વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપાતું પાણી દુષિત હોવાનું પીએચએલ ના રિપોર્ટમાં બહાર આવ્યું છે. તમામ વિસ્તારમાં જે પાણી પુરવઠો આપવામાં આવે છે તેમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું જાણવા મળ્યું છે. એટલે ચોમાસા દરમિયાન જો ઉકળાયા વગર પાણી પીશો તો બીમાર પાડવાના સ્પષ્ટ વર્તારા છે. ચોમાસુ શરુ થતા જ શહેરના તમામ વિસ્તારોમાં ગંદા પાણીની બૂમો ઊઠવા પામી છે. હાલ કોર્પોરેશન અંતર્ગત આવતો એવો કોઈપણ ઝોન કે વિસ્તાર નહીં હોય જ્યાં ગંદા પાણીની તકલીફ ન હોય.
તેટલું જ નહીં, પબ્લિક હેલ્થ લેબોરેટરીએ તમામ ઝોનમાંથી લીધેલા નમુના નાપાસ થયા છે. એ જ સાબિત કરે છે કે, કોર્પોરેશન લોકોને ચોખ્ખું પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરમાં ચોમાસાની ઋતુમાં ગંદુ પાણી વિતરણ થતાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. ગંદા પાણીના કારણે તમામ વોર્ડમાં દુર્ગંધવાળું અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે. આ અંગે નાગરિકો કોર્પોરેશનને ફરિયાદ કરે તે બાદ પાલિકા તંત્ર દ્વારા જે તે વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઇ તેની તપાસણી શરૂ કરવામાં આવે છે.
ક્યા વિસ્તારમાં ક્યાં દૂષિત પાણી મળ્યું ?
ઉત્તર ઝોન – નાળિયાવાસ, બકરાવાડી.
દક્ષિણ ઝોન- જીઆઇડીસી રોડ, ઉમા નગર સોસાયટી, મનહર નગર-૧, તળાવ રોડ, શ્રી તુલસી ટાઉનશીપ, વડસર રોડ
વડવાળું કળિયું, માંજલપુર ગામ
પૂર્વઝોન – સત્યનારાયણ નગર, આજવા રોડ, સ્લમ કવાટર્સ, પાણીગેટ, વુડાના મકાન, કિશનવાડી, એકતા નગર,
પશ્ચિમ ઝોન – નારાયણ આવોરબીસ, અટલાદરા, અવધપુરા ગામ, હરીનગર રોડ, અંબિકા નગર, દિવાળીપુરા, મુક્તિનગર સોસાયટી, તાંદલજા રોડ, સમૃદ્ધિ સોસાયટી, વાસણા રોડ.