સુરત: સુરત (Surat) શહેરના ચોર્યાસી (Choryasi) તાલુકાના તલંગપુર (Talangpur) ગામના શેરડીના (SugarCane) ખેતરમાં (Farm) મંગળવારે સવારે મહાકાય અજગર (Paython) દેખાતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. ખેતરમાં કામ કરતા મજૂરો અજગરને જોઈને ડરી ગયા હતા. એનિમલ્સ ટ્રસ્ટ (Animals Trust) દ્વારા ભારે જહેમત ઉઠાવી તેનું રેસ્ક્યુ (Rescue) કરી લેવાયું હતું.
- શેરડીના ખેતરમાં ખેડૂતને અજગર દેખાયો
- અજગરનું એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા રેસક્યું કરાયું
- મહાકાય અજગરને જંગલમાં છોડી દેવાયો
પ્રાપ્ત જાણકારી મુજબ ચોર્યાસીના તલંગપુરના રહેવાસી નીકુભાઈ દેસાઈનું ગામમાં જ શેરડીનું ખેતર આવેલું છે. જ્યાં મંગળવારે સવારે એક અજગર દેખાયો હતો. ખેતરમાં કામ કરી રહેલા મજૂર રાકેશભાઈએ અજગર જોતાં જ તેના માલિકને જાણ કરતાં તેમણે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ-સચિનને જાણકારી આપતાં તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી.
એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સમીર પટેલે જણાવ્યું હતું કે, અમે સભ્યો સાથે પહોંચી ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યુ હતું. તેમણે ચોર્યાસી તાલુકાના વનવિભાગના આર.એફ.ઓ.ને જાણ કરતાં વનવિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે આવી ફેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ ટીમના સભ્યો અને વનવિભાગની ટીમ સાથે મળી અજગરને જંગલમાં છોડી મૂક્યો હતો. અજગરની લંબાઈ 9.8 ફૂટ હતી. જ્યારે વજન 18.30 કિલોગ્રામ હતું. અજગર પાણીના વહેણમાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વધુમાં સમીર પટેલ અને તેમની ટીમે લોકોને માહિતી આપી હતી કે, કોઈપણ વ્યક્તિને સાપની ઓળખ ન હોય તો જાતે પકડવાની કોશિશ ન કરવી જોઈએ. કોઈપણ સાપ કે અજગરને ગામડાંના વિસ્તારમાં ઝેરી સમજી મારી નાંખતા હોય છે. પરંતુ ખરેખર અજગર બિનઝેરી હોય છે. ક્યારેય પણ અજગર નીકળે અથવા અન્ય જીવ નીકળે તો તેને મારવું ન જોઈએ. તાત્કાલિક નજીકના વનવિભાગ અથવા તો એનિમલ્સ સંસ્થાને જાણ કરવી જોઈએ.