SURAT

સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં કરશે,

સુરત: વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સના (SuratDiamondBurse) ઉદ્દઘાટનની (Innogration) આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે હવે આ બુર્સના ઉદ્દઘાટનની શુભ ઘડી નક્કી થઈ ગઈ છે. આગામી ડિસેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત પધારી ડાયમંડ બુર્સનું પોતાના હસ્તે ઉદ્દઘાટન કરશે. આ અંગેની જાહેરાત સુરત ડાયમંડ બુર્સ કમિટીના દિનેશ નાવડીયાએ વીડિયો મેસેજ મારફતે કરી છે. દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અમારી રજુઆત બાદ એવિએશન મંત્રિ સિંધિયાએ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં દુબઈ-હોંગકોંગની ફ્લાઈટ શરૂ કરીશું એવું જણાવ્યું હતું.

સુરતના ખજોદ ખાતે ડ્રીમ સિટીની જમીન પર રૂપિયા 3000 કરોડથી વધુના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ સાકાર કરાયો છે. 15 માળનું એક એવા 9 ટાવર અહીં બન્યા છે. આ આલિશાન, અદ્દભૂત સુરત ડાયમંડ બુર્સ વિશ્વના સૌથી મોટા પેન્ટાગોનથી પણ મોટું કમર્શિયલ કોમ્પલેક્સ છે.

સુરત ડાયમંડ બુર્સનું બિલ્ડિંગ એક વર્ષથી બનીને તૈયાર છે. હાલમાં બુર્સમાં આવેલી ઓફિસોમાં વેપારીઓ દ્વારા ફર્નિચરની કામગીરી કરવામાં આવી રહી છે. દિવાળી બાદ લાભપાંચમના દિવસે 450 જેટલાં સુરત-મુંબઈના હીરાવાળા બુર્સમાં ઓફિસો શરૂ કરવા તૈયારી દર્શાવી છે, ત્યારે આજે તા. 2 ઓગસ્ટના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી સહિત હીરાઉદ્યોગના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યું હતું.

મુલાકાત બાદ સુરતના હીરા ઉદ્યોગના આગેવાન દિનેશ નાવડીયાએ એક વીડિયો મેસેજ મારફતે કહ્યું કે, વડાપ્રધાન સાથે મુલાકાત ખૂબ જ સારી રહી હતી. વડાપ્રધાને ડિસેમ્બર મહિનામાં સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટેની તૈયારી દર્શાવી છે. સંભવત: 17 અથવા 24 ડિસેમ્બરે વડાપ્રધાન સુરત પધારશે અને બુર્સનું ઉદ્દઘાટન કરશે.

હીરા ઉદ્યોગના ગોવિંદ ધોળકીયા, સેવંતી શાહ, નાગજી સાકરીયા, લાલજીભાઈ, ઈશ્વર નાવડીયા, ધરમભાઈ ગાંગણી, અરવિંદભાઈ ધાનેરા અને મથુર સવાણી સહિતના આગેવાનો વડાપ્રધાનને રૂબરૂ મળી સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટે આમંત્રણ આપ્યું હતું.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર થાય તે માટે વડાપ્રધાનને હીરા ઉદ્યોગના આગેવાનોએ રજૂઆત કરી હતી. વડાપ્રધાન તરફથી આ મામલે પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો હતો. દિનેશ નાવડીયાએ કહ્યું કે, ડિસેમ્બરમાં બુર્સના ઉદ્દઘાટન સાથે સુરતના એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું બનાવવા જાહેરાત થાય તેવી અમારી ધારણા છે.

આ બાબતે સુરત ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે અમને એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે જવા કહ્યું હતું. અમે તેમની પાસે જઈને આ બાબતે રજૂઆત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુબ ખુશ થઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ બાબત અમારા ધ્યાનમાં છે. અમે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં દુબઈ અને હોંગકોંગની ફ્લાઈટ શરૂ કરીશું.’

હાલ બુર્સમાં 55,720 સ્કે.ફૂટ એરિયામાં ઈન્ટરીયરનું કામ ચાલે છે
સુરત અને મુંબઈની 400 ડાયમંડ કંપનીઓએ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ આપી છે. અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top