બોરસદ : બોરસદની ઝારોલા હાઈસ્કૂલ અવનવા પ્રયોગો માટે પ્રખ્યાત છે. હાલમાં શાળા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવાનો અનોખો પ્રયોગ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ટાટની પરીક્ષા લઇ બાલમંદિરથી ધો.12 સુધી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. સરકાર ભલે શિક્ષકોની ભરતી કરે કે ના કરે, પરંતુ શિક્ષક કે આચાર્ય વિના શાળાના બાળકોનું શિક્ષણના બગડે અને તેમની કારકિર્દી ના રૂંધાય તે હેતુથી કેળવણી મંડળ ઝારોલા સંચાલિત બોરસદ તાલુકાના ઝારોલા ગામની સુર બાલવાટિકા, જે.પી.પટેલ (મુખી) વિદ્યાવિહાર તથા એચ.જે. પરીખ એન્ડ યુ.એમ એચ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 1 થી 12 ના વર્ગો માટે મોટા પાયા પર શિક્ષકોની ભરતી થનાર છે.
આ માટે બાલમંદિર માટે ટેટ 0 ,ધોરણ 1 થી 5 માટે ટેટ 1, છ થી આઠ માટે ટેટ 2, માધ્યમિક માટે ટાટ 1, ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે ટાટ ટુ અને આચાર્ય માટે એચ.મેટ ની પ્રીલીમ પરીક્ષા 7મી ઓગસ્ટના રોજ લેવાશે. આ માટે કેળવણી મંડળ ઝારોલા તરફથી 27મી જુલાઈના રોજ જાહેરનામુ બહાર પડાયું હતું. જેમને શિક્ષક બનવું હોય તેમને નક્કી કરેલા ફોર્મેટ મુજબ તારીખ 28મી જુલાઈ થી પાંચમી ઓગસ્ટ સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. 7 ઓગસ્ટે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે.
આમાં પસંદ થયેલ ઉમેદવારોની મેઈન પરીક્ષા 14 મી ઓગસ્ટના રોજ લેવામાં આવશે. સફળ થનાર ઉમેદવારોને 21 ઓગસ્ટના રોજ નિમણુક હુકમ આપવામાં આવશે. પસંદ થયેલ વિદ્યાર્થીઓએ લેસન પ્લાન તૈયાર કરીને પહેલી સપ્ટેમ્બરના રોજ શાળામાં તેમને સોંપેલ વિષયનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શ્રેષ્ઠ શિક્ષકને 5 સપ્ટેમ્બરના રોજ પારુલ યુનિવર્સિટી વાઘોડિયાના વાઇસ ચાન્સેલરના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં 39 વિદ્યાર્થીનીઓ અને 18 વિદ્યાર્થીઓએ શિક્ષક બનવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે ,જ્યારે કુલ ચાર વિદ્યાર્થીઓએ આચાર્યની એચ.મેટની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી છે. કુલ ત્રણ જગ્યાએ અરજી સ્વીકાર કેન્દ્રોની ગોઠવણી કરેલ છે.
આ સમગ્ર ભરતી પ્રક્રિયા માટે નિયામક તરીકેની ફરજ શાળાના સુપરવાઇઝર ઇન્દ્રજીતસિંહ માનસિંહ રાવલજી અન્ય શિક્ષકોના સહકારથી સંભાળશે. તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ આ પ્રકારની ભરતી પ્રક્રિયાને કારણે ખૂબ ઉત્સાહી છે.
આ અંગે શાળાના આચાર્ય નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા કરવાનું કારણ વિદ્યાર્થીને ભવિષ્યમાં શિક્ષક બનવું હોય તો તેના માટે તેને શું કરવું પડે ? તેનું પ્રેક્ટીકલી જ્ઞાન મળે, તેમ જ કયા કયા પ્રકારની પરીક્ષાઓ આપવી પડે તેનાથી તે માહિતગાર થાય. વિશેષમાં આ તમામ પ્રકારની પરીક્ષામાં જે વિષયના શિક્ષક બનવું હોય તે વિષયના 15 ગુણ, બે માર્ક ગણિતના, બે માર્ક અંગ્રેજીના, બે માર્ક ગુજરાતીના અને ચાર માર્કના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછાશે. આમ કુલ 25 માર્કનું ઓએમઆર પ્રકારનું પેપર રહેશે .જે તે વિષય માટેના પેપરમાં અગાઉથી જણાવી દીધેલ, ના ચાલેલા પ્રકરણમાંથી 15 ગુણના પ્રશ્નો પૂછાશે.આને લીધે વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારી કરી શકશે અને તેમનો આત્મવિશ્વાસ વધશે.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ તક
આચાર્ય નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ શિક્ષક કે આચાર્ય બનવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. આચાર્યની ભરતી માટે મેઇન પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેમાં પોતાના વાર્ષિક પરીક્ષાના રીઝલ્ટ, મેઈન પરીક્ષાના રીઝલ્ટ, ગત વર્ષે મેળવેલા સ્ટાર, ગત વર્ષે વિવિધ સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં લીધેલા ભાગ, સમાજ સેવા તથા અગાઉ શિક્ષકદિનના રોજ શિક્ષક તરીકે કોઈ પણ શાળામાં ફરજ બજાવેલી હોય તો તેના અનુભવ ને ધ્યાને લઈ કુલ 50 ગુણમાંથી મર્કિંગ કરવામાં આવશે.