાં ઓછો હોવાથી તેમને મળનારા ખોરાકનું પ્રમાણ પણ ઓછું હોવાનું. અતિશય ઝડપી ગતિએ દોડનારા આ પ્રાણીને વિચરવા માટે વિસ્તાર મોટો જાઈએ. વધુમાં, આટલી ઓછી જગ્યામાં ચિત્તા રહે તો તેમની અનુકૂલન સાધવાની ક્ષમતા પર વિપરીત અસર થાય છે, કેમ કે, વાઘ અને દીપડાની સરખામણીએ ચિત્તા નાજુક પ્રાણી ગણાય છે અને વનમાં તેને મરણતોલ ઈજા થવાની સંભાવના વધુ રહે છે.
અલબત્ત, સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર કૂનો આરક્ષિત વિસ્તારમાં પૂરતી મોકળાશ અને ખોરાક સુલભ છે. સાથેસાથે મધ્ય પ્રદેશના ગાંધીસાગરમાં બીજું અભયારણ્ય વિકસાવવાનું તેમજ ચિત્તા પુનર્વસન કેન્દ્ર ઊભું કરવાનું આયોજન છે. સૂર્યા નામનો એક ચિત્તો મૃત અવસ્થામાં મળી આવ્યો ત્યારે તેના ગળાની આસપાસ એક જખમ જોવા મળ્યો. જખમમાં જીવાતો પડેલી હતી. ચિત્તાના ગળાની આસપાસ લગાડેલા કોલરમાં પણ જીવાત જણાઈ. કોલર ચડાવવાથી ચિત્તાને અગવડ જણાઈ હોય અને એથી તે બિમાર પડ્યો હોય એવી એક શક્યતા છે.
પોલિસ્ટાયરીનના બનેલા આ કોલરમાં ચિત્તાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક ચીપ બેસાડવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના ચિત્તા ભારતીય ચોમાસાની મોસમના ભેજથી ટેવાયેલા નથી. કોલરને કારણે કદાચ તે ઘાનો ભાગ પોતાની જીભ વડે ચાટીને સાફ ન કરી શક્યો હોય અને બિમારી વકરવાથી મૃત્યુ પામ્યો હોય એવી પણ સંભાવના છે. સામાન્ય સંજોગોમાં ભારતીય વન્ય પશુઓને જે જીવાત નડતી નથી, તેનો સામનો આ આફ્રિકન પ્રાણી ન કરી શક્યું હોય એમ પણ માનવામાં આવે છે. આવી અનેક શક્યતાઓ પૈકી હકીકત શી છે એનો ખ્યાલ આવે એટલા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે.
સમિતિએ તમામ જીવિત ચિત્તાઓની તબીબી તપાસની ભલામણ કરી છે, જેમાં તેમના ગળા ફરતેના કોલરને કાઢીને માંસપેશીનો નમૂનો લેવામાં આવશે અને જીવાતોની પણ ચકાસણી કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચિત્તાઓમાં બાળમરણનો દર અન્ય જંગલી પશુઓની સરખામણીએ ઊંચો હોય છે. એ બાબત પણ નોંધનીય છે કે સૂર્યા સિવાયના મૃત્યુ પામેલા તમામ ચિત્તાઓ બોમામાં રાખવામાં આવ્યા હતા. ચિત્તાના પુનઃસ્થાપનનો આ પ્રકલ્પ આરંભથી જ વિવાદગ્રસ્ત બની રહ્યો હતો. અનેક નિષ્ણાતોનું માનવું હતું કે મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા માટે પૂરતી જગ્યા નથી, કેમ કે, ચિત્તા બહુ વિશાળ વિસ્તારમાં હરેફરે છે. આ નિષ્ણાતોએ માનવ-પશુના ટકરાવમાં વધારો થવાની સંભાવના અંગે પણ ચેતવણી આપી હતી, કેમ કે, વિસ્તાર નાનો હોવાથી ચિત્તો પોતાના ખોરાક માટે ગામમાં પ્રવેશે એ શક્યતા પૂરેપૂરી હતી.
આ પ્રકલ્પને આરંભથી જ પર્યાવરણવિદો અને નિષ્ણાતો ‘વેનિટી પ્રોજેક્ટ’ ગણાવતા હતા. ‘વેનિટી પ્રોજેક્ટ’ એટલે કોઈ ગંભીર કારણ કે પરિબળને લક્ષમાં રાખીને નહીં, કેવળ પ્રશંસા અને વાહવાહી ઉઘરાવવા માટે હાથ ધરાયેલો પ્રોજેક્ટ. વાસ્તવમાં વન્ય પશુઓ સંકળાયેલાં હોય એવા કોઈ પણ પ્રકલ્પમાં ગૌરવ કે ગર્વ, વાહવાહી, રાષ્ટ્રપ્રેમ, રાજકીય મુદ્દો કે અન્ય કશી લાગણીને બદલે માત્ર ને માત્ર જે તે પ્રાણીની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખવી જોઈએ. છતાં આવું ભાગ્યે જ થાય છે. દેશનાં નાગરિકોનો મોટો વર્ગ ઠાલા ગૌરવ અને મિથ્યાભિમાનમાં રાચી રહ્યો હોય ત્યારે તેમના દ્વારા ચૂંટાયેલી સરકાર એમાંથી શી રીતે બાકાત રહી શકે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.