આજે ઈંગ્લીશના ક્લાસમાં ટીચરે સમવન [someone], એનીવન [anyone], એવરીવન [evreyone], નો વન [no one] શબ્દો શીખવ્યા અને તેના વાક્યમાં પ્રયોગ શીખવ્યા બાદ ટીચરે કહ્યું, ‘આ તો થઈ અંગ્રેજી શબ્દો અને તેના વાક્ય પ્રયોગની વાત. હવે હું થોડી જુદી લાઈફ લેસનની વાત કરું.’બધા ટીચરની વાત સાંભળવા આતુર થઇ ગયા.ટીચરે કહ્યું, ‘હું તમને આજે આ શબ્દો સાથે લાઈફમાં હંમેશા ખુશ રહેવા માટેનો એક હેપી લાઈફ ફોર્મ્યુલા સમજાવીશ.જીવનમાં ખુશ રહેવા માટેનો પહેલી ફોર્મ્યુલા છે…’આટલું કહીને ટીચરે બોર્ડ પર લખ્યું ‘Never try to defeat ‘anyone’just try to win everyone’
પછી આગળ બોલ્યા, ‘જીવનમાં કયારેય કોઈને હરાવીને આગળ વધવાની કોશિશ કે મથામણ ન કરો, બસ કોશિશ કરો કે તમે બધાને જીતી શકો ,બધાના દિલને જીતી શકશો તો આપોઆપ જીવનમાં આગળ વધી જશો ..બધાનો પ્રેમ મળશે અને જીવન આનંદથી ઉભરાઈ જશે.કોઈને હરાવીને તમે એક કોમ્પીટીશન જીતી શકશો પણ કોઈને હરાવ્યા વિના બધાને જીતીને તમે જીવન જીતી જશો.આ ફોર્મ્યુલા પ્રમાણે જીવનમાં બધાને તમારા વ્યવહાર ,વાણી અને વર્તનથી જીતી લો. કોઈને આપમાન કરી નીચા ન દેખાડો…લોકોના દિલને જીતો ..જીવન ખુશીઓથી આપોઆપ ભરાઈ જશે.’
બધા ટીચરની વાત સાંભળીને વિચારમાં પડ્યા કે આમ તો આ હરીફાઈના જમાનામાં બધા એકબીજાને હરાવી જીતવામાં આનંદ શોધે છે અને ટીચર કહે છે કોઈને હરાવવામાં નહિ, પણ બધાને જીતવામાં સાચો આનંદ છે. ટીચર બોલ્યા, ‘અત્યારે તમને કદાચ મારી વાત સાચી નહિ લાગે, પણ અમલમાં મૂકીને જોશો તો સમજાશે.સાથી વિદ્યાર્થી કરતાં વધારે માર્ક લાવી આગળ વધવામાં ક્ષણિક ખુશી છે, જયારે સાથે મળી એકબીજાને શીખવી આગળ વધવામાં કાયમી આનંદ છે.ચાલો હવે બીજી ફોર્મ્યુલા..’
આટલું બોલી ટીચરે બોર્ડ પર લખ્યું, ‘Don’t laugh at ‘any one’but laugh with ‘everyone’
ટીચરે આગળ કહ્યું, ‘કોઈની ઉપર કયારેય કોઇ પણ સંજોગોમાં હસો નહિ …કોઈની મજાક કરી તેને ઉતારી ન પાડો.પણ હંમેશા બધાની સાથે મળીને હસો ..આનંદ કરો અને આનંદ વહેંચો.કોઈ પડી જાય કે કોઈનો ડ્રેસ ખરાબ થાય કે ફાટી જાય તો તેની પર હસવાને બદલે મદદનો હાથ લંબાવવાથી સાચી ખુશી મળે છે.કોઈના સંજોગો જાણ્યા વિના મજાક કરવી નહિ અને હા બધાની સાથે મળી હસવું અને હસાવતાં રહેવું તો જીવન જીવવાની સાચી રીત છે.’ટીચરે હેપી લાઈફ ફોર્મ્યુલા બહુ સરસ રીતે સરળતાથી સમજાવ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.