અંકલેશ્વર- અંકલેશ્વર (Ankleshwar) તાલુકાનું નાંગલ ગામ (Nangal Village) આઝાદીની ચળવળનું મહત્વનું પાસું અને દાંડી યાત્રાનું (Dandi Yatra) આશ્રય સ્થાન બન્યું હતું. આ ગામમાં પ્રાથમિક શાળાની (Primary School) સ્થાપના અંગ્રેજ સમયમાં સને 21-05-1906માં કરવામાં આવી હતી. જે દાંડી યાત્રા અને આઝાદીના સંઘર્ષની સાક્ષી બની હતી. હાલમાં અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામની પ્રાથમિક શાળા અત્યંત બિસ્માર હાલતમાં છે. જેના કારણે શાળાના 95 વિદ્યાર્થીઓની સલામતી માટે પંચાયતઘરના મકાનમાં શાળા ખસેડવામાં આવી છે.
શાળાનાં આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેક લેખિત અરજીઓ આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાનાં જર્જરિત ઓરડા તોડી નવા ઓરડાઓ બનાવવાની કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. શાળામાં કુલ 95 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
- 95 વિદ્યાર્થીઓની તથા શિક્ષકોની સલામતી માટે પંચાયત ઘરમાં શાળા ચાલી રહી છે
- શાળા જલદી શરૂ થાય તેવી માંગ કરેલી વહીવટી તંત્રને લેખિત અરજીઓનું પરિણામ શુન્ય
શાળા જર્જરિત હોવાના કારણે સરકારના આદેશ અનુસાર વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના કમ્યુનિટી હોલ કમ્પાઉન્ડમાં લાઇબ્રેરી રૂમમાં ધોરણ 1, 2 અને 3 ના બાળકો બેસે છે. ઇ-ગવર્નર્સ કમ્પ્યુટર રૂમમાં ધોરણ 8ના બાળકો, કમ્યુનિટી હોલમાં ધોરણ 6 અને 7ના બાળકો અભ્યાસ કરે છે. ગામમાં અન્ય જગ્યાએ મંડળીના હોલમાં ધોરણ 4 અને 5ના બાળકો અભ્યાસ કરે છે. હાલ શાળામાં કુલ 95 બાળકો અને 4 શિક્ષકો છે. અન્ય એક શિક્ષકનું મહેકમ છે.
અત્રેની શાળા વર્ષો જુની હોવાથી શાળાનાં બે ઓરડાના આગળનાં ભાગનું લાકડું બે વર્ષથી ભાંગી ગયું છે. શાળાનાં અન્ય ઓરડાનાં લાકડા તેની જગ્યાએથી ખસી ગયા છે. સપોર્ટ કરનારા લાકડા કોહવાઈ ગયા છે, આ ઓરડાની છત ગમે ત્યારે પડી શકે એમ છે. અન્ય બે ઓરડાના પિલ્લર 80 ટકા ડેમેજ થઇ ગયા છે. આ ઓરડાની છત અને લાકડા આ ચોમાસા પહેલા ઉતારવામાં ન આવે તો વરસાદના કારણે વજન વધવાથી છત પડી શકે એમ છે.
વધુમાં જાહેર જગ્યામાં શાળા આવેલી હોવાથી શાળાને કમ્પાઉન્ડ વોલ નથી. માણસોની અવર જવર સતત ચાલુ રહે છે. કોઈપણ સમયે નળિયાનું પડવું, ઉંદર, જનાવર ભરાઈ જવા, કંઈક નવું તૂટી જવું આવી બાબતો સામાન્ય બની ગઈ છે. શાળાના ટોયલેટ બ્લોક સારી સ્થિતિમાં નથી. અહીં કોઇપણ સમયે કોઇકને નુકશાન થઇ શકે તેવી ગંભીર હાલત છે. બે વર્ષથી જે તે વિભાગને સતત જાણ કરવામાં આવી હતી.
કોઈકને નુકશાન ન થાય તે હેતુસર શાળાનાં ઓરડા ઉતારી નવા ઓરડા બને તે માટે તત્કાલ ધોરણે ખૂટતી કાર્યવાહી કરવા નમ્ર અરજ ગુજરાતી અરજીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, જિલ્લા પંચાયત, શિક્ષણ શાખા ભરૂચ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ, તાલુકા પંચાયત શિક્ષણ શાખા, અંકલેશ્વરને મોકલવામાં આવી છે અને વહેલી તકે શાળાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.