સુરત: નવી દિલ્હી ગયેલા સુરત (Surat) હીરા બુર્સના (Diamond burs) મેનેજમેન્ટ ડેલિગેશનને વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ઉમળકાભેર આવકાર આપીને સુરત હીરા બુર્સના ઉદ્ઘાટન માટેની લીલીઝંડી આપી દીધાના સમાચારે સમગ્ર ભારતના હીરા બજારમાં હલચલ જગાવી છે. સાથે જ સુરત હીરા બુર્સમાં ઓફિસ ધરાવતા નાના મોટા હીરાના વેપારીઓએ પણ ફટાફટ ઓફિસ ફર્નિચર તેમજ ઇન્ટીરીયરના કામો હાથ પર લેવા માંડ્યા છે.
સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીના સભ્ય દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાત લઇને સુરત હીરા બુર્સનું ડેલિગેશન પરત ફર્યું છે અને હવે ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ત્યારે બે જ દિવસમાં વધુ 66 જેટલા ઓફિસ ધારકોએ પોતાની ઓફિસમાં ઇન્ટીરીયરની કામગીરી શરૂ કરાવી છે, કેટલાક આગામી સપ્તાહે કરાવવા જઇ રહ્યા છે. રોજેરોજ વધુને વધુ ઓફિસ ધારકો ઇન્કવાયરી કરી રહ્યા છે કે કેવી રીતે ઓફિસમાં ફર્નિચર કે અન્ય કામગીરી કરાવી શકાય.
તા.21મી નવેમ્બર પહેલા સુરત હીરા બુર્સમાં મહત્તમ ઓફિસોમાં ફર્નિચર કામગીરી પૂર્ણ થાય અને ગમે ત્યારે ઓફિસ શરૂ કરી શકાય એ રીતે રેડી મોડ પર લાવી દેવાશે. હાલ હીરા બુર્સની ટીમ એ દિશામાં કાર્યરત થઇ છે કે આગામી દશેરા સુધીમાં 70 ટકા ઓફિસોમાં ફર્નિચર કે ઇન્ટીરીયર ડેકોરેશનની કામગીરી શરૂ થઇ જાય.
આ કામો વિના સુરત ડાયમંડ બુર્સ સફળ થશે?
સૂત્રો કહે છે કે, બુર્સને લગતી કસ્ટમની મંજૂરીઓ મળવામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે. સુરત એરપોર્ટ પર હાઈ વેલ્યુ ગુડ્ઝ માટે ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાના ઠેકાણાં નથી. સુરતથી દુબઇ, સિંગાપોર, બેંગકોક, હોંગકોંગ, લંડન, બોટસવાના, બ્રસેલ્સ જેવા ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઈટ માટે કોઈ તૈયારી નથી. સુરત એરપોર્ટ પર વિકાસના કામો ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યાં છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવો અને બાયલેટરલ કરારમાં સુરતનો સમાવેશ કરવો જરૂરી છે.