ખંભાત : ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રાજ કોમ્પ્લેક્ષની દુકાનોની સારી ગુણવત્તાવાળી બ્લોકની ફૂટપાથ નગરપાલિકા દ્વારા દૂર કરી તેની જગ્યાએ લાખોના ખર્ચે આરસીસી ફૂટપાથ બનાવવામાં આવી રહી છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા ગોકળગતિએ કામ કરાતા દુકાનદારો હેરાનપરેશાન થઈ ગયા છે. નગરપાલિકા દ્વારા તોડેલા કાટમાળ ટ્રાફિકથી ધમધમતા રોડ પાસે ઢગલો કરી દેવાયો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેને કારણે દુકાનોમાં ખરીદી કરવા આવતા જતા, આ માર્ગ પરથી શાળા જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ખંભાત નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાના નામે નગરપાલિકા દ્વારા જ બનાવેલી બ્લોકથી બનાવેલ સારી ફૂટપાથ જેસીબી દ્વારા આડેધડ દૂર કરી હતી.જે બાદ તેની જગ્યાએ આરસીસી ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ છેલ્લા 15 દિવસથી સદર કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેથી રાજ કોમ્પલેક્ષના દુકાનદારોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. હાલ દુકાનદારો તેમજ શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ, મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યા છે. રોડ વચ્ચે પથ્થરોનો ઢગલો છોડી દઈ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો છુમંતર થઈ ગયા છે.વારંવાર રજૂઆત કરવા છતાં કાઉન્સિલર, કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના પેટનું પાણી હાલતું નથી. અધૂરી કામગીરીને કારણે અકસ્માત સર્જાશે તેવી દહેશત દુકાનદારો અને શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.
ખંભાતના જાગૃત શહેરીજન પ્રકાશભાઈ ત્રિવેદીએ ધીમી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી નગરપાલિકા સારી ફૂટપાથ ને તોડીને તેની જગ્યાએ આરસીસી ફૂટપાથ બનાવવાની કામગીરીમાં ઠાગાઠૈયા કરી રહી છે.જ્યાં જરૂર નથી ત્યાં ફૂટપાથ બનાવવાની કામગીરી ઝડપી પૂર્ણ કરી દેવાઈ છે. અને જ્યાં ટ્રાફિકથી ધમધમતા તાતી જરૂરિયાતવાળા માર્ગ ઉપર ફૂટપાથની કામગીરી ગોકળગતિએ ચાલી રહ્યું છે. સદર વિસ્તારના કાઉન્સિલર મનીષ ઉપાધ્યાય અને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી હતી. પરંતુ પરિસ્થિતિ યથાવત છે.