Madhya Gujarat

મહીસાગરમાં 304 આંગણવાડી જર્જરિત

લુણાવાડા : મહીસાગર જિલ્લામા આંગણવાડી મામલે વિકાસના કાર્યો પર સવાલો ઊભા થયા છે જિલ્લામાં ચાલતી 1316 આંગણવાડી પૈકી 304 જર્જરિત આંગણવાડીઓ ચાલી રહી છે. તો 102 ભાડાના મકાનમાં ચાલી રહી છે તથા 293 અન્ય સ્થળો પર ચાલી રહી છે. તો જર્જરિત મકાનોમા જીવના જોખમે ભૂલકાઓ ભણતર મેળવી રહ્યા છે. શિક્ષણમંત્રીના જિલ્લામાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે.

સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ તેની વરવી વાસ્તવિકતા મહીસાગર જિલ્લામાં જોવા મળી રહી છે, કરોડના ખર્ચે સરકારી કાર્યક્રમો થાય છે, તો સરકારી બાબુઓ એસી વાળી ઓફિસોમાં બેસી આળસ દાખવી રહ્યા છે. તો બીજી તરફ મહીસાગર જિલ્લામાં આવેલી 1316 આંગણવાડીઓ પૈકી 304 જર્જરિત હાલતમાં છે. શાળાના શિક્ષણ પહેલા આંગણવાડીનું શિક્ષણ ખૂબ જ મહત્વનું ગણાય છે, પાયાનું શિક્ષણ મેળવતા નાના ભૂલકાઓ જર્જરિત આંગણવાડી કેન્દ્રોમાં જીવન જોખમે બેસી અભ્યાસ મેળવી રહ્યા છે. 87 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાનું મકાન જ નથી, તો 293 જેટલી આંગણવાડીઓ અન્ય જગ્યાએ કામચલાવ રીતે ચાલી રહી છે.

ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલતા આંગણવાડી કેન્દ્રો પૈકી જમીનના પ્રશ્ન ધરાવતા 44 કેન્દ્રો છે. 304 જર્જરીત આંગણવાડી કેન્દ્રની પરિસ્થિતિ એવી છે કે કેટલીક આંગણવાડીઓની દીવાલોના પોપડા વખોટી ગયા છે. તો કેટલીક આંગણવાડીઓ દિવાલો ૫૨ મસમોટી તિરાડો પણ પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં બાળકો જીવના જોખમે પોતાનું ઘડતર કરી રહ્યા છે. પરંતુ આ બધું તંત્રની નજર સમક્ષ ચાલી રહ્યું હોવા છતાં બાળકની કોઈ તસ્તી જ નથી. 102 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે જેનું – વાર્ષિક ભાડું સરકાર લાખો રૂપિયા ચૂકવી રહી છે જો લાખો રૂપિયાના ભાડા ચૂકવવાને બદલે સરકાર આંગણવાડીઓની મંજૂરી આપી નવીન મકાન ઊભું કરે તો ભાડા પેટે જતી રકમ પણ બચે અને કાયમી ધોરણે આંગણવાડીની સુવિધા પણ મળી રહે.

Most Popular

To Top