સુરત: સુરત ONGC બ્રિજના પિલર સાથે ફરી એક વખત કોલસા (Coal) ભરેલ જહાજ ટકરાયું હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે તણાઈ આવેલું જહાજ બ્રિજનાં (Bridge) પિલર સાથે ટકરાયા બાદ ફસાઈ જતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જોકે બ્રિજના સ્પાનમાં કોઈ નુકશાન થયું છે કે નહીં એ તપાસનો વિષય બન્યો છે. આ ચોથી વખત બ્રિજ સાથે જહાજ ટકરાયુ હોવાની ઘટના સામે આવી છે.
કાંઠા વિસ્તારના લોકોએ કહ્યું હતું કે, ભારે પવનને કારણે દરિયામાં કરંટ મળી રહ્યો છે મોજા ઉછળી રહ્યા છે. બીજી તરફ દરિયામાં ભરતી હોવાથી પવન અને પાણીના વેગના કારણે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય 4 બાર્જની દોરીઓ તૂટી જતાં તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી ગઇ હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે. જેથી લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. બીજી તરફ બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. પરંતુ ઘણી વખત વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના બાર્જ-શીપ (જહાજ) તણાઈ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પીલર સાથે અથડાય ને ફસાઈ જતા હોય છે. કોલસા ભરેલા ચાર જેટલા બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હોવાનું લોકો કહી રહ્યા છે.
દેશ વિદેશ માંથી સુરતમાં મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે. આજે ઈન્ડોનેશિયાથી મગદલ્લા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો. જેમાં એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા. કોલસા ભરેલા બાર્જ એક સાથે તણાઈને આવતા ઓએનજીસી બ્રિજની નીચે એકત્રિત થઈ ગયા હતા. જોકે આ બાર્જ પીલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય અને તેના કારણે બ્રિજને નુકસાન થયું હોય.