ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ સમગ્ર અમેરિકામાં ચોખાની અછત જોવા મળી રહી છે. લોકોમાં અગાઉથી ચોખા ખરીદવાની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. વધતી માંગના જવાબમાં ઘણા સ્ટોર્સે ચોખાના ગ્રાહકો ખરીદી શકે તેટલી થેલીઓની સંખ્યા પર નિયંત્રણો મૂક્યાં છે. છેલ્લાં ૧૨ વર્ષથી અમેરિકાના ડલ્લાસમાં રહેતા ક્રિષ્ના બી. કુમાર કહે છે કે તેમણે ત્યાં આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી. તેમનું કહેવું છે કે ‘‘નજીકની કરિયાણાની દુકાનોમાં ચોખા કે લોટ ઉપલબ્ધ નથી અને જ્યાં તે ઉપલબ્ધ છે ત્યાં તેના માટે બેથી ત્રણ ગણી કિંમત વસૂલવામાં આવી રહી છે. ગયા શુક્રવારે મને મારા મિત્રો પાસેથી ખબર પડી કે નજીકની કરિયાણાની દુકાનોમાં ચોખાની અછત છે. મેં તેને અફવા ગણાવી, કારણ કે હું જાણતો હતો કે ભારતમાં ચોખાનું ઉત્પાદન સારું છે, તેથી આવું ન થઈ શકે. પછી અચાનક મને મિત્રો અને સંબંધીઓ તરફથી વોટ્સએપ મેસેજ આવવા લાગ્યા કે ચોખા અને લોટ ઉપલબ્ધ નથી. પછીથી જ્યારે મેં જોયું કે જ્યાં ચોખા અને લોટની દુકાન હતી ત્યાં મેં મોટા ભાગની અભરાઈઓ ખાલી હતી.’’
ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. આ નિર્ણય બાદ હવે ભારત જે ચોખાની નિકાસ કરે છે તે લગભગ અડધી થઈ જશે. ભારત સરકારના આ નિર્ણયને કારણે વિશ્વભરના બજારમાં ચોખાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ગયા અઠવાડિયે ભારત સરકારના આ નિર્ણય બાદ અમેરિકામાં ભારતીય કરિયાણાની દુકાનોમાં ભારતીય મૂળનાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સોશ્યલ મિડિયા પર આવા કેટલાક વિડિયો પણ સામે આવ્યા છે, જેમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ચોખાની લૂંટ થતી જોવા મળી રહી છે. અમેરિકામાં રહેતાં ભારતીય મૂળનાં લોકો બજારમાં ચોખાની અછતના ડરથી બજારમાંથી વધુ ચોખા ખરીદી રહ્યા છે. આ પ્રતિબંધથી ઉત્તર અમેરિકા, યુરોપ અને પશ્ચિમ એશિયામાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
ભારત સરકારના જણાવ્યા અનુસાર સ્થાનિક બજારમાં ચોખાની કિંમત સતત વધી રહી છે. ચોખાના છૂટક ભાવમાં એક વર્ષમાં ૧૧.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. ગયા મહિને જ આ દર ૩ ટકા વધ્યો હતો. સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નીચે લાવવા અને ચોખાની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે સરકારે ગયા વર્ષે ૮ ઓગસ્ટના રોજ નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર ૨૦ ટકા નિકાસ જકાત લાદી હતી, જેથી આ પ્રકારના ચોખાની નિકાસ થોડી ઘટી જાય. આમ છતાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસમાં વધારો જોવા મળ્યો હતો.
ભારતમાંથી નોન-બાસમતી ચોખાની નિકાસ માર્ચ ૨૦૨૧-૨૦૨૨માં ૩૩.૬૬ લાખ ટનથી વધીને ૨૦૨૨-૨૦૨૩ (સપ્ટેમ્બર-માર્ચ) માં ૪૨.૧૨ લાખ ટન થઈ છે. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ (એપ્રિલ-જૂન) માં નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ લગભગ ૧૫.૫૪ લાખ ટન હતી, જે અગાઉના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ (એપ્રિલ-જૂન) કરતાં ૩૫ ટકા વધુ છે.
સરકારનું માનવું છે કે ચોખાની આ જાતની નિકાસમાં આ ઝડપી વધારો વિશ્વભરના ભૌગોલિક રાજકીય માહોલ, અલ નીનો અને ચોખા ઉત્પાદક દેશોમાં બદલાતા વાતાવરણને કારણે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કહ્યું છે કે ભારત દ્વારા નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધની વૈશ્વિક ખાધ ફુગાવા પર અસર થઈ શકે છે. IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયા ગુહાશને કહ્યું છે કે અમે ભારત સરકારને ચોખાની નિકાસ પરનાં આવાં નિયંત્રણો દૂર કરવા માટે કહીશું, કારણ કે તેની અસર વિશ્વ પર પડી શકે છે. ભારતના આ નિર્ણયની અસર કાળા સમુદ્રમાંથી યુક્રેનના અનાજની નિકાસ પર પ્રતિબંધ લગાવવા જેવી જ હશે, જેના કારણે અન્ય દેશોમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે.
ભારત ૧૪૦ થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે. ભારતીય નોન-બાસમતી ચોખાના મુખ્ય ખરીદદારોમાં આફ્રિકન દેશ બેનિન, બાંગ્લા દેશ, અંગોલા, કેમરૂન, જીબુટી, પાપુઆ ન્યુ ગિની, આઇવરી કોસ્ટ, કેન્યા અને નેપાળનો સમાવેશ થાય છે. ઈરાન, ઈરાક અને સાઉદી અરેબિયા મુખ્યત્વે ભારતમાંથી પ્રીમિયમ બાસમતી ચોખા ખરીદે છે. ભારતીય ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરની રોપણી કરે છે. જૂનમાં વાવેલા પાકનું કુલ ઉત્પાદન ૮૦ ટકાથી વધુ છે, જે ૨૦૨૨-૨૩માં ૧૩.૫૫ કરોડ ટન હતું. ડાંગરની ખેતી મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ ભારતમાં શિયાળાના મહિનાઓમાં થાય છે. સરકાર દ્વારા ચોખાના ખરીદ ભાવ વધાર્યા બાદ એવી ધારણા હતી કે ચોખાનું વાવેતર વધશે, પરંતુ ૨૦૨૨ની સરખામણીમાં ખેડૂતોએ ૬ ટકા ઓછા વિસ્તારમાં ડાંગરનું વાવેતર કર્યું છે.
ભારતના ઉત્તરીય ભાગોમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે પંજાબ અને હરિયાણા તેમજ ઘણાં રાજ્યોમાં પાકને નુકસાન થયું હતું. ઘણા ખેડૂતોએ ફરીથી વાવેતર કરવું પડ્યું હતું. ઉત્તર ભારતમાં ઘણાં સ્થળોએ ડાંગરનાં ખેતરો એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી જળબંબાકાર રહ્યાં હતાં, જેના કારણે વાવેતર કરાયેલ પાકનો નાશ થયો હતો. ખેડૂતોને ખેતરમાંથી પાણી ઓસરી જવાની રાહ જોવી પડી હતી જેથી તેઓ ફરીથી વાવેતર કરી શકે. ઘણાં મોટાં ચોખા ઉત્પાદક રાજ્યોમાં પૂરતો વરસાદ ન હોવાને કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. ભારતે ૨૦ જુલાઈના રોજ સ્થાનિક પુરવઠો વધારવા અને આગામી તહેવારો દરમિયાન છૂટક કિંમત પર નિયંત્રણ રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટોચના નિકાસકાર ભારતે નિયંત્રણો લાદ્યા પછી ભાવમાં વધારો થયો હતો, જે પહેલાંથી જ પ્રતિકૂળ હવામાન અને બગડતી પરિસ્થિતિઓથી ઘેરાયેલા વૈશ્વિક ખાદ્ય બજારો પરની તાણમાં વધારો કરી શકે છે.
ભારતે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો તેને કારણે એશિયામાં ચોખાના ભાવ ત્રણ વર્ષથી વધુ સમયના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આનાથી વિશ્વભરનાં લોકો માટે ચોખાના પુરવઠાની ચિંતા વધી છે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે અને વિશ્વના ચોખાના વેપારમાં એકલા ભારતનો હિસ્સો ૪૦% છે. થાઈ રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના કહેવા અનુસાર થાઈ સફેદ ચોખાની કિંમત વધીને ૫૭૨ ડોલર પ્રતિ ટન થઈ છે, જે એપ્રિલ ૨૦૨૦ પછીનું સૌથી ઊંચું સ્તર છે. આ ભાવમાં બે અઠવાડિયાની સરખામણીમાં ૭% નો વધારો થયો છે. ચોખા એશિયા અને આફ્રિકાના કરોડો લોકોના આહારનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
ભારત મોટા પાયે અમેરિકામાં ચોખાની નિકાસ કરે છે. નિકાસ થતા ચોખામાં ૨૫ ટકા બાસમતી ચોખાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૨-૨૩માં સફેદ ચોખા એટલે કે નોન-બાસમતી ચોખાની નિકાસ ૪૨ લાખ ડોલરની કિંમતે કરવામાં આવી હતી. તેના આગલા વર્ષ ૨૦૨૧-૨૨માં આ આંકડો ૨૬ લાખ ડોલર હતો. અમેરિકા ઉપરાંત ભારતમાંથી સ્પેન, ઈટાલી, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોમાં ચોખાની નિકાસ થાય છે. આ વર્ષે પહેલાં માત્ર ત્રણ મહિનામાં ૧૫.૫૪ લાખ ટન ચોખાની નિકાસ કરવામાં આવી છે. દર વર્ષે ત્રિમાસિક ધોરણે ચોખાની નિકાસમાં વધારો થાય છે; પરંતુ આ વખતે ભારત દ્વારા મૂકાયેલો પ્રતિબંધ ઘણા દેશો માટે ચોખાનું સંકટ પેદા કરી શકે છે. જળવાયુ પરિવર્તનને કારણે દુનિયાના ઘણા દેશો ભૂખમરાના આરે આવીને ઊભા છે.